અમદાવાદ, તા.23 મે, 2019, ગુરૂવાર
લોકસભાની ચૂંટણીની મત ગણતરીમાં આજે સવારથી જ એનડીએને બહુમતી મળશે એવું ચિત્ર સ્પષ્ટ થતાં મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મજબૂત ટોને થયા બાદ પ્રચંડ ઉછાળા સાથે સેન્સેક્સે ૪૦,૦૦૦ની સપાટી કૂદાવ્યા બાદ આવેલ સટ્ટારૂપી નફારૂપી વેચવાલીના દબાણના પગલે સેન્સેક્સ ઉંધા માથે પટકાતા રોકાણકારોને ભારે નુકસાન થવા પામ્યું છે.
ગત સપ્તાહે લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે તેવા એંધાણ જાહેર થયા બાદ બીજા દિવસે શેર બજારમાં ૧૪૦૦ પોઇન્ટનો પ્રચંડ ઉછાળો નોંધાયો હતો. ચૂંટણીને અનુલક્ષીને સટોડિયાઓ દ્વારા મોટા પાયે નવી લેવાલી હાથ ધરીને બજાર ઉંચકાયું હોવાનું બજારના જાણકાર વર્તુળો જણાવતા હતા.
ત્યારબાદ બીજા દિવસે બજારમાં પીછેહઠ થઈ હતી અને ફરીથી તેના બીજા દિવસે બજાર ઉંચકાયું હતું. આજે સવારે મત ગણતરી શરૂ થવાની સાથે જ એનડીએને બહુમતી મળશે તેવું ચિત્ર ઉપસતા ફરી એકવાર સટોડિયાઓ મેદાને ઉતર્યા હતા અને નવી લેવાલી હાથ ધરીને બજાર ઉંચક્યું હતું. જેના પગલે સેન્સેક્સ ૯૦૦થી પણ વધુ પોઇન્ટ વધીને ૪૦,૦૦૦ની સપાટી કૂદાવી ગયો હતો.
સેન્સેક્સ ૪૦,૧૨૫ની નવી સપાટી રચ્યા બાદ ફરી એકવાર સટોડિયાઓ મેદાનમાં ઉતર્યા હતા અને મોટા પાયે સટ્ટારૂપી નફો બુક કરીને સેન્સેક્સને પટક્યો હતો જેના પગલે સેન્સેક્સ તો ઉંચા મથાળેથી પાછો આવ્યો જ તેની સાથોસાથ રોકાણકારોની મૂડીનું પણ મોટા પાયે ધોવાણ થવા પામ્યું હતું. આમ, ચૂંટણીના પરિણામોના એક્ઝિટ પોલ અને મત ગણતરીના દિવસની શેર બજારની ઉથલપાથલના કારણે સરવાળે તો રોકાણકારોને નુકસાન જ થયું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VKJF2U
via Latest Gujarati News
0 Comments