હારી ગયા પછી રાહુલની પ્રેસ કોન્ફરન્સ ઃ 'મોદીને વિજય બદલ અભિનંદન, અમારી વિચારધારાની લડાઇ'


નવી દિલ્હી, તા. ૨૩

લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ હવે સ્પષ્ટ છે. દેશમાં નરેન્દ્ર મોદી ફરી એક વાર સરકાર બનાવી રહ્યાં છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતાં અને અમેઠીમાં પોતાની હારનો સ્વીકાર કર્યો હતો.

લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક હાર પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાના પદેથી રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે પક્ષના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. જો કે સોનિયા ગાંધી અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમને સમજાવ્યું કે તેમણે આ ઓફર પક્ષના ફોરમમાં રાખવી જોઇએ. 

ચૂંટણી પરિણામની સમીક્ષા કરવા કોંગ્રેેસે આગામી સપ્તાહમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવી છે. જેમાં રાહુલ ગાંધી રાજીનામાની ઓફર કરી શકે છે. 

રાહુલ ગાંધીએ આ જ પ્રેસ કોન્ફરન્સમાં અમેઠીમાં પોતાની હાર સ્વીકારી સ્મૃતિ ઇરાનીને અભિનંદન પાઠવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે રાહુલ અમેઠીમાં હારી ગયા છે પણ કેરળની વાયનાડ બેઠક પરથી જીતી ગયા છે. 

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે હું નરેન્દ્ર મોદીને વિજય બદલ અભિનંદન આપું છું. પ્રજા માલિક છે અને માલિકે વડાપ્રધાન મોદીને દેશના વડાપ્રધાન બનાવવાનો ઓર્ડર આપ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ તનતોડ મહેનત કરી હતી. હું તેમને અભિનંદન આપું છું. 

અમારી અને નરેન્દ્ર મોદીની વિચારધારાની લડાઇ છે. નરેન્દ્ર મોદીની અએક વિચારધારા છે અને અમારી એક વિચારધારા છે. વિચારધારાની આ લડાઇમાં અત્યારે મોદી-ભાજપનો વિજય થયો છે હું તેમને અભિનંદન આપું છું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગભરાવાની કે કોઇનાથી ડરવાની જરૃર નથી. અમે એક સાથે મળીને વિચારધારાની લડાઇ લડીશું. 

આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કોંગ્રેસ લોકોના નિર્ણયને સંપૂર્ણ માન આપે છે અને વિજય બદલ વડાપ્રધાન મોદી અને ભાજપને અભિનંદન પાઠવું છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VZAalB
via Latest Gujarati News

Post a Comment

0 Comments