IPL ફાઈનલની ૨૫ હજારથી વધુ ટિકિટો બે જ મિનિટમાં વેચાઈ ગઈ!

નવી દિલ્હી, તા.૧૦

મેચ ફિક્સિંગથી લઈને સટ્ટેબાજી સહિતના વિવાદોમાં સપડાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનની ફાઈનલની ટિકિટોના વેચાણ અંગે વિવાદ સર્જાયો છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટની નિમેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ જ્યારે બોર્ડ પર નજર રાખી રહી છે, ત્યારે આઇપીએલની ફાઈનલની આશરે ૨૫ થી ૩૦ હજાર જેટલી ટિકિટો ઓનલાઈન માત્ર બે જ મિનિટમાં વેચાઈ જવાની ઘટનાને પગલે ભારે વિવાદ સર્જાયો છે.

બોર્ડે આઇપીએલની ફાઈનલની ટિકિટોનું વેચાણ એક ખાનગી વેબસાઈટને આપ્યું હતુ અને તેણે ગણતરીની મિનિટોમાં જ બધી ટિકિટો વેચાઈ ગઈ છે, તેમ કહીને વેચાણ બંધ કરી દેતાં ક્રિકેટ ચાહકોમાં ભારે રોષ અને નારાજગી ફેલાઈ હતી. કેટલી ટિકિટો વેચાણમાં મૂકાઈ હતી, તે પણ સ્પષ્ટ થઈ શક્યું નથી. સામાન્ય રીતે ઓનલાઈન વેચાણ માટે ૨૫ થી ૩૦ હજાર ટિકિટો મુકાતી હોય છે. 

ટિકિટોના વેચાણમાં કૌભાંડની શંકા એટલા માટે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે આઇપીએલની ફાઈનલની ટિકિટોનું વેચાણ ક્યારે અને કેટલા વાગ્યાથી શરૃ થશે તેની કોઈ પૂર્વજાહેરાત જ કરવામાં આવી નહતી. જેના કારણે સામાન્ય ચાહકોને તો આ અંગે કોઈ માહિતી જ નહતી. જોકે અંદરના વ્યક્તિઓ આ વેચાણ અંગે માહિતી ધરાવતા હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. 

ભારતીય ક્રિકેટ બોર્ડને વધુ પારદર્શી અને જવાબદાર બનાવવા માટે લોઢા સમિતિએ ભલામણોની લાંબી યાદી તૈયાર કરી હતી અને સુપ્રીમ કોર્ટે તેને મંજૂર પણ કરી હતી. જે પછી વિનોદ રાયની આગેવાની હેઠળની કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સની નિયુક્તિ કરી હતી, કે જેઓ બોર્ડના વહિવટ પર દેખરેખ રાખે અને લોઢા સમિતિની ભલામણોનો અમલ કરાવે. જોકે બોર્ડ અને આઇપીએલની કાર્યપદ્ધતિમાં ખાસ ફેરફાર થયો હોય તેવું જોવા મળ્યું નથી.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hdkxho
via Latest Gujarati News

Post a Comment

0 Comments