અનેક કેન્દ્રીય મંત્રીઓએ સરકારી બંગલાઓની બાકી રકમની ચુકવણી કરી નથી : RTI


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.19 મે, 2019, રવિવાર

આવાસ તેમજ શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યા પ્રમાણે વિજય ગોયલ, પ્રકાશ જાવડેકર, નિર્મલા સીતારામણ અને સુષ્મા સ્વરાજ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ પોતાના સરકારી બંગલાઓની ફેબુ્રઆરી મહિના સુધીની બાકી રકમની ચુકવણી નથી કરેલી.

 એક આરટીઆઈના જવાબમાં મંત્રાલયે જણાવ્યું કે, કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી અને પૂર્વોત્તર ક્ષેત્રના રાજ્ય વિકાસ મંત્રી જિતેન્દ્ર સિંહે પણ પોતાના બંગલાની બાકી રકમની ભરપાઈ નથી કરી. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યા મુજબ આ બાકી રકમ બંગલામાં આપવામાં આવતા ફર્નિચર તથા અન્ય વસ્તુઓને સંબંધીત છે. મંત્રાલયના જણાવ્યા મુજબ નકવી અને સિંહ પર આ અવધિ દરમિયાન ક્રમશ: ૧.૪૬ લાખ અને ૩.૧૮ લાખ રુપિયા બાકી છે. અજીત કુમાર સિંહ નામની વ્યક્તિએ માહિતી અધિકાર અંતર્ગત નોંધાવેલી અરજીનો ૨૬ એપ્રિલના રોજ જવાબ આપવામાં આવ્યો હતો જેમાં આ જાણકારી આપવામાં આવેલી છે. 

કેન્દ્રીય આવાસ તથા શહેરી બાબતોના મંત્રાલય હેઠળ આવતી સંપત્તિ નિયામક કચેરી રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને બંગલાઓની ફાળવણી કરે છે. આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, રક્ષા મંત્રી નિર્મલા સીતારામણ પર ફેબુ્રઆરી સુધીના ૫૩,૨૭૬ રુપિયા બાકી છે જ્યારે પ્રકાશ જાવડેકરે ૮૬,૯૨૩ રુપિયા નથી ભરેલા. આ ઉપરાંત સંસદીય કાર્યના રાજ્ય મંત્રી વિજય ગોયલના આશરે ત્રણ લાખ રુપિયા જ્યારે કૃષિ રાજ્ય મંત્રી ગજેન્દ્ર સિંહના ફેબુ્રઆરી મહિના સુધીના ૨,૮૮,૨૬૯ રુપિયા બાકી છે.

 વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના પણ ફેબુ્રઆરી મહિના સુધીના ૯૮,૮૯૦ રુપિયા બાકી છે. સંપત્તિ નિયામક કચેરી બાકી રકમની ચુકવણી કરનારા મંત્રીઓ અને સાંસદો માટે 'નો ડિમાન્ડ સર્ટિફિકેટ' જાહેર કરે છે.  બીજી તરફ અનેક કેન્દ્રીય મંત્રીઓએ બાકી રકમ ચુકવી દીધેલી છે. રાજનાથ સિંહ, નીતિન ગડકરી, ગિરિરાજ સિંહ, બાબુલ સુપ્રિયો, હર્શવર્ધન, મનોજ સિંહા, નરેન્દ્ર સિંહ તોમર, મહેશ શર્મા, જયંત સિંહા, રવિશંકર પ્રસાદ, ઉમા ભારતી અને સ્મૃતિ ઈરાની સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ બાકી રકમ ચુકતે કરી દીધેલી છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WlADhz
via Latest Gujarati News

Post a Comment

0 Comments