
2002ના રમખાણોથી ઉદય: 2014માં વાયદાઓથી સત્તા : આશા ઠગારી નીવડી
ન્યુયોર્ક, તા. 10 મે, 2019, શુક્રવાર
પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ખ્યાત મેગેઝિન 'ટાઈમ'ના આગામી અંકની એશિયન-આફ્રિકન આવૃત્તિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કવર સ્ટોરી બનાવાઈ છે જેમાં મોદીના આર્ટવર્ક તસવીર સાથેના મુખપૃષ્ઠ પર હેડિંગ છે કે ‘India's Divider in Chief એટલે કે ભારતના વિભાજન કે ભાગલા પાડનાર મુખ્ય વ્યક્તિ.
''ટાઈમ''નો આ અંક ૨૦ મેની આસપાસ બજારમાં મુકાશે પણ વેબસાઇટ પર કવર અને કવર સ્ટોરીની ઝલક બંને મુકાઈ જતા મોદીને વૈશ્વિક સ્તરે નીચા જોવાપણું થયું છે. કોઈ ઘટના કે વ્યક્તિને વિશ્વ કઈ રીતે મૂલવે છે તેનો માપદંડ કે અરીસો 'ટાઈમ'ની કવર સ્ટોરી માનવામાં આવે છે.
મેગેઝિનમાં અંદર જે કવર સ્ટોરી રજુ થઈ છે તેનું હેડિંગ તો મોદીને ભારતમાં હજુ મતદાનના મહત્વના બે તબક્કા બાકી છે ત્યારે નાલેશી સાથે ફટકાર આપે તેવું છે. લાંબુ કહી શકાય તેવું હેડિંગ છે કે ‘Can the World's Largest Democraey Endure Another Five Years of Modi Government ? શું વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર મોદી સરકારના બીજા પાંચ વર્ષનું શાસન સહન કરી શકે ?
આતિશ તાસીર નામના એશિયાના જાણીતા રાજકીય વિશ્લેષકે ઉપરોક્ત લેખમાં નહેરૃના સમાજવાદના એ વર્ષો અને ભારતની વર્તમાન સામાજિક પરિસ્થિતિની તુલના કરી છે. સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોદીને હિન્દુ અને મુસલમાનો વચ્ચે ભાઈચારાની ભાવના વધારવા માટેની કોઈ ઈચ્છા જ નથી જણાતી.
નહેરૃ પરિવાર પર શાબ્દિક હૂમલા અને કોંગ્રેસમુક્ત ભારત તે જ તેમનો ધ્યેય છે. મોદી સત્તા પર આવ્યા ત્યાં સુધી ભારતમાં ઉદાર સંસ્કૃતિનો માહોલ હતો પણ હવે ધાર્મિક રાષ્ટ્રવાદ, મુસલમાનો વિરૃદ્ધ લાગણી ઉશ્કેરવી તેમજ જાતિગત કટ્ટરતાનું વાતાવરણ છે.
'ટાઈમ'ના આ લેખમાં ૧૯૮૪ના શીખો પરની હિંસા અને ગુજરાતના ૨૦૦૨ની કોમી હિંસાનો ઉલ્લેખ કરી એવી તુલના કરાઈ છે કે કોંગ્રેસની નેતાગીરી પણ ૧૯૮૪ની ઘટનાથી આરોપ મુક્ત નથી પણ કોંગ્રેસે ઉન્માદી ભીડથી તેમને અલગ રાખ્યું હતું. જ્યારે મોદી ૨૦૦૨ના દંગામાં 'ઉન્માદી ભીડના દોસ્ત' બન્યા હતા.
તાસીર એમ પણ લખે છે કે ૨૦૧૪માં મોદીએ નાગરિકોના આક્રોશને આર્થિક વાયદાઓ આપી તેના તરફ વશ કરી લીધા. તેમણે નોકરી અને વિકાસની વાત કરી, પણ હવે એવું માનવું મુશ્કેલ લાગે છે કે તે ખરેખર વાસ્તવિક આશાઓ જગવતી ચૂંટણી હતી.
આ વચનો અને આશા ઠગારી નીવડી છે. આર્થિક ચમત્કાર લાવવાના મોદીએ કરેલા વાયદા નિષ્ફળ ગયા છે. ખરેખર તો મોદીએ સત્તા પર આવીને ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ સર્જી ઝેર જ ફેલાવ્યું છે.
મેગેઝિનના લેખમાં એ પણ નોંધ લેવાઈ છે કે ગાય પ્રત્યેની અનુકંપા વ્યક્ત કરવાના બહાને મુસલમાનો પર અવારનવાર હુમલા થતા રહ્યા છે. એક પણ એવો મહિનો નહીં ગયો હોય જ્યારે નાગરિકોના સ્માર્ટ ફોન પર હિન્દુ ભીડ મુસલમાનોને આ માટે જવાબદાર માની ફટકારતી ના હોય. ૨૦૧૭માં આવા જ માહોલ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ભાજપ ચૂંટણી જીત્યું તો ભગવાધારી અને નફરત ફેલાવનાર મહંતને મુખ્યમંત્રી બનાવી દેવાયા.
લેખમાં નહેરૃને ટાંકીને એવું લખાયું છે કે અંગ્રેજોએ ૧૯૪૭માં બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા કર્યા અને પાકિસ્તાનનો જન્મ થયો હતો પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચુકેલા નહેરૃએ નિર્ણય લીધો કે ભારત માત્ર હિન્દુઓ માટે જ નહીં પણ સર્વધર્મની ભૂમિ બની રહેશે.
