નવી દિલ્હી, તા.૩૦
હિતોના ટકરાવના મામલે ઘેરાયેલા ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને બીસીસીઆઇની ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય એવા વી.વી.એસ.લક્ષ્મણે બોર્ડના ઓમ્બડ્સમેન રિટાયર્ડ જસ્ટીસ ડિ. કે. જૈનને આપેલા જવાબમાં બોર્ડનું સંચાલન કરી રહેલી વિનોદ રાયની અધ્યક્ષતાવાળી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સની ઝાટકણી કાઢી હતી. લક્ષ્મણે જણાવ્યું હતુ કે, કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ અમારી ક્રિકેટ સલાહકાર સમિતિને અગાઉ એવું વચન આપ્યું હતુ કે, તેમને ક્રિકેટના વિકાસમાં વિસ્તૃત ભૂમિકા આપવામાં આવશે. જોકે તેમણે અમારી સમિતિને માત્ર સીનિયર ટીમના કોચની પસંદગી સિવાય અન્ય કોઈ કામ આપ્યું નથી.
એક તરફ લક્ષ્મણે બીસીસીઆઈનું સંચાનલ કરનારી સમિતિ સામે ભારે હતાશા સાથે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. જોકે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરે આ અઁગે મુસદ્દીભર્યં મૌન સેવ્યું હતુ, જેથી ક્રિકેટ ચાહકોએ આશ્ચર્ય અનુભવ્યું હતુ.
લક્ષ્મણ આઇપીએલમાં હૈદરાબાદની ટીમના મેન્ટર તરીકે કાર્યરત છે, તેની સાથે સાથે બોર્ડની સલાહકાર સમિતિમાં પણ સામેલ છે. આ અંગે તેની સામે હિતોના ટકરાવનો મામલો ઉઠવા પામ્યો છે. જોકે લક્ષ્મણે તેના જવાબમાં આ આક્ષેપને નકારી કાઢ્યો હતો.
બીસીસીઆઈના ઓમ્બડ્સમેનને આપેલા જવાબમાં લક્ષ્મણે લખ્યું કે, ૭મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ અમે વિનોદ રાયની અધ્યક્ષતાવાળી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સને વિનંતી કરી હતી કે, તેઓ ક્રિકેટ સલાહકાર સમિતિની ભૂમિકા અને જવાબદારી સ્પષ્ટ કરે. આ અંગે હજુ સીઓએ તરફથી અમને કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે ૨૦૧૫માં ક્રિકેટ સલાહકાર સમિતિની નિયુક્તિ થઈ ત્યારે તેમાં કોઈ સમયગાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો, જેના કારણે અણે પ્રશ્ન પુછ્યો હતો કે, શું હજુ ક્રિકેટ સલાહકાર સમિતિ અસ્તિત્વમાં છે કે નહિ ?
બોર્ડની ક્રિકેટ સલાહકાર સમિતિમાં ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલી, લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકર અને લક્ષ્મણ સામેલ છે. આ સમિતિની નિયુક્ત થઈ ત્યારે તેમના અનુભવનો લાભ લઈને તેમને બોર્ડમાં બહોળી જવાબદારી પ્રદાન કરવાનો આશય હતો. જોકે, આ સમિતિની કામગીરી માત્ર કોચની પસંદગી સુધી જ સિમિત રહેવા પામી છે. ત્રણેય દિગ્ગજો આઇપીએલની જુદી-જુદી ટીમોમાં મેન્ટર કે આઇકોનની ભૂમિકામાં હોવાથી તેમની સામે હિતોના ટકરાવનો મામલો સર્જાયો છે.
બીસીસીઆઇના મોટા મોટા દાવાની લક્ષ્મણે પોલ ખોલી!
બીસીસીઆઇના હોદ્દેદારો જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટરોને કોઈ જવાબદારી સોંપે છે, ત્યારે મીડિયાની સામે મોટા મોટા દાવા કરવામાં આવે છે. જોકે ત્યાર બાદ તેમની કેવી હાલત કરવામાં આવે છે, તેનો ચિતાર લક્ષ્મણે આપેલા જવાબમાં જોવા મળે છે. લક્ષ્મણે ઓમ્બડ્સમેનને આપેલા જવાબમાં લખ્યું છે કે, જ્યારે વર્ષ ૨૦૧૫માં મને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર્સ કમિટિમાં સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારે જણાવવામાં આવ્યું હતુ કે, અમારે વિદેશ પ્રવાસમાં ભારતનો દેખાવ કેવી રીતે સુધરે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ ઉપરાંત એક એવી વ્યવસ્થા ગોઠવવી કે જેથી યુવા ખેલાડીની કારકિર્દીની રાહ પર નજર રાખી શકાય. તેને ઈન્ડિયા અંડર-૧૯ ટીમમાંથી એ ટીમમાં અને ત્યાંથી સિનિયર ટીમમાં પહોંચાડી શકાય. ફાસ્ટ બોલરોના વર્કલોડને મેનેજ કરવા તરફ અને ભારતીય સ્પિનરોની ગુણવત્તામાં વધારો કરવા તરફ ધ્યાન આપવાનું તેમજ યુવા ખેલાડીઓને શિક્ષણ અને જીવન-શિક્ષણ આપવાના કામની ભૂમિકા તૈયાર કરવી અને દેખરેખ રાખવાની કામગીરી પણ ક્રિકેટ સલાહકાર સમિતિ પાસેથી લેવામાં આવશે.
લક્ષ્મણે આ પછી જણાવ્યું કે, આટઆટલી મોટી ભૂમિકા બાંધ્યા બાદ આજ દિન સુધી બીસીસીઆઇએ ઉપરના કોઈ પર મામલે અમારી પાસેથી એક પણ સલાહ-સૂચન માંગ્યું નથી. અમને માત્ર ક્રિકેટ ટીમના કોચની પસંદગી માટે યાદ કરવામાં આવે છે, પણ ઉપર જણાવેલા અન્ય કોઈ મામલે અમારી સલાહ લેવામાં આવતી નથી.
મહિલા ટીમના કોચ પસંદગી અંગે ખુબ જ ઓછો સમય અપાયો!
લક્ષ્મણે જણાવ્યું કે, બોર્ડનું સંચાલન કરી રહેલા કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે તો અમને મહિલા ટીમના કોચની પસંદગી માટે ઉપલબ્ધ રહેવા અંગે ૨૪ કલાકથી થોડો વધુનો સમય આપ્યો હતો. ડિસેમ્બર, ૨૦૧૮માં અમને જણાવાયું કે, મહિલા ટીમના હેડ કોચની પસંદગી કરવાની છે, તો તમારી ઉપલબ્ધતા જણાવશો. આ અંગે માત્ર ૨૪ થી થોડો વધુ સમય મળ્યો હતો, જે અમારા માટે પુરતો નહતો. અમારા કાર્યક્રમો અગાઉથી નક્કી હતા, એટલે અમે ના પાડી હતી. નોંધપાત્ર છે કે, આ પછી વિનોદ રાયની સમિતિએ કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાન્થા રંગાસ્વામીની એડહોક સમિતિની નિમણૂંક કરી હતી. જેમણે ભૂતપૂર્વ ક્રિકેટર ડબલ્યુ.વી. રામનને નિયુક્ત કર્યો હતો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PHoSw8
via Latest Gujarati News
0 Comments