ફ્રેન્કફર્ટ, તા. ૧૦
ઈંગ્લિશ કલબ ચેલ્સીએ ગોલકિપર કેપ એરિઝાબલગાના જબરજસ્ત દેખાવને સહારે ઘરઆંગણે રમી રહેલી ફ્રેન્કફર્ટ એન્ટ્રાચ્ટ્ કલબને દિલધડક પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી હરાવીને યુરોપા લીગની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંને ટીમો વચ્ચેની ફર્સ્ટ લેગની સેમિ ફાઈનલ ૧-૧થી બરોબરી પર રહી હતી. જે પછી સેકન્ડ લેગ સેમિ ફાઈનલમાં પણ બંને ૧-૧થી બરોબરી પર રહેલા બંને મેચોના સ્કોર ભેગા કરતાં તે ૨-૨ થયો હતો. અવે ગોલમાં પણ બંને ટીમો બરોબરી પર રહી હતી. આખરે પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેમાં ચેલ્સીએ ૪-૩થી બાજી મારી હતી.
યુરોપા લીગમાં પણ ઓલ ઈંગ્લિશ ફાઈનલ રમાશે. ઈંગ્લિશ કલબ આર્સેનલે સેકન્ડ લેગ સેમિ ફાઈનલમાં ૪-૨થી પરાજય આપ્યો હતો. અગાઉ ફર્સ્ટ લેગની સેમિ ફાઈનલમાં આર્સેનલ ૩-૧થી વાલેન્સિયા સામે જીત્યું હતુ અને બંને મેચોના સ્કોર ભેગા કરતાં આર્સેનલે ૭-૩થી આસાન જીત હાંસલ કરી હતી. યુરોપની અપર અને લોઅર પૂલની લીગ તરીકે ઓળખાતી ચેમ્પિયન્સ લીગ અને યુરોપા લીગમાં ઈંગ્લિશ કલબોનો દબદબો જોવા મળ્યો છે. આ સિઝનમાં બંને લીગની ફાઈનલમાં પ્રવેશનારી ચારેય કલબો ઈંગ્લેન્ડની છે. ચેમ્પિયન્સ લીગમાં લીવરપૂલની ટક્કર ટોટેનહામ સામે થવાની છે. યુરોપની બે મેજર લીગની ચારેય ફાઈનલીસ્ટ ઈંગ્લેન્ડની જ હોય તેવી અનોખી ઘટના ઈતિહાસમાં સૌપ્રથમ વખત બની હતી.
ચેલ્સી-ફ્રેન્કફર્ટ વચ્ચેનો રોમાંચક મુકાબલો
સેકન્ડ લેગની સેમિ ફાઈનલમાં રુબેન લોફ્ટસ-ચીક્સના ગોલથી સરસાઈ મળી હતી. જોકે એન્ટ્રાચ્ટ્ ફ્રેન્કફર્ટને લુકા જોવિકના ગોલને સહારે બરોબરી મળી હતી. જે પછી પેનલ્ટી શૂટઆઉટમાં શરૃઆતની ત્રણ કીક બાદ એન્ટ્રાચ્ટ ફ્રેન્કફર્ટે ૩-૧થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે ચેલ્સીના ગોલકિપર એરિઝાબલગાએ ચોથી અને પાંચમી કીકને ગોલમાં જતી અટકાવી હતી. જ્યારે ચેલ્સી તરફથી ડેવિડ લુઈઝ બાદ એડન હેઝાર્ડે ગોલ ફટકારતાં ચેલ્સીએ ૪-૩થી નાટકીય વિજય મેળવ્યો હતો.
ઓબામેયાંગની ગોલ હેટ્રિકને સહારે આર્સેનલ જીત્યું
ઘરઆંગણાના મેદાન પર રમી રહેલા આર્સેનલ તરફથી પિયારે-એમરિક ઓબામેયાંગે ગોલ હેટ્રિક ફટકારતાં ટીમને ૪-૨થી વાલેન્સિયા સામે જીત અપાવી હતી. આર્સેનલ તરફથી અન્ય એક ગોલ એલેક્ઝાન્ડર લાકાઝેટ્ટીએ ફટકાર્યો હતો. જ્યારે સ્પેનિશ કલબ વાલેન્સિયા તરફથી કેવિન જામેઈરોએ બે ગોલ ફટકાર્યા હતા.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YkSVg2
via Latest Gujarati News
0 Comments