અમેરિકાના પ્રતિબંધને પહોંચી વળવા ભારત-ચીન સાથે મળીને પેટ્રોલિયમ આયાત કરશે


અમેરિકાના પ્રતિબંધનો સામનો કરવા બન્ને દેશ મક્કમ

નવી દિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર

ચીન-ભારતને સાથે બહુ ભળે એવુ નથી. પરંતુ ઘણી વખત એકબીજાનો સાથ આપવામાં લાભ થતો હોય છે. બન્ને દેશો એ સમજી ચૂક્યા છે, માટે પેટ્રોલિયમ-ગેસની આયાત મુદ્દે બન્ને દેશો એક થાય એવી શક્યતા છે. ભારતના પેટ્રોલિયમ-નેચરલ ગેસ સેક્રેટરી તથા ચીનના નેશનલ એનર્જી એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ચીફ સાથે મળીને આ મુદ્દે વાટા-ઘાટો ચલાવી રહ્યા છે. 

મે મહિનાથી અમેરિકાએ ઈરાનથી પેટ્રોલિયમની આયાત પર પ્રતિબંધ મુક્યો છે. તેની વિપરિત અસર ભારત-ચીનના અર્થતંત્ર પર પડી રહી છે. કેમ કે આ બન્ને દેશો દુનિયાના બીજા અને ત્રીજા નંબરના સૌથી મોટા પેટ્રોલિયમ આયાતકાર દેશ છે.

ભારત-ચીન હાલ સાથે મળીને પેટ્રોલિયમ-ગેસ ખરીદીની કાર્યવાહી કરવા માટે રૃપરેખા તૈયાર કરી રહ્યા છે. આ સંયુક્ત સાહસના ઘણા ફાયદા છે. એક તો અમેરિકા ભારત-ચીન સાથે હશે એટલે પ્રતિબંધ મુકતી વખતે જરા ગંભીરતાથી વિચારણા કરશે. બીજો મોટો લાભ ખરીદીનો થશે. 

બન્ને દેશો સાથે ખરીદી કરવા જાય તો જથ્થો ડબલ કરતા પણ વધી જાય. માટે વેચનાર દેશ કિંમત ઘટાડે અને તેનો ફાયદો દેશના વિદેશી હુંડિયામણની બચત સ્વરૃપે થાય. ભારતે પેટ્રોલિયમની આયાત પાછળ કિંતમ હુંડિયામણ ચૂકવવું પડે છે.

ભારત અને ચીન બન્ને દેશો આ રીતે પેટ્રોલિયમ-ગેસની ખરીદી માટે પ્રથમવાર સંયુક્ત કાર્યવાહી કરી રહ્યા છે. આ માટે ચીની અધિકારીઓ દિલ્હી આવી ગયા છે, જ્યારે ભારતના અધિકારીઓ પણ ચીની સરકારના સતત સંપર્કમાં છે. અમેરિકા ચીન અને ભારતની અમેરિકામાં આયાત થતી ચીજો પર ઊંચી જકાત લઈ રહ્યું છે. એ અમેરિકાની મનમાની પર પણ કાબુ આવી શકે, જો ચીન-ભારત સાથે મળીને વેપાર કરવાનું નક્કી કરે. 

ભારત અને ચીનની આ સમજૂતી આગળ વધશે તો બહુ મહત્ત્વની સાબિત થશે. કેમ કે આફ્રિકા-એશિયાના જે દેશોમાંથી ખનિજતેલ મળે છે, તેના પર કબજો કે પ્રભાવ જમાવવા માટે ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. ચીન આફ્રિકાના ઘણા દેશોમાં મોટે પાયે રોકાણ કરી રહ્યું છે. જ્યારે ભારતે મધ્ય એશિયાઈ દેશો સાથેના સબંધો વધારે ગાઢ બનાવ્યા છે. કેમ કે એ દેશો પાસે નાના-મોટા પેટ્રોલિયમ-ગેસના ભંડાર છે.

૧૯ તારીખ પછી પેટ્રોલ-ડીઝલના ભાવ-વધારાની તૈયારી રાખવી

ભારતમાં ૧૯મી મેના દિવસે મતદાન પૂર્ણ થયા પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધે એવી પૂરતી શક્યતા છે. ઈરાન પરના અમેરિકાના પ્રતિબંધને કારણે ભારતને મળતો પેટ્રોલિયમનો જથ્થો ઓછો થયો છે. પાછલા મહિને જ પેટ્રોલિયમનો ભાવ દસેક ટકા જેવો વધ્યો છે. પરંતુ ચૂંટણી ચાલુ હોવાથી ભારતમાં ભાવ-વધારો કરવામાં આવ્યો નથી. ૨૦૧૮-૧૯માં ભારતે કુલ મળીને ૧૧૪.૨ અબજ ડૉલરની કિંમતનું ખનિજતેલ આયાત કર્યું હતુ.  તેમાંથી ૧૦.૫ ટકા (૧૨.૧ અબજ ડૉલરની કિંમતનું) પેટ્રોલિયમ ઈરાનથી આવ્યું હતુ. હવે એ અટકી ગયું છે. તેની અસર આગામી દિવસોમાં દેખાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q0GdAl
via