મુંબઈ, તા. 15 મે, 2019, બુધવાર
પૂરવઠા ખેંચ, ચોમાસાની ચિંતા અને વપરાશમાં વધારાને કારણે કઠોળ ખાસ કરીને તુવેર તથા તુવેર દાળના ભાવમાં છેલ્લા એક મહિનામાં નોંધપાત્ર ઉછાળ આવ્યો છે.
મહારાષ્ટ્ર તથા કર્ણાટકની મુખ્ય બજારોમાં તુવેરના ભાવ છેલ્લા એક મહિનામાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૦૦૦ જેટલા વધી ગયા છે અને હાલમાં રૂપિયા ૫૬૭૫ના ટેકાના ભાવ કરતા ઊંચા બોલાઈ રહ્યા છે. તુવેરના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૭૦૦-૫૯૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે. તુવેર દાળના રિટેલ ભાવ પણ વધી રહ્યા છે.
ટ્રેડરો, મિલરો તથા વપરાશકારો તરફથી નીકળેલી માગને કારણે ભાવ ઊંચકાયા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. આગળ જતા ભાવમાં મક્કમતા જળવાઈ રહેશે અને ચોમાસાની પ્રગતિ ભાવની દિશા નિશ્ચિત કરશે એમ પણ સુત્રો દ્વારા જણાવાયું હતું.
નાફેડ તેની પાસેના કઠોળનો સ્ટોક વેચવા કાઢશે તો ભાવ દબાઈ શકે છે. વર્તમાન મોસમમાં નાફેડે ૨.૭૨ લાખ ટન તુવેરની ખરીદી કરી છે અને તેણે હાલમાં વેચવાનું બંધ કર્યું છે.
આ વર્ષે શાકભાજીના ભાવ ઊંચા રહ્યા હોવાથી તુવેરના વપરાશમાં વધારો થયો છે એમ એક સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. શાકભાજીના ભાવ ૨૦૧૫ના વર્ષની ઊંચી સપાટીએ છે, આને કારણે કઠોળનો વપરાશ વધ્યો છે. કેરીના ઓછા ઉત્પાદનને કારણે પણ તુવેરના વપરાશમાં વધારો કરાવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં દૂકાળ જેવી સ્થિતિને કારણે ૨૦૧૮ની ખરીફ મોસમમાં ઉત્પાદન પર અસર પડી હતી. તુવેર ખરીફ પાક છે અને તેનું ઉત્પાદન ૩૬.૮૦ લાખ ટન રહ્યું હતું જે તેનાથી પાછલા વર્ષમાં ૪૦.૨૦ લાખ ટન રહ્યું હતું.
તુવેરના ભાવ ઊંચે ગયા છે પરંતુ ઉત્પાદનમાં ઘટને કારણે ખેડૂતોને તેનો ખાસ લાભ થયો નથી, એમ સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. મોટાભાગના ખેડૂતોએ પોતાનો પાક વેચી નાખ્યો હોવાથી બજારમાં તુવેરની આવક પણ ઘટી ગઈ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E8yjQs
via Latest Gujarati News
0 Comments