નહેરૃની વિચારસરણી બિનસાંપ્રદાયિક હતી. એટલે સુધી કે ભારતીય મુસલમાનોને શરિયા પર આધારિત કુટુંબ કાયદા પ્રમાણે રહેવાનો અધિકાર જેમાં ત્રણ વખત તલાક બોલીને તલાક લેવાનું સામેલ હતું. નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં એક આદેશ જારી કરીને આ તલાક પ્રથાને કાનુની અપરાધમાં ફેરવી દીધી.
લેખક-પત્રકાર આતિશ તાસીરે મોદી ભારતમાં આજે પણ મજબુત છે તે માટે કોંગ્રેસની નેતાગીરી અને સોચને જ જવાબદાર ગણી ઝાટકણી કાઢી છે. મોદીને નબળા હરિફો જ ફાયદો કરાવી આપે છે. કોંગ્રેસ પાસે મોદી વિરૃદ્ધ જાણે કોઈ એજન્ડા જ ના હોય તેવી અણઆવડતભરી સ્થિતિ છે.
પ્રિયંકા ગાંધીને મોદીને કાઉન્ટર કરવા મેદાનમાં ઉતારવા તે જ તેઓને ચૂંટણી જીતવાની કે મોદીને મહાત કરવાની પરિકલ્પના છે. આ એવું વિચિત્ર લાગે છે કે જાણે ૨૦૨૦ની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ પક્ષ ફરી હિલેરી ક્લીન્ટનને પ્રમુખના ઉમેદવાર તરીકે અને તેમાં આકર્ષણ તત્ત્વનો ઉમેરો થાય એટલે તેમના પુત્રી ચેલસીને ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે ઔઉતારે !
પત્રકાર બ્રેમરનો મોદીની આર્થિક નીતિથી પ્રભાવિત લેખ
'ટાઈમ મેગેઝિન'ના અંકમાં એક લેખમાં મોદીની ટીકા, બીજામાં પ્રશંસા
'અમેરિકા, ચીન, જાપાન જોડે ભારતના સંબંધ મોદીને લીધે સુધર્યા'
ન્યૂયોર્ક, તા. 10 મે, 2019, શુક્રવાર
'ટાઈમ મેગેઝિન'ના આગામી જે અંકમાં મોદીની "India's Divider in Chief." શિર્ષક હેઠળ કવર સ્ટોરી છે તે જ અંકમાં એક બીજો લેખ પણ છે જેનું હેડિંગ "Modi is India's Best Hope For Economic Reform" છે. આ લેખમાં ઇવાન બ્રેમર નામના લેખક પત્રકારે મોદીની આર્થિક નીતિઓની જોરદાર પ્રસંશા કરી છે. બ્રેમર લખે છે કે મોદી જ એવા શખ્સ છે કે જે ભારતને કંઈક આપી શકે છે. ભારતે મોદીના નેતૃત્વમાં ચીન, અમેરિકા, જાપાન જોડેના તેના સંબંધો તો સુધાર્યા જ છે પણ તેના દેશની આંતરિક નીતિઓમાં પણ બદલાવ લાવીને કરોડો નાગરિકોની જિંદગીમાં સુધારો લાવવામાં સફળતા ઔમેળવી છે.
મોદીએ જટિલ કરવેરાના માળખાને સરળ બનાવતા જીએસટીને લાગુ કર્યો જે સરાહનીય પગલુ કહી શકાય. નવી સડકોનું નિર્માણ, હાઈ વે, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને એરપોર્ટના નવિનીકરણથી આર્થિક સંભાવનાઓમાં આશાનો સંચાર થયો છે તેમ બ્રેમરે લખ્યું છે. ૭૦ વર્ષોથી અંધારૃં હતું ત્યાં મોદીની સરકારે વીજળી પહોંચાડી છે. આમ 'ટાઈમ મેગેઝિન'માં મોદી પરના બે વિરોધાભાસી લેખથી એવું પણ લાગે કે મેગેઝિન દૂધ અને દહીં બંનેમાં પગ રાખીને મોદીની નારાજગી વહોરી લેવા નથી માંગતું.
મોદીનું 'ટાઇમ'ની નજરે 'રાઇઝ' એન્ડ 'ફોલ'
૨૦૧૨ના 'ટાઇમ'ના ટાઇટલ પર 'મોદી મિન્સ બિઝનેસ, ૨૦૧૫માં 'વ્હાય મોદી મેટર્સ' તરીકે ચમક્યા હતા
ત્રણ વર્ષમાં મોદીને 'ટાઇમ'ની 100 પ્રભાવશાળી વ્યક્તિમાં સ્થાન
૨૦૧૫માં મોદી વડાપ્રધાન તરીકેની ભારતની અને તેની વૈશ્વિક છબિ ઉજાગર કરી રહ્યા હતા ત્યારે 'વ્હાય મોદી મેટર્સ' તેવા હેડિંગ સાથે કવર સ્ટોરી પ્રકાશિત થઇ હતી. ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૭માં મોદીને 'ટાઇમ' દ્વારા વિશ્વની સૌથી ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિ વિશેષની યાદીમાં સ્થાન મળ્યું હતું. પણ હવે 'ટાઇમ' મેગેઝિને ૨૦૧૪ના મોદીના પાંચ વર્ષના વડાપ્રધાન કાર્યકાળને લોકશાહી માટે ભયજનક અને નાગરિકો માટે નિરાશાજનક રીતે દર્શાવતા નકારાત્મક મૂલ્યાંકન કરવાની ફરજ પડી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VurXFO
via Latest Gujarati News
0 Comments