સરકારી સ્કીમનો લાભ ઉપાડી નવ કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરનાર બે જણની ધરપકડ


મુંબઇ, તા.  27 મે 2019, સોમવાર

સરકારની આયાત-નિકાસ સ્કીમનો ફાયદો ઉઠાવી વિદેશથી નક્કર સોનુ આયાત કરી બનાવટી સોનાના દાગીનાની નિકાસ કરી નવ કરોડ રૂપિયાની ટેક્સ ચોરપી કરનાર બે જણની ડીઆરઆઇએ તાજેતરમાં ધરપકડ કરી હતી. ડીઆરઆઇના સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપી ચૌધરી એક ખાનગી કંપનીનો ડાયરેક્ટર છે અને આ કંપની સોનાની આયાત-નિકાસમાં વ્યસ્ત છે. જ્યારે ધરપકડ કરાયેલ અન્ય વ્યક્તિ સરકારી માન્યતા પ્રાપ્ત ગોલ્ડ-વેલ્યુઅર છે અને તેણે ચૌધરીના બનાવટી સોનાને ખરા સોના તરીકે ઓળખાવી એક્સપોર્ટ માટેની પરવાનગી આપી હતી.

ચોધરીએ સરકારની એડવાન્સ ઓથોરાઇઝેશન  સ્કીમનો દુરુપયોગ કર્યો હતો. આ સ્કીમ હેઠળ સરકાર સોનાની ડયૂટી ફ્રી આયાત કરવાની પરવાનગી આપે છે. જેમાં સોના પર દસ ટકાની ડયૂટી ભરવાની રહેતી નથી, પણ આયાતકારે આ સોનામાંથી  દાગી અથવા અન્ય વસ્તુ બનાવી તેની નિકાસ કરવાની રહે છે.

ચૌધરીએ જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ૪૫૦ કિલો ટેક્સ ફ્રી ગોલ્ડ બાર આફ્રિકાથી આયાત કર્યા હતા. જોકે તેણે તેની કામે ફક્ત ૧૬૦ કિલો સોનાના દાગીનાની નિકાસ કરી હતી અને આ દાગીનામાં પણ ૯૦ ટકા દાગીનાં તાંબા અને નિકલમાંથી બનાવી તેને સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. આ રીતે ચૌધરીએ રૂપિયા નવ કરોડની ડયૂટીની ચોરી કરી હતી. ડીઆરઆઇએ અમદાવાદના કાર્ગો કોમ્પ્લેક્સ પર રેડ પાડી આ ઢોળ ચડાવેલ બનાવટી સોનાના દાગીના જપ્ત કર્યા હતા.

આ સિવાય આરોપી તેના સાગરીતોને દુબઈ અને હોંગકોંગમાં આ વસ્તુ એક્સપોર્ટ કરતા અને સરકારને પેપર પર વહેવાર દેખાડતો. આ સિવાય આરોપી આયાત કરેલ ટેક્સ ફ્રી ગોલ્ડને માર્કેટમાં પ્રીમિયમ રેટ પર વેચી મારતો. ડીઆરઆઇના સૂત્રોનુસાર સરકારે ઉક્ત  સ્કીમ દેશના એક્સપોર્ટને ઉત્તેજન આપવા લાગુ કરી છે. જેથી દેશમાં વિદેશી હુંડિયામણની આવક થાય.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XiCHnm
via Latest Gujarati News

Post a Comment

0 Comments