
(પીટીઆઈ) ગુરદાસપુર, તા. 13 મે, 2019, સોમવાર
પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સની દેઓલનો રોડ અકસ્માતમાં સુખદ બચાવ થયો છે. પોલીસે જણાવ્યા પ્રમાણે સની દેઓલ ફતેહગઢ ચૂડિયામાં પ્રચાર માટે જઈ રહ્યા હતા તે સમયે અમૃતસર-ગુરદાસપુર નેશનલ હાઈવે પર તેમની ગાડીનું ટાયર ફાટયું હતું જેથી પાછળ રહેલી અન્ય ચાર ગાડીઓ પણ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં કોઈને ઈજાઓ નથી પહોંચી અને ગાડીને નુકસાન થતા સની દેઓલ બીજી ગાડી દ્વારા પ્રચાર કરવા માટે નીકળી ગયા હતા. સનીની ગાડીનું ટાયર ફાટતા ચાર અન્ય ગાડીઓ એકબીજા સાથે ભટકાઈ હતી જે પૈકીની ત્રણ સનીના કાફલામાં શામેલ હતી જ્યારે અન્ય એક ત્યાંના સ્થાનિકની હતી. ગુરદાસપુર લોકસભા બેઠકમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા સની દેઓલે કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન સાંસદ સુનીલ જાખડ સામે ઉમેદવારી નોંધાવી છે.
૬૨ વર્ષીય અભિનેતાએ ગત મહિને રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી અને તેના થોડા સમયમાં જ ભાજપે તેમને પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા હતા. પિતા ધર્મેન્દ્ર અને સાવકી માતા હેમા માલિની બાદ સની દેઓલ પરિવારના ત્રીજા રાજકીય સભ્ય બન્યા છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિનોદ ખન્ના ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૧૪માં ગુરદાસપુર બેઠકથી ભાજપના સંસદ સભ્ય રહ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jk0GPL
via Latest Gujarati News
0 Comments