લખનઉ, તા. ૨૦
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ભલામણ પર રાજ્યના રાજ્યપાલ રામ નાઇકે ઓમપ્રકાશ રાજભરને મંત્રી પદેથી દૂર કર્યા છે. રાજભરની પાસે પછાત વર્ગ કલ્યાણ અને વિકલાંગ જન વિકાસ મંત્રાલય હતું.
લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામ આવ્યાના એક દિવસ પછી ઉત્તર પ્રદેશમાં ભાજપના સહયોગી પક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓપી રાજભરને ઉત્તર પ્રદેશ કેબિનેટમાંથી દૂર કરવા માટે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઇકની મંજૂરી માગી હતી.
ઉલ્લેખનીય છે કે રવિવારે જાહેર થયેલા મોટા ભાગના એક્ઝિટ પોલમાં ફરીથી એનડીએની સરકાર આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. કેબિનેટમાંથી બરતરફ કરવાના યોગીના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા રાજભરે જણાવ્યું છે કે ગરીબોનો અવાજ ઉઠાવવા સજા મળી છે. જો હકની માગણી કરવી બળવો છે તો હું બળવાખેર છું.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ઉત્તર પ્રદેશમાં ભાજપનો સહયોગી પક્ષ છે અને ૨૦૧૭ની વિધાનસભામાં ચાર બેઠકો જીતી હતી. જો કે રાજભરે લોકસભાની ચૂંટણી ભાજપ સાથે મળીને લડી ન હતી.
રાજભરે લોકસભાની ચૂંટણીમાં ૩૯ ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. આ ઉપરાંત કેટલીક બેઠકો પર તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની વિરુદ્ધ પણ પ્રચાર કર્યો હતો.
જો કે રાજભરના પુત્ર અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના મહાસચિવ અરૃણ રાજભરે જણાવ્યું હતું કે અમારા પક્ષનું ભાજપ સાથેનું ગઠબંધન ફક્ત વિધાનસભા ચૂંટણી પૂરતું મર્યાદિત હતું લોકસભા ચૂંટણી માટે નહીં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JUy7YD
via Latest Gujarati News
0 Comments