મસૂદ અઝહર મુદ્દે વાતચીતથી નિરાકરણ લાવવા અમે તૈયાર : ચીનનો દાવો


બેઇજિંગ, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

ભારતમાં અનેક આતંકી હુમલા કરી ચુકેલા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માગણી ભારત બાદ અનેક દેશો કરી રહ્યા છે પણ ચીન આ આતંકીનો બચાવ કરી રહ્યુ છે.

આ સ્થિતિ વચ્ચે હવે ચીને કહ્યું છે કે તે મસૂદ અઝહરને આતંકી જાહેર કરવા મુદ્દે વિચારશે, અને આ માટે હાલ એવુ વાતાવરણ પણ ઉભુ કરવાની જરુર છે કે જે મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં મદદ કરે. ચીનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ચીનના પ્રમુખ જિનપિંગ અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચે બેઠક યોજાઇ હતી. 

આ વર્ષે માર્ચ મહિનામાં જ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં આતંકી જાહેર કરવામાં ચીને અડચણ ઉભી કરી હતી અને ભારતનો સાથ નહોતો આપ્યો.

હવે એક મહિના બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું હતું કે હું માત્ર એટલુ જ કહેવા માગુ છું કે મને લાગી રહ્યું છે કે આ મામલાનું નિરાકરણ યોગ્ય રીતે લાવવું જરુરી છે. આ વખતે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ મળીને ચીન પર મસૂદ મુદ્દે દબાણ વધારી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ચીન પણ પોતાનું વલણ બદલે તેવી શક્યતાઓ છે. 

બીજી તરફ ચીન એવી દલીલ કરી રહ્યું છે કે અમેરિકાએ આ મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવાની જરુર જ નહોતી, તેનું નિરાકરણ ૧૨૬૭ કમિટી દ્વારા કરી શકાયું હોત. અમે આ પ્રસ્તાવ અનેક વખત અમેરિકાની સામે મુક્યો હતો. અમારી ઇચ્છા છે કે મસૂદ અઝહર મુદ્દે વાતચીતથી નિરાકરણ લાવવામાં આવે. 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અગાઉની જેમ ફરી વાતચીતનું રટણ કર્યું હતું, જોકે જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષી પરીષદની બેઠક હોય છે ત્યારે ચીન પોતાનો રંગ બદલે છે અને મસૂદ અઝહરના બચાવમાં આવી જાય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GPoHdS
via Latest Gujarati News

Post a Comment

0 Comments