જળ વગર જીવનની કલ્પના કરવી અશક્ય છે. જેમને એક બેડું પાણી માટે વલખાં મારવા પડે છે એ પાણીના મૂલ્યને જેટલું સમજે છે એટલું આપણે સમજતા નથી. પરંતુ પાણી વેડફાય નહીં, પાણીની બચત થાય એ માટે અમદાવાદ શહેરની કેટલીક સોસાયટીના રહીશોએ સોસાયટીમાં 'વોટર મીટર' નખાવીને જળનું સાચા અર્થમાં જતન કરાયું છે. આ પહેલથી મૂલ્યવાન પાણીની બચત તો થઇ જ છે સાથે સાથે સોસાયટીના ઇલેક્ટ્રીસિટી બીલમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે.
ત્રિદેવ કોમ્પ્લેક્ષ, (ઘાટલોડીયા)
સંબંધો સુધર્યા છે અને અઠવાડિયે એક જ વખત પાણીનો બોર ચાલુ કરવો પડે છે
'અમારી સોસાયટી ૨૫ વર્ષ જૂની છે અને પાણીના મીટર ૬ વર્ષથી નાંખ્યા છે. અમે પર યુનિટના ૮ રૃપિયા ચાર્જ લઇએ છીએ. સોસાયટીમાં ત્રણ બ્લોક અને ૫૧ સભ્યો રહે છે. પહેલાં ૮ કલાક બોર ચલાવવામાં આવે તેમ છતાં રોજ સવારે પાણીને લઇને ઝઘડા થતાં હતાં. આ માનસિક દુખાવોને કારણે કોઇ સોસાયટીમાં ચેરમેન કે સેક્રેટરી બનવા તૈયાર થતું નહોતું. મીટર નાંખ્યા પછી એકબીજા સાથેના સંબંધો સુધરી ગયા છે. મ્યુનિસિપાલ્ટીના પાણીથી કામ ચાલી જાય છે. તેથી અઠવાડિયામાં એક જ વખત બોર ચાલું કરવો પડે છે. પરિણામે બોર પાછળનો મેઇન્ટેન્સનો ખર્ચ નહીંવત થઇ ગયો છે. લાઇટ બીલમાં વાષક ૩૬ હજારનો ફાયદો થાય છે.' - જગદીશભાઇ પટેલ, ચેરમેન
સેક્રેટરી, ગણેશ સ્કાયલાઇન (ગોતા)
૨૦ યુનિટથી વધુ પાણી ન વપરાય એની તકેદારી રાખીએ છીએ
'પાણીની બચત થાય એ માટે બિલ્ડરે પહેલેથી જ વોટર મીટર નાંખી આપ્યા છે. તેથી પાણીનો દૂરઉપયોગ થતો નથી. દર મહિને ૨૦ યુનિટ સુધી ફ્રી પાણી સોસાયટીના સભ્યોને આપવામાં આવે છે. જે ઘરના ચાર સભ્યો માટે પુરતું છે. તેનાથી વધારે પાણી વપરાય તો પર યુનિટે ૧૫ રૃપિયા ચાર્જ લેવામાં આવે છે. ચાર્જ ન ભરવો પડે એ માટે લોકો તકેદારી રાખે છે. સોસાયટીના પાણીની ટાંકીમાં અમે ટાઇમર ફીટ કર્યું છે જેનાથી પાણી ઓવર ફ્લો થતું નથી અને લાઇટ બીલમાં મહિને ૮થી ૧૦ હજારનો ફાયદો થયો છે.' - સિદ્ધાર્થ દરજી, સેક્રેટરી
શાશ્વત-2 (વસ્ત્રાલ)
સોસાયટીનું લાઇટબિલ ૩૨ હજારથી ઘટીને ૧૧ હજાર થઇ ગયું છે
'અમારી સોસાયટી ૯ વર્ષ જૂની છે. વોટર મીટર નખાવ્યાને એક વર્ષ થયું છે. પહેલાં છથી સાત કલાક બોર ચલાવવા છતાં ચાર કલાક પાણી મળતું હતું એમા પણ લોકોને પૂરતું પાણી મળતું નહોતું. મીટર નખાવ્યા બાદ ફક્ત દોઢથી બે કલાક બોર ચલાવવા છતાં ૨૪ કલાક પાણી મળે છે. અમે એક યુનિટે ૨૦ રૃપિયા લેતા હોવાથી બિલ ઓછું આવે એ માટે લોકો પાણી બચાવવા મહેનત કરે છે. પરિણામે સોસાયટીનું લાઇટબિલ પહેલાં ૩૨ હજાર આવતું હતું તે ઘટીને ૧૧ હજાર થઇ ગયું છે. તેથી મેઇન્ટેનસ પણ લગભગ અડધું થઇ ગયું છે. અમે ફ્લેટ મુખ્ય પાણીના ટાંકામાં ઓટોમેટિક સેન્સર સિસ્ટમ લગાવી છે જેથી પાણી ઓવરફ્લો થતું નથી.' દિલીપભાઇ પટેલ, પ્રમુખ
સોસાયટીના લાઇટબીલમાં ૫૦-૬૦% ઘટાડો થાય છે
વોટર મીટરને કારણે લોકો પાણીનો મર્યાદિત ઉપયોગ કરે છે. પરિણામે સોસાયટીના લાઇટબીલમાં ૫૦થી ૬૦ ટકાનો ઘટાડો થાય છે. બીજું બોરવેલનું અને અન્ય મેઇન્ટેન્સ પણ ઘટી જતું હોવાથી ઓવરઓલ સોસાયટીના સભ્યને જ ફાયદો થાય છે.
