બજારનો જોખમી વળાંક .



છેલ્લા ઘણા સમયથી ભારતીય શેરબજારની ચાલ લથડવા લાગી છે. રોકાણકારો માટે આ મુંઝવણનો સમય છે. પરિણામો લોકસભાને ત્રિશંકુ સ્થિતિ તરફ લઈ જવાની દહેશત છે. ગંભીર બાબત એ છે કે દેશની અનેક કંપનીઓના ફન્ડામેન્ટલ સ્ટેટસ કાચા પડવા લાગ્યા છે. ચાર્ટિસ્ટો ભલે કોઈ પણ કંપનીના શેર માટે પોતાની તાર્કિક પદ્ધતિથી આગાહી કરે અને મહદઅંશે તે સાચી પણ પડે પરંતુ આખરે તો બધો ખેલ કંપનીની ઉત્પાદન-વેચાણ સહિતની મૂળભૂત કામગીરી પર જ આધારિત હોય છે. 

ગયા સપ્તાહે શેરબજારે જે રીતે ગોથા ખાધા તે જોતાં આવનારો સમય રોકાણકારો માટે ચિંતાજનક છે. દેશની મહત્વની ફાઇનાન્સિયલ માહિતી આપતી ડિજિટલ જ્ઞાાનગંગાઓની માલિકી હવે દેશની વિવિધ કોર્પોરેટ જાયન્ટ કંપનીઓની છે. એટલે પ્રચલિત તમામ પોર્ટલ પર શેરબજારનું ગુલાબી હવામાન બતાવવામાં આવે છે જે વાસ્તવિકતાથી વિપરીત છે.

રોકાણકારો માટે વચગાળાનો નફો લેવા માટે થોડોક સ્ટોક વેચી દેવાનો પણ હવે મોકો મળે એમ નથી, કારણ કે મહદંશે તેઓની ખરીદીવેળાથી ય બજાર હવે નીચે ઉતરી ગઈ છે. જેમના પોર્ટફોલિયો હવે ઘસાઈ રહ્યા છે એટલે કે બજારભાવ પ્રમાણે નુકસાન બતાવી રહ્યા છે તેઓએ વધુ લાંબો સમય રાહ જોવી પડે એમ છે.

શેરબજારમાં લેવાલોની તુલનામાં અત્યારે વેચવાલોની સંખ્યા બહુ જ મોટી છે જે બતાવે છે કે રોકાણકારોનો એક મોટો વર્ગ એમ માને છે કે બજાર સાવ પછડાઈ જાય એ પહેલા થોડા નુકસાન સાથે નીકળી જવું સારું ! એને કારણે પણ વેચવાલી વધી છે. ઉપરાંત દેશ કોઇ નવી અનિશ્ચિતતા તરફ જઇ રહ્યો હોય એવો બજારને ભાસ છે. એને કારણે શેરબજારના આંતર પ્રવાહોમાં મંદી પ્રવેશી ગઈ છે.

આમ તો દેશના અર્થતંત્રમાં અનેક પ્રકારના નકારાત્મક સંકેતો હવે દેખાવા લાગ્યા છે. પરંતુ શેરબજાર એક એવી જગ્યા છે જયાં સીધો જ આંચકો લાગે છે અને એથી રોકાણકારોમાં ગભરાટ જાગે. કદાચ ધક્કો મારીને શેરબજારને હવે ઊંચે 'લઈ' જવાય તો પણ એ ટકે એમ નથી. અર્થતંત્રમાં તમામ સ્તરે અધોગતિના આંકડાઓ સપાટી પર આવવા લાગ્યા છે. બજાર ઠંડી છે.

એકાદ દ્રષ્ટાંત પર ઉતાવળે નજર નાંખો તો આ વખતે ગરમી એટલી વધારે હતી કે કુલર અને એરકન્ડિશન મશિનની બજાર ગરમ થવાની આશાએ શોરૂમોએ ઘણો માલ મેળવી રાખ્યો પણ ઉપાડ થયો નહિ. સાવ સામાન્ય ઘરાકી હોવાથી ગોડાઉનો ભરેલા પડયા રહ્યા છે. પરંતુ એ રીતે અનેક ઉત્પાદનોની બજાર અતિશય ઠંડી છે. 

