મુંબઈ,તા. 16 મે, 2019, ગુરુવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. ઘરઆંગણે માગ પણ વધી હતી. પામતેલમાં વિવિધ રિફાઈનરીઓના વિવિધ ડિલીવરીઓના મળીને કુલ આશરે ૩૦૦૦થી ૩૫૦૦ ટનના વેપારો થયાના નિર્દેશો હતા.
જો કે ઘરઆંગણે આયાત થતા વિવિધ ખાદ્યતેલોની આયાત જકાત ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં કેન્દ્ર સરકારે ઘટાડો કર્યાના સમાચાર હતા. આના પગલે ઘરઆંગણે આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયાના સમાચાર હતા. આમ છતાં આજે મુંબઈ બજારમાં ભાવમાં તેજીનો પવન દેખાયો હતો.
મુંબઈ બજારમાં ૧૦ કિલોના ભાવ હાજરમાં સિંગતેલના વધી રૂ.૧૦૮૦થી ૧૦૮૫ હતા. જયારે રાજકોટ બાજુ ભાવ વધી રૂ.૧૦૫૦થી ૧૦૭૫ તથા ૧૫ કિલોના ભાવ વધી રૂ.૧૬૯૦થી ૧૬૯૫ રહ્યા હતા. કોટન વોશ્ડના ભાવ વધી ૭૧૫થી ૭૨૦ જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ વધી ૭૬૨ હદતા.
મુંબઈમાં આજે પામતેલના ભાવ વધી હવાલા રિસેલના રૂ.૬૦૦ પાર કરી રૂ.૬૦૨ તથા જેએનપીટીના ભાવ રૂ.૬૦૦ હતા. પામતેલમાં આજે વિવિધ ડિલીવરીના રૂ.૫૯૭થી ૬૦૨ના ભાવોએ કુલ આશરે ૩૦૦૦થી ૩૫૦૦ ટનના વેપારો થયાના સમાચાર હતા. ખાસ કરીને દેશાવરો માટે વેપારો વધુ થયાનું બજારે જણાવ્યું હતું.
દરમિયાન ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી ૫૨૨ હતા. સીપીઓ વાયદાના ભાવ વધી સાંજે મે વાયદાના રૂ.૫૨૬ તથા જૂન વાયદાના રૂ.૫૨૮ હતા. સોયાતેલ વાયદાના ભાવ ઉછળી આજે સાંજે જૂનના રૂ.૭૪૫.૪૦ તથા જુલાઈના ૭૩૪ હતા. એરંડા વાયદા બજારમાં આજે ગરમાટો દેખાયો હતો. એરંડા જૂનના ભાવ આજે સાંજે રૂ.૫૪ વધ્યા હતા જુલાઈના ભાવ રૂ.૪૨ ઉંચા હતા. મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૭૧૦થી ૭૧૫ તથા રિફા.ના વધી રૂ.૭૪૦ હતા. જ્યારે સનફલાવરના ભાવ વધી રૂ.૭૨૦ તથા રિફા.ના ૭૭૦થી ૭૭૫ હતા. મસ્ટર્ડના ભાવ વધી રૂ.૭૭૦ હતા. કોપરેલના ભાવ જોકે ૧૦ કિલોના રૂ.૧૧૭૦ના મથાળે શાંત હતા.
દિવેલ તથા મુંબઈ હાજર એરંડાના ભાવ આજે ધીમો સુધારો બતાવતા હતા. દરમિયાન મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવ ટનના રૂ.૩૦૪૦૦ વાળા ૩૦૫૦૦ હતા. જ્યારે સોયાખોળના ભાવ રૂ.૩૩૩૯૦થી ૩૩૩૯૫ વાળા વધુ વધી રૂ.૩૩૬૦૦ બોલાયા હતા. અન્ય ખોળોે જોકે શાંત હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો વધી છેલ્લે ૫૫,૫૩,૫૦ તથા ૪૭ પોઈન્ટ પ્લસમાં હતો પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર ઉંચા બોલાયા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૪ પોઈન્ટ વધ્યા પછી પ્રોજેકશનમાં ત્યાં ભાવ સાંજે ૧૮થી ૧૯ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. સોયાખોળનો વાયદો ઓવરનાઈટ ૧૬થી ૧૮ પોઈન્ટ વધ્યો હતો. સોયાબીનનો વાયદો ૩૨થી ૪૦ પોઈન્ટ ઉંચકાયો હતો.
ન્યુયોર્ક વાયદો ઓવરનાઈટ નજીકની ડિલીવરીમાં ૪૧ પોઈન્ટ માઈનસમાં જ્યારે દૂરની ડિલીવરીમાં ભાવ ૨૩ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. ત્યાં સાંજે પ્રોજેકસનમાં કોટન વાયદાના ભાવ ૫૫થી ૬૦ પોઈન્ટ પ્લસમાં હતા. જ્યારે અમેરિકા-શિકાગો બજારમાં સાંજે પ્રોજેકશનમાં ભાવ સોયાખોળના ૨૦થી ૨૫ પોઈન્ટ પ્લસમાં તથા સોયાબીનના ભાવ પણ નોંધપાત્ર ઉંચા બોલાયા હતા.
દરમિયાન ભારત સરકારે આયાતી ક્રૂડ પામ ઓઈલ સીપીઓની ટેરીફ વેલ્યુ ૫૪૫ વાળી ૫૨૨ ડોલર કર્યાના સમાચાર હતા. પામોલીનની આવી ટેરીફ વેલ્યુ ૫૮૨ વાળી ૫૫૬ ડોલર કરવામાં આવી છે. સોયાતેલના ટેરીફ વેલ્યુ ૬૯૬ વાળી ૬૮૯ ડોલર કરવામાં આવ્યાના સમાચાર હતા. આના પગલે ઘરઆંગણે ઈફેકટીવ આયાત જકાત ટનદીઠ સીપીઓની આશરે રૂ.૭૧૨થી ૭૧૩ જેટલી ઘટી છે પામોલીનની રૂ.૯૦૬થી ૯૦૭ ઘટી છે ઉપરાંંત સોયાતેલની રૂ.૧૮૯થી ૧૯૦ જેટલી ઘટયાનું બજારે જણાવ્યું હતું.
આજે સાંજે દિલ્હીથી મળેલા સમાચાર મુજબ આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સ.ના દર રૂ.૭૦.૪૫ વાળા વધારી ૧૭મેથી રૂ.૭૧.૧૫ કરવામાં આવ્યા છે. આના પગલે અસરકારક આયાત જકાત ૧૭મી મેથી ફરી ઉંચી જવાની ગણતરી આજે સાંજે જાણકારો બતાવી રહ્યા હતા.
મલેશિયામાં પામતેલનું ઉત્પાદન ચાલુ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં આશરે ૧૨થી ૧૩ ટકા ઘટયાના સમાચાર હતા. મધ્ય-પ્રદેશમાં સોયાબીન ની આવકો ૩૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા હાજર ભાવ રૂ.૩૭૫૦થી ૩૮૨૫ તથા પ્લાન્ટના રૂ.૩૮૨૫થી ૩૮૭૫ હતા ત્યાં સોયાતેલના ભાવ રૂ.૭૨૮થી ૭૩૩ તથા રિફા.ના ૭૬૨થી ૭૬૫ રહ્યા હતા.
મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૬૦૦૦ ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૪૫૦૦ ગુણી નોંધાઈ હતી ત્યાં મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં ભાવ રૂ.૧૦૨૫થી ૧૦૪૫ રહ્યાના સમાચાર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VI2adl
via Latest Gujarati News
0 Comments