અમદાવાદના પરાગભાઇ શાહ અને પત્ની નેહા છેલ્લા ૧૦ વર્ષથી અમેરિકાના ફલોરિડામાં રહે છે. હવે તેઓ અમદાવાદમાં પોતાનું મકાન તથા તમામ પ્રકારની સંપતિ વેચીને કાયમને માટે અમેરિકા સેટ થઇ રહયા છે. આમ તો પરાગભાઇના માતુશ્રી નીરુબહેન અત્યાર સુધી અમદાવાદ રહેતા હતા પરંતુ હવે ગ્રીનકાર્ડ મળી ગયું હોવાથી તેઓ પણ કાયમને માટે અમદાવાદ છોડીને દિકરા અને દીકરાની વહુ સાથે અમેરિકા જઇ રહયા છે.
પરાગભાઇ કહે છે માતા અને સંતાનો સાથેનો સમગ્ર પરીવાર હવે કાયમને માટે ફલોરિડામાં રહેવાનો હોવાથી અમદાવાદમાં પોતાનું ઘરથી માંડીને બધી જ પ્રોપર્ટીનું વેચાણ કર્યુ છે. જો કે જે વાસણો અને ઘરવખરી પર પિતા અને દાદાજીના નામ કોતરાયેલા હતા એ વાસણો અમે છાતિ સરખા ચાંપીને રાખ્યા છે. સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબાની વાસણો સાથે લાગણી અને યાદો જોડાયેલી છે. આથી થાળી, વાટકા, બરણી, ખાંડણી, ડબ્બા, ડોલચું. સાણસી અને ચમચા વગરે સાથે લઇ જવાના છીએ.
અમેરિકામાં તો નોન સ્ટીક, કાચના અને બોન ચાઇના પ્રકારના વાસણોનો ઉપયોગ થાય છે. ગેસની ઇલેકટ્રીક ફલેટ સગડી હોય છે આથી આ વાસણોનો વાર તહેવાર ઉપયોગમાં લઇને અમુલ્ય સંભારણાને જીવંત રાખીશું. આ વાસણો અમને ભારતમાં વિતાવેલા સામાજિક અને ઘરેલું માહોલને કયારેય ભૂલવા દેશે નહી. પરાગભાઇના પત્ની નેહાબેન કહે છે પૂર્વજોના નામની યાદગીરી સ્વરુપ ૪૦ થી ૫૦ વર્ષ જુના વાસણનો અંદાજે ૬૦ કિલોથી પણ વધારે વજન થાય છે. આ વાસણો અમેરિકા લઇ જવા માટેનો પાર્સલ ખર્ચ ૩૦ હજાર રુપિયા થાય છે, જો કે અમારા માટે આ ખર્ચ જરાં પણ મહત્વનો નથી કારણ કે અમે વાસણો નહી એક આખી ભારતીય પરંપરાને સાથે લઇ જઇ રહયા છે જે અમને બીજે કયાંય મળવાની નથી.
માણસની જેમ વસ્તુઓ સાથે પણ યાદો જોડાયેલી હોય છે
બી કોમ સુધી અભ્યાસ કર્યા પછી ૧૯૯૬માં પરાગભાઇ અને નેહાબહેન દક્ષિણ આફ્રિકા બિઝનેસ માટે ગયા હતા. ત્યાંથી ૨૦૦૭માં પાછા આવીને ૨૦૧૦માં અમેરિકા રહેવા ગયા હતા. બે દિકરી અને એક દિકરાનો જન્મ અને ઉછેર વિદેશમાં થયા હોવાથી સંતાનોને વાસણ પર નામ કોતરાવવાની અને ભેટ આપવાની પ્રથા અંગે ચોકકસ સમજાવશે. વિદેશપ્રવાસે જવાનું થાય ત્યારે ઘણા લોકો ઓછામાં ઓછા સામાનનો અને થેલાઓનો આગ્રહ રાખે છે. વજન કેવી રીતે ઓછું થાય તેની મોટી પળોજણ હોય છે.
તેના સ્થાને આ દંપતિના ઇમોશન ઘરની વસ્તુઓ સાથે જોડાયેલા હોવાથી વજનની પરવા કરતા નથી. પરાગભાઇ કહે છે અમે એક પછી એક વસ્તુઓ ભંગારમાં આપતા હતા પરંતુ નામ કોતરાયેલા વાસણ જોઇને મન ભરાઇ આવ્યું હતું, જેમ માણસ સાથે યાદો જોડાયેલી હોય એવું વસ્તુઓ સાથે પણ હોય છે. મારા પિતા અજીતભાઇ શાહને ૯ વર્ષનો ત્યારે ગુમાવ્યા હતા. તેમની સ્મૃતિઓ પણ ખાસ યાદ નથી ત્યારે વાસણો પર કોતરાયેલું નામ સૌથી મોટું આશ્વાસન અને રાહત આપશે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JKABZS
via Latest Gujarati News
0 Comments