રમઝાનના પવિત્ર માસમાં હિંદુ વ્યક્તિનો જીવ બચાવવા માટે મુસ્લીમ વ્યક્તિએ રોઝા તોડયા


(પીટીઆઈ) ગુવાહાટી, તા. 11 મે, 2019, શનિવાર

ગુવાહાટીના ૨૬ વર્ષીય પાનુલ્લા અહમદે પવિત્ર રમઝાન માસમાં એક વ્યક્તિનો જીવ બચાવવા માટે પોતાના રોઝા તોડીને સદભાવનાનું અનેરું ઉદાહરણ રજૂ કર્યું છે. અહમદ વહેલી સવારે સેહરી કર્યા બાદ આરામ કરી રહ્યો હતો તે સમયે તેણે પોતાના રુમમેટ તપશ ભગવતીને ચિંતાગ્રસ્ત જોઈને કારણ પુછ્યું હતું. 

ભગવતી એક સ્વૈચ્છિક રક્તદાતા સમૂહનો સદસ્ય છે અને એક વ્યક્તિને 'ઓ પોઝિટીવ' લોહીના બે યુનિટની ખૂબ જરુર હોવાની વાતને લઈને તે ચિંતામાં હતો. હોસ્પિટલના ઓપરેશન થિએટરમાં ટેક્નિશીયન તરીકે કામ કરતા તપશને અહમદ લોહી આપી શકે તે વાતની ખબર હતી પરંતુ તેને રોઝા હોવાથી તે કમજોર પડી શકે તેવી ચિંતાને લઈને તેણે અહમદની મદદ નહોતી માંગી.

પરંતુ સમગ્ર વાત જાણ્યા બાદ અહમદ તરત જ લોહી આપવા માટે તૈયાર થઈ ગયો હતો અને તેણે આ બાબતે થોડા મૌલવીઓની સલાહ પણ લીધી હતી. મૌલવીઓએ અહમદને રક્તદાન માટે પ્રોત્સાહન આપ્યું હતું અને સાથે જ જો અશક્તિ અનુભવાય તો રોજા તોડી દેવા માટે પણ કહ્યું હતું. અહમદે પોતાના 'બી પોઝિટીવ' લોહીના એક યુનિટનું દાન કરીને તે વ્યક્તિ માટે હોસ્પિટલમાંથી 'ઓ પોઝિટીવ' લોહી મેળવ્યું હતું અને પોતાના રોજાનો ભોગ આપ્યો હતો. 

આ કારણે ડોક્ટર્સ બિઝનેસમેન ગોગોઈના પેટમાં રહેલી બે ગાંઠનું ઓપરેશન કરવામાં સફળ રહ્યા હતા અને હવે તે ગાંઠની કેન્સર માટે ચકાસણી કરાશે. ગોગોઈના સાળાએ અહમદનો આભાર વ્યક્ત કર્યો હતો અને અહમદે રક્ત દાનના બદલામાં કશું લેવાનો ઈનકાર કર્યો તેની પ્રશંસા કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E4EZiq
via Latest Gujarati News

Post a Comment

0 Comments