ઇરાન પરના પ્રતિબંધ કડક બનતા એપ્રિલમાં વૈશ્વિક ઓઇલના પુરવઠામાં ઘટાડો નોંધાયો


(પીટીઆઇ) પેરિસ, તા. ૧૬

ગત માસમાં વિશ્વના ઓઇલ પુરવઠામાં ઘટાડો જોવા મળ્યો છે તેમ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ જણાવ્યું છે. ઇરાન પર અમેરિકન પ્રતિબંધ વધુ કડક બનતા અને ઓપેક દ્વારા ઓઇલનું ઉત્પાદન ઘટાડાને પગલે વૈશ્વિક ઓઇલના પુરવઠામાં ઘટાડો જોવા મળ્યો છે. 

પેરિસ સ્થિત આઇઇએએ વૈશ્વિક ઓઇલ માર્કેટ અંગે પોતાના તાજેતરના માસિક અહેવાલમાં જણાવ્યું છે કે નજીકના ભવિષ્યમાં પણ ઓઇલના ઉત્પાદનમાં વધારો થવાની કોઇ શક્યતા દેખાતી નથી. ઓઇલ ઉત્પાદન કરતા દેશો પણ ક્રૂડના ભાવ ઉંચા રાખવા માગે છે. 

ઇરાન સમર્થિત યમનના બળવાખોરોએ સાઉદી અરેબિયાની પ્રમુખ ઓઇલ પાઇપલાઇન બંદ કરી દેતા તાજેતરના દિવસોમાં સાઉદી અરેબિયા અને ઇરાન વચ્ચે પણ તંગદિલી વધી હતી. 

સાઉદીના ઉર્જા પ્રધાન ખાલિદ અલ ફાલિહે પાઇપલાઇન પર થયેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. હુમલાખોરોએ ફક્ત સાઉદી શાસન પર જ હુમલો નથી કર્યો પણ વિશ્વ અને વૈશ્વિક અર્થતંત્રને પૂરા પાડતા ઓઇલ પુરવઠા પર હુમલો કર્યો છે. 

આ દરમિયાન યુએઇએ જણાવ્યું છે કે રવિવારે ચાર જહાજોને નુકસાન થયું હતું. આ ઉપરાંત મે મહિનામાં ઓઇલની આયાત કરતા વિશ્વના આઠ પ્રમુખ દેશોને ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાની છૂટ સમાપ્ત થવાને કારણે પણ વૈશ્વિક ઓઇલના જથ્થામાં ઘટાડો જોવા મળ્યો છે. 

આઇઇએએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇરાનનું ક્રૂડ ઓઇલ ઉત્પાદન એપ્રિલમાં ઘટીને પ્રતિ દિવસ ૨૬ લાખ બેરલ થઇ ગયું છે. ઇરાનના ઓઇલ ઉત્પાદનના આ આંકડા છેલ્લા પાંચ વર્ષના સૌથી નીચા છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મેં મહિનામાં ઇરાનનું ઓઇલ ઉત્પાદન વધુ ઘટશે અને તે તે ૧૯૮૦ના દાયકામાં ઇરાક સાથે થયેલા યુદ્ધ સમયના ઉત્પાદનથી પણ ઘટી જશે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30syake
via Latest Gujarati News

Post a Comment

0 Comments