આઠ વર્ષમાં પ્રથમ વખત સતત નવમા દિવસે શેરબજારમાં ઘટાડો


નવ દિવસમાં સેન્સેક્સમાં 1941 જ્યારે નિફ્ટીમાં 700 પોઇન્ટનો ઘટાડો 

અમેરિકા-ચીન વચ્ચે તીવ્ર બનતું વેપાર યુદ્ધ, ભારતીય કંપનીઓનાં નબળા પરિણામ, ક્રૂડના ભાવ વધવાને કારણે પણ શેરબજારમાં ઘટાડો  

મુંબઇ, તા. 13 મે, 2019, સોમવાર

લોકસભા ચૂંટણીના પરિણામ આગામી ૨૩ મેના રોજ આવનારા છે પણ તે પહેલા ભારતીય શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર ન બનવાના ભયે અને ચીન-અમેરિકા વચ્ચેનું વેપાર યુદ્ધ વધુ તીવ્ર બનવાને કારણે ભારતીય શેર બજારમાં ૩૦ એપ્રિલ પછી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 

૩૦ એપ્રિલે સેન્સેક્સ ૩૯૦૩૧ના સ્તરે બંધ થયો હતો. જે ઘટીને ૧૩ મેના રોજ ૩૭૦૯૦ના સ્તરે બંધ થયો છે. એટલે કે નવ દિવસમાં સેન્સેક્સમાં ૧૯૪૧ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ નિફટી પણ ૧૧૭૪૮ના સ્તરેથી ઘટીને ૧૧૧૪૮ના સ્તરે આવી ગઇ છે. એટલે કે નિફટીમાં પણ ૭૦૦ પોઇન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જે બે મહિનાની નીચલી સપાટી છે. 

શેરબજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ રાજકીય અસ્થિરતા છે. ભારતીય લોકસભા ચૂંટણીના પરિણામ ૨૩ મેના રોજ આવવાના છે. ચૂંટણી પરિણામમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતિ નહીં મળે તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. 

જેના કારણે રોકાણારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આંકડા અનુસાર ૩ મહિના સુધી સતત રોકાણ કર્યા પછી મેના શરૃઆતના સાત દિવસોમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી ૩૨૦૭ કરોડ રૃપિયા કાઢી લીધા છે. જો કે અમેરિકા-ચીન વચ્ચે તીવ્ર બનતું વેપાર યુદ્ધ, ભારતીય કંપનીઓના નબળા પરિણામ, ક્રૂડના ભાવ વધવાને કારણે પણ શેરબજાર ઘટી રહ્યું છે. 

ડોલર સામે રૂપિયો 59 પૈસા ગબડીને 70.51ના તળિયે

ક્રૂડના વધતા ભાવ અને વિદેશી રોકાણ પાછું ખેંચાતા રૂપિયો અઢી માસના તળિયે ઉતર્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઉછળતા તેમજ મૂડીબજારમાંથી સતત વિદેશી રોકાણ પાછું ખેંચાતા હૂંડિયામણ બજારમાં આજે અમેરિકી ડોલર સામે ભારતીય રૃપિયો ૫૯ પૈસા તૂટીને ૭૦.૫૧ની અઢી માસની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં હાલની એનડીએ સરકારને બહુમતી ન મળે તેવી દહેશત સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલોએ ચાલુ માસમાં તા. ૧૦મે સુધી વિદેશી રોકાણકારોએ રૃા. ૪૦૦૦ કરોડની વેચવાલી હાથ ધરી છે. આજે પણ વિદેશી રોકાણકારોએ રૃા. ૧૦૫૬ કરોડની વેચવાલી હાથ ધરી હતી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ફરી એકવાર ઉંચકાયા છે. ઉપલબ્ધ ડેટા મુજબ આજે સાંજે બ્રેન્ટ ક્રૂડ વધીને ૭૧.૯૦ ડોલર નજીક પહોંચ્યું હતું. આમ, સતત વિદેશી રોકાણ પાછું ખેંચાતા અને ક્રૂડ ઉછળતા રૃપિયા પર પ્રતિકૂળ અસર થઈ હતી. ઉપલબ્ધ અહેવાલો પાછળ હૂંડિયામણ બજારમાં આજે ડોલરસામે રૃા. ૭૦.૧૬ના નીચા મથાળે ખૂલીને ઝડપથી ગગડીને ઇન્ટ્રા ડે ૭૦.૫૩ના તળિયે ઉતર્યા બાદ કામકાજના અંતે ૫૯ પૈસા તૂટીને ૭૦.૫૧ના મથાળે નરમ રહ્યો હતો જે તેની અઢી માસની નીચી સપાટી છે. રૃપિયો ગત શુક્રવારે ૬૯.૯૨ના મથાળે હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VYugQZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments