કેન્દ્રીય સંરક્ષણ દળો મતદારોને ધમકાવતા હોવાનો તૃણમૂલનો આરોપ


કોલકાતા, તા.19 મે, 2019, રવિવાર

પશ્ચિં બંગાળમાં લોકસભા ચૂંટણી અન્વયે તૈનાત કરવામાં આવેલા કેન્દ્રીય સંરક્ષણ દળો લોકોને ધામધમકી આપી અત્યાચાર કરી રહ્યા હોવાનો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પક્ષનો આક્ષેપ છે તે ભાજપસાશિત સરકારના આદેશ પ્રમાણે આ દળો લોકોને અમાનવીય રીતે હેરાન કરી રહ્યા છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેેરેક ઓ'બ્રેયને નિવેદન આપ્યું છે કે બંગાળના લોકો શાંતિપૂર્ણ મતદાન ઇચ્છી રહ્યા છે, પરંતુ ભાજપનો ઇરાદો વિપરિત છે. તેમણે કહ્યું છે કે આજે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સંરક્ષણ દળોએ સામાન્ય લોકો પર બેરરહેમીથી જુલમ કર્યા છે. તેમાં પણ લઘુમતી અને સીમાંત લોકો પર વધુ અત્યાચારો કરવામાં આવ્યા છે. 'કમળનું બટન નહીં દબાવો તો ગોળી મારીશું' આ પ્રકારની ધમકીઓ પણ આજે લોકોને અપાઇ છે. મીડિયા પાસે આ પ્રકારના વીડિયો પહોંચ્યા છે અને કેટલાંક વીડિયો પબ્લિક ડોમેઇન પર પણ અપલોડ થયા છે.

ડેરેકનો આક્ષેપ છે કે કેન્દ્રીય દળો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સાથે પણ હિંસા કરી રહ્યા છે. ભાજપ કેન્દ્રીય દળોની સંપૂર્ણ મદદથી ભયાવહ પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે. જ્યારે ભાજપ આ આક્ષેપોનો નકારી રહ્યો છે. 

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે નિવેદન આપ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ પરાજયના ડરના કારણે હિંસા ફેલાવી રહી છે. જો તેમની જીત નિશ્ચિત હોય તો શા માટે તેઓ આટલી હિંસા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રીય દળોને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી બંગાળમાં આચારસંહિતા લાગુ છે ત્યાં સુધી તેઓ  સમગ્ર રાજ્યમાં તૈનાત રહે, કારણ કે મતદાન પૂર્ણ થયા બાદ પણ તૃણમૂલના કાર્યકરો ચોક્કસ વર્ગને નુકસાન પહોંચાડે તેવો ભય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LTRpjG
via Latest Gujarati News

Post a Comment

0 Comments