રામનું કામ કરવાનું છે અને હવે રામનું કામ થઇને જ રહેશે : ભાગવત


નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે ભાજપની જીત થઇ છે, જે સાથ હવે ફરી રામ મંદિરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે રામનું કામ કરવાનું છે, રામનું કામ થઇને જ રહેશે. સાથે લોકોને ભાગવતે કહ્યું હતું કે શાંત, એકાગ્ર અને સક્રિય રહો. ભાગવતે કહ્યું હતું કે આપણે રામનું કામ કરવાનું છે અને આપણુ આ કામ જાતે જ કરીશું. 

કેન્દ્રમાં ભાજપને સતત બીજી વખત પૂર્ણ બહુમત મળી છે ત્યારે મોહન ભાગવતે રામ મંદિરના મુદ્દાને લઇને ફરી વખત નિવેદન આપ્યું છે. જ્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય જફરયાબ જિલાનીએ જણાવ્યું હતું કે હાલ રામ મંદિરનો મામલો મધ્યસ્થી સમિતી પાસે છે તેવામાં તેના વિશે કોઇ નિવેદન ન કરવું જોઇએ. 

રાજસ્થાનના ઉદયપુરમાં ભાગવતે જણાવ્યું હતું કે રામ આપણા હ્ય્દયમા વસે છે, હવે આપણે સક્રિય થઇને આપણા આ લક્ષ્ય તરફ આગળ વધવાની જરુર છે. હાલ રામ મંદિરનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે મોહન ભાગવતે આ નિવેદન કર્યું છે, જેને લઇને બાદમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ મોહન ભાગવતના નિવેદનને ટાંકીને વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

ઇદગાહના ઇમામ અને સુન્ની ધર્મગુરુ ગણાતા મૌલાના ખાદિ રશીદે કહ્યું હતું કે આ પ્રકારનું નિવેદન હાલ યોગ્ય ન કહેવાય કેમ કે મામલો સુપ્રીમ કોર્ટમા ચાલી રહ્યો છે. મોહન ભાગવતે ચૂંટણીના પરીણામનો પણ ઉલ્લેખ કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બે વિચારધારા વચ્ચેની એક લડાઇ હતી. હવે આ વિચારધારા એક નિર્ણાયક સ્થિતિમાં પહોંચી ગઇ છે. 

રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ વર્ષોથી રામ મંદિરનો મુદ્દો ઉઠાવતુ આવ્યું છે, જોકે અલ્લાહાબાદ હાઇકોર્ટે રામ મંદિરની વિવાદિત જમીનને ત્રણ ભાગોમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો.

 જેને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરને લઇને ૧૪ જેટલી અરજીઓ પેન્ડિંગ છે. હાલ આ મામલે એક મધ્યસ્થી પેનલનું ગઠન કરવામાં આવ્યું છે. જેને રિપોર્ટ પૂર્ણ રીતે તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ માસ સુધીનો સમય આપ્યો છે. તેથી હાલ આ મામલે ઓગસ્ટ માસમાં સુપ્રીમ કોર્ટ આગળની કાર્યવાહી કરશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wnBuPZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments