(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦
દેશમાં લોકસભા ચૂંટણીના સાત તબક્કા માટે અર્ધ સૈનિક દળોના ત્રણ લાખ જવાનો તથા રાજ્ય પોલીસના ૨૦ લાખ પોલીસ જવાનો અને હોમ ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા હતાં તેમ સત્તાવાળાઓએ જણાવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી માટે ગૃહ મંત્રાલયે ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અર્ધ સૈનિક દળોની ૩૦૦૦ કંપનીઓના ત્રણ લાખથી વધુ જવાનો તૈનાત કર્યા હતાં.
હાલમાં ભારતના રાજ્યોની કુલ પોલીસ જવાનોની સંખ્યા ૨૧ લાખ છે જ્યારે અર્ધ સૈનિક દળોના જવાનોની કુલ સંખ્યા દસ લાખ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ચૂંટણીના તબક્કા અનુસાર અર્ધ લશ્કરી દળોના જવાનોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવતા હતાં.
સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં અર્ધ લશ્કરી દળોના જવાનો મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતાં. સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધ લશ્કરી દળોની હાજરીને કારણે લોકોમાં મતદાન કરવાનો આત્મ વિશ્વાસ વધ્યો હતો.
આ ઉપરાંત અર્ધ લશ્કરી દળોના જવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે જરૃરિયાત મુજબ સીઆરપીએફ, બીએસએફ, સીઆઇએસએફ, આઇટીબીપી, એસએસબી અને આસામ રાયફલના જવાનોને તૈનાત કર્યા હતાં.
સુરક્ષા દળોના પરિવહન માટે રેલવે મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયે સહકાર પૂરો પાડયો હતો. ૧૧ એપ્રિલે ચૂંટણીના પ્રથમ તબક્કા મતદાનથી લોકસભા ચૂંટણીની શરૃઆત થઇ હતી જે ૧૯ મેના રોજના સાતમા તબક્કાના મતદાનથી પૂર્ણ થઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JSZgv6
via Latest Gujarati News
0 Comments