લોકો હવે ખર્ચ વધારવા ચાહતા નથી, કારણ કે મોંઘવારી સામે આવક વધી નથી અને મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગ માટે કોઈ પણ નવી ખરીદી તો એક સપનુ બની રહેવાની સ્થિતિ આવી રહી છે. એનડીએ સરકારનો ગુપ્ત સામ્યવાદ અને ગુપ્ત સમાજવાદ પ્રજાને બહુ ભારે પડી રહ્યો છે.

દેશના ઉદ્યોગો માટે સરકારની નીતિ સદાય સંદિગ્ધ રહી છે. બાંધકામ ક્ષેત્ર પર આવકવેરાનો કોરડો સતત વિંઝાતો રહે છે. ઝવેરી બજાર પર પણ કસ્ટમ અને ઈન્કમટેક્સ બન્નેની તરાપ ચાલુ જ હોય છે. વિદાય લઇ રહેલી સરકારે કદી પણ ઉદ્યોગોને સાંભળ્યા જ નથી, કારણ કે ભાજપે તો એક કે બે ઉદ્યોગપતિને જ ઉદ્યોગજગત માની લીધું છે. કેન્દ્ર સરકારે નોટબંધી અને જીએસટી દ્વારા લઘુ ઉદ્યોગોને તો કારમો આઘાત આપ્યો પરંતુ અન્ય મોટા ઉદ્યોગો પણ એનાથી કમ સે કમ આઠ-દસ વરસ પાછળ ધકેલાઇ ગયા.

અત્યારે શેરબજાર જે ચિત્ર બતાવે છે તે અરૂણ જેટલીની સર્વ ભૂલોનો સરવાળો છે. દેશની સૌથી મહત્ત્વની ત્રીસ કંપનીઓના શેરની હાલત બતાવતો મુંબઇ શેરબજારનો સેન્સેક્સ વીતેલા સપ્તાહે ૨૩૦ અંક તૂટી પડયો હતો. ગત બુધવારે તો એનાથી વધુ કડડભુસ થયો હતો. સતત એનું પતન ચાલુ જ છે જે બતાવે છે કે હમણાં શેરબજારમાં સુધારા તરફી વલણ નથી અને જો કોઈ કહે કે છે તો એ મનઘડંત કથા માનવી.

ગત સપ્તાહે ૫૦ શેરની હાલત દર્શાવતા નેશનલ સ્ટોક એક્ષચેન્જના નિફ્ટી ઈન્ડેકસની હાલત પણ એવી જ હતી. રોકાણકારોને તરતમાં તો કોઈ નવી આશા પ્રગટે એવા ચિહનો દેખાતા નથી. છાને પગલે બજારમાં હતાશા પ્રવેશી રહી છે. છેલ્લા એક વરસમાં બે-ત્રણ વખત રોકાણકારોના કરોડો અને અબજો રૂપિયાનું ધોવાણ થયું છે. અત્યારના પતનમાં સૌથી વધુ ધોવાણ ઉર્જા, ટેલિકોમ, સ્ટીલ અને પેટ્રોલિયમના શેરોનું જોવા મળે છે.

આ તો રેસના ઘોડા જેવા તેજીલા તોખાર શેરો છે અને એ જ જો લંગડાતા ચાલે તો બાકીના શેરોની ત્રિરાશિ મૂકી લેવાની રહે. એ વાત ખરી કે દુનિયાભરના શેર બજારો ઓછાવત્તા અંશે ગબડી રહ્યા છે, પરંતુ એના કારણો જુદા છે. ભારતમાં તો કેન્દ્ર સરકારની સતત નકારાત્મક આર્થિક નીતિઓને કારણે બજારની હાલત સ્થગિત થવા લાગી છે. ચીન અને અમેરિકાનું ટ્રેડવોર એક વાત છે અને આપણે જાતે પેટ ચોળીને ઊભું કરેલું શૂળ એ સાવ અલગ જ સ્વસર્જિત સંકટ છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LCXxN6
via Latest Gujarati News

Post a Comment

0 Comments