અમારા માટે મોદીના શપથમાં આવવા કરતાં કાશ્મીરનો ઉકેલ વધુ મહત્ત્વનો : પાક.


ઇસ્લામાબાદ, તા. 28 મે, 2019, મંગળવાર

નરેન્દ્ર મોદી આગામી ૩૦મીએ વડા પ્રધાન પદે શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે. તેમની આ શપથવીધીમાં બિમ્સ્ટેક દેશો જેમ કે શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાંમાર, થાઇલેંડ, ભુતાન, નેપાલના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે આ યાદીમાંથી પાકિસ્તાનની બાદબાકી કરવામાં આવી છે. જેને પગલે પાકિસ્તાનને પેટમાં દુખ્યું હતું. 

પાકિસ્તાને જણાવ્યું હતું કે ભારતનું આંતરીક રાજકારણ મોદીને પોતાના સમકક્ષ ઇમરાન ખાનને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવાની અનુમતી નથી આપી રહ્યું. પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે અમારા માટે કાશ્મીર મુદ્દાની સાથે જ સિયાચિન અને સર ક્રીક વિવાદોનુ નિરાકરણ સંબંધી વાતચીત મોદીના શપથમાં હાજરી કરતા વધુ જરુરી છે. 

પાકિસ્તાની મીડિયાને કુરેશીએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીનું પુરુ ધ્યાન પાકિસ્તાન પર નિશાન સાધવામાં જ રહ્યું, અમને એવી આશા નથી કે આ પ્રકારની માનસિક્તામાંથી મોદી જડપથી બહાર આવી જશે. એક તરફ આમંત્રણ ન મળતા ટીકા કરી હતી બીજી તરફ વાતચીતથી નિરાકરણ લાવવામાં આવશે તેવી અપીલ કરી હતી.

સાથે દાવો કર્યો હતો કે અમને મોદીની શપથવીધીમાં કોઇ રસ નથી અમને તો કાશ્મીર જેવા મુદ્દાઓના નિરાકરણમાં રસ છે અને તેના માટે અમે વાતચીત કરવા તૈયાર છીએ. એવી શક્યતાઓ હતી કે મોદી અને ઇમરાન ખાન વચ્ચે આગામી દિવસોમાં યોજાનારી સાંઘાઇ બેઠકમાં વાતચીત થઇ શકે છે. બિશકેકમાં આ બેઠક યોજાવાની છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન બન્ને ભાગ લેવાના છે.

જોકે સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે મોદી અને ઇમરાન વચ્ચે આ બેઠકમાં વાતચીત યોજાશે કે કેમ તે અંગે કોઇ જ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી. પાકિસ્તાને પણ આ અંગે કોઇ જ સ્પષ્ટતા કરી નથી. તેથી એવી અટકળો છે કે મોદી અને ઇમરાન ખાન વચ્ચે કોઇ સત્તાવાર બેઠક ન પણ યોજાય અને સામાન્ય વાતચીત જ થાય.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KiDsJR
via Latest Gujarati News

Post a Comment

0 Comments