હાઇકોર્ટ જજ સામે ઠપકાની દરખાસ્ત મૂકનાર સાંસદોના નામ જાહેર ન કરાય : સીઆઇસી


(પીટીઆઇ) નવીદિલ્હી, તા.19 મે, 2019, રવિવાર

હાઇ કોર્ટ જજ સામે ઠપકાની દરખાસ્ત રજૂ કરનાર અને જેમણે એ દરખાસ્ત પાછી ખેંચી લીધી એ રાજ્યસભાના સભ્યોના નામ જાહેર કરી શકાય નહિ, કારણ કે એમ કરવાથી સંસદીય વિશેષાધિકારનો ભંગ થાય છે, એમ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને જણાવ્યું છે. મુખ્ય ઇન્ફર્મેશન કમિશનર સુધીર ભાર્ગવે એસ. માલેશ્વરી રાવ નામના નાગરિકની અરજીના જવાબમાં આમ જણાવ્યું હતું.

રાવે, ન્યાયમૂર્તિ સી.વી. નાગાર્જુન રેડ્ડી સામેની ઠપકાની દરખાસ્ત પર સહી કરનાર ,એને રજૂ કરનાર તથા એને પરત ખેંચનાર સાંસદોની સંખ્યા વિષેની વિગતો રાજ્યસભાના સચિવાલય પાસે જાણવા માગી હતી. રેડ્ડી ગયા વર્ષે હૈદરાબાદ હાઇ કોર્ટમાંથી નિવૃત્ત થયા છે.

રાજ્ય સભા સચિવાલયે આરટીઆઇ એક્ટની કલમ ૮ (૧) (સી) અંતર્ગત ઉપરોક્ત માહિતીનો ઇન્કાર કર્યો હતો. આ કલમ, સંસદ કે રાજ્ય વિધાનસભાના સભ્યના વિશેષાધિકારનો ભંગ કરે એવી માહિતીને જાહેર થતા રોકે છે.

ભાર્ગવે એમના ઉપરોક્ત આદેશમાં જણાવ્યું કે સંસદ અથવા રાજ્ય વિધાનસભા કે એના વ્યક્તિગત સભ્યો એમની ફરજ અસરકારક પણે બજાવી શકે, એમ કરવામાં કોઇપણ સ્થળેથી એમને કોઇ અવરોધ કે દરમિયાનગીરી નડે નહિ એ માટે એમને બંધારણની કલમ ૧૦૫ અને ૧૯૪ અંતર્ગત કેટલાક વિશેષાધિકાર આપવામાં આવ્યા છે.

ભાર્ગવે એમના આદેશમાં જાણીતા બ્રિટિશ બંધારણવિદ થોમસ અર્સકાઇન મેને ટાંકતા જણાવ્યું કે પ્રત્યેક ગૃહ દ્વારા સામૂહિકપણે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ ખાસિયતો ભર્યા અધિકારોનો સરવાળો એટલે સંસદીય વિશેષાધિકાર. એ સંસદની હાઇ કોર્ટનો એક ઘટક ભાગ છે. સંસદના પ્રત્યેક ગૃહના સભ્યો દ્વારા વ્યક્તિગત પણે એનો ઉપયોગ થાય છે. જો આ અધિકાર જો આપવામાં આવ્યા ના હોય તો ગૃહ અને સભ્યો એમની ફરજ અદા કરી શકે નહિ.

ભાર્ગવે ઉમેર્યું કે દરખાસ્ત રજૂ કરનાર સભ્યોની વિગતો અને એ પછી એને પાછી ખેંચનારના નામ, આરટીઆઇ અંતર્ગત જાહેર કરવાથી ઉપરોક્ત સભ્યોની સંસદીય વર્તણુક જાહેર થઇ જતી હોય છે. આ વિગતો જાહેર કરવાથી સભ્યો પર એમની સંસદીય ફરજો બજાવવામાં પરોક્ષપણે અસર થઇ શકે તદુપરાંત, ભવિષ્યમાં પણ ફરજો બજાવવાની એમની સ્વતંત્રતાને અસર થઇ શકે, જે વિશેષાધિકારના ભંગરૂપ બને, એમ ભાર્ગવે ઉમેર્યું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hrouz0
via Latest Gujarati News

Post a Comment

0 Comments