સિડની, તા.૩૦
સોશિયલ મીડિયા પર ઘણી વખત નાનકડી વાતનું વતેસર થઈ જતું હોય છે. આખરે જ્યારે તે અંગે ખુલાસો થાય છે, ત્યારે આ વિવાદમાં કુદી પડનારાઓ માટે હસવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. આવી જ ઘટના ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર જેમ્સ ફોકનર સાથે ઘટી હતી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફોકનરે સોમવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર મૂકી અને તેની નીચે લખ્યું કે, 'બર્થડે ડિનર વીથ માય બોયફ્રેન્ડ રોબ જુડ એન્ડ મધર રોસલીન. ટુગેધરફોરફાઈવ યર્સ'. ફોકનરની આ પ્રકારની કોમેન્ટને પગલે સોશિયલ મીડિયામાં ચહલ પહલ મચી ગઈ. ફોકનરે પોતે સમલૈંગિક હોવાની જાહેરાત કરી છે, તે પ્રકારે આ પોસ્ટને જોવામાં આવવા માંડી અને તેને સપોર્ટ પણ મળવા લાગ્યો. ફોકનરના એક સમયના સાથી એવા મેક્સવેલ, બ્રેટ લી અને શોન ટૈટે તેને બિરદાવતા લખ્યું કે, 'આવી જાહેરાત કરવી ઘણી હિંમતનું કામ કહેવાય.' દરમિયાન સમલૈંગિકો માટે કાર્યરત એલજીબીટીએ પણ ફોકનરનું સમર્થન કર્યું હતુ.
મીડિયામાં પણ ફોકનરને ઓસ્ટ્રેલિયન ક્રિકેટના પહેલા એવા ખેલાડી તરીકે દર્શાવાયો કે જેણે પોતાની સમલૈંગિકતાનો જાહેરમાં એકરાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયન બોર્ડે આ અંગે કોઈની લાગણી દુભાઈ હોય તો તે અંગે માફી માંગી. જોકે વધી રહેલા વિવાદને પગલે ફોકનરે બીજા દિવસે સ્પષ્ટતા કરતાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે, ગઈકાલની મારી પોસ્ટને કારણે ગેરસમજ ફેલાઈ છે. હું સમલૈંગિક નથી. આમ છતાં મને જે સપોર્ટ અન્યો તરફથી અને એલબીજીટી તરફથી મળ્યો છે, તે યાદગાર રહ્યું. એ વાત ન ભૂલો કે પ્રેમ એ પ્રેમ છે. અલબત્ત, રોબ જુડ મારો સૌથી સારો મિત્ર છે. એક જ ઘરમાં રહેતા પાંચ વર્ષ થયા તેની ઉજવણીમાં અમે ગત રાત્રે ડિનર કર્યું હતુ. સહકાર આપવા બદલ બધાનો આભાર. આખરે ફોકનરે તેની પોસ્ટમાં બોયફ્રેન્ડને બદલે બેસ્ટ મૅટ લખ્યું હતુ.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vxjxhz
via Latest Gujarati News
0 Comments