(પીટીઆઇ) જેદ્દાહ, તા. ૨૦
ઇરાન અને વેનેઝુએલાનું ઉત્પાદન ઘટયું હોવા છતાં ઓઇલનો જથ્થો પૂરતો છે અને ઓઇલનું સંગ્રહ હજુ પણ વધી રહ્યું છે તેમ સાઉદી અરેબિયા અને યુએઇએ ઓપેકની બેઠકમાં જણાવ્યું હતું.
ખાડીમાં અમેરિકા અને ઇરાન વચ્ચે વધતી તંગદિલીને કારણે અસ્થિર ઓઇલ માર્કેટને સ્થિર બનાવવા માટે ઓપેકની બેઠક મળી હતી. અમેરિકા અને ઇરાનની તંગદિલીને પગલે વૈશ્વિક પુરવઠા સામે ખતરો ઉભો થયો છે.
સાઉદીના ઉર્જા પ્રધાન ખાલિદ અલ ફાલિહે બેઠકની શરૃઆતમાં પત્રકારોને જણાવ્યું હતું કે ઓઇલના સ્ત્રોત વધી રહ્યાં છે અને જથ્થો પૂરતો છે. અમે ઇચ્છતા નથી કે ઓઇલનો ફરીથી ભરાવો કરવામાં આવે.
યુએઇના ઉર્જા પ્રધાને જણાવ્યું છે કે પ્રતિ દિન ૧૨ લાખ બેરલ ઓઇલ ઉત્પાદન ઘટાડવા અંગે ઓપેક દેશો વચ્ચે થયેલી સમજૂતીમાં કોઇ ફેરફાર કરવાની હાલ જરૃર જણાતી નથી. અમે જોઇ રહ્યાં છીએ કે ઓઇલનો પુરવઠો સતત વધી રહ્યો છે.
તાજેતરમાં ઇરાન સમર્થક યમનના બળવાખોરો દ્વારા સાઉદીની ઓઇલ પાઇપલાઇન પર કરવામાં આવેલા હુમલા અંગે ફાલિહે જણાવ્યું હતું કે અમારા ઓઇલ એકમો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આ બેઠકમાં અમેરિકા દ્વારા ઇરાન પર મૂકવામાં આવેલા પ્રતિબંધ વધુ કડક બનાવવામાં આવ્યા પછીની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઓપેકની આ બેઠકમાં ઇરાનના પ્રતિનિધિએ ભાગ લીધો ન હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wjfZ2Z
via Latest Gujarati News
0 Comments