વોટર મીટરથી સોસાયટી ૨૪ કલાક પાણીની સુવિધા મળી રહે છે
દિવસમાં પાંચથી સાત કલાક મોટર ચાલતી હોવા છતાં સવાર-સાંજ બે ટાઇમ પાણી માંડ માંડ સોસાયટીના રહીશોને મળતું હતું. પરિણામે સોસાયટીના સભ્યો વચ્ચે અંદરોઅંદર વિખવાદો સર્જાતા હતાં. પરંતુ વોટર મીટર લગાવવાને કારણે પાણીનો વપરાશ આપોઆપ ઘટી જાય છે અને ફક્ત ત્રણ કલાક મોટર ચાલુ કરવામાં આવે તો પણ રહીશોને ૨૪ કલાક પાણી મળી રહે છે.
પાણીનું મીટર લગાવવાની પ્રોસેસ
શહેરના કેટલાક બિલ્ડરો નવી સ્કિમમાં વોટર મીટર લગાવીને જ આપે છે. જે સોસાયટી જૂની હોય તેમને આ સિસ્ટમ મૂકાવવા પ્લમ્બર પાસેથી સમગ્ર સોસાયટીમાં વોટર મીટર લગાવવા કેટલું બજેટ જોઇશે તેનો અંદાજ કઢાવવો પડે છે. એ પછી જનરલ મીટિંગમાં ઠરાવ પાસ કર્યા બાદ મીટર લગાવાની પ્રોસેસ શરૃ કરવામાં આવે છે. જો સોસાયટી પાસે ભંડોળ હોય તો વોટર મીટર નખાવવાનો ખર્ચ સોસાયટી ભોગવે છે. નહીંતર ઘર દીઢ ચોક્કસ રકમ રહીશો પાસેથી લેવામાં આવે છે. જેની ભરપાઇ સામાન્ય રીતે બે વર્ષમાં થઇ જતી હોય છે.
૧ યુનિટે એક હજાર લીટર પાણી આપવામાં આવે છે
અમુક સોસાયટીમાં વોટર મીટર લગાવ્યા બાદ ૧૦થી ૨૦ યુનિટ પાણી ફ્રી આપવામાં આવે છે તો અમુક સોસાયટીમાં યુનિટ દીઢ ૮ રૃપિયાથી માંડી ૨૦ રૃપિયા સુધીની રકમ લેવામાં આવે છે.
સોસાયટી પાસે ભંડોળ હોય તો વોટર મીટર નખાવવાનો ખર્ચ સોસાયટી ભોગવે છે. નહીંતર ઘર દીઢ એસ્ટિમેન્ટ મુજબ પૈસા ઉઘરાવવામાં આવે છે. જેની ભરપાઇ બે વર્ષમાં થઇ જતી હોય છે.
સુવિધા ૨૪ કલાક પાણી મળે છે
બચત સોસાયટીના ઇલેક્ટ્રીક બિલમાં ઘટાડો થાય છે.
સોસાયટીના રહીશોએ મેઇન્ટેનસ પહેલા કરતાં ઓછું ભરવું પડે છે.
શાંતિ પાણીને લઇને અંદરો અંદર રહીશો વચ્ચે વિખવાદ થતો નથી
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VAv9L7
via Latest Gujarati News
0 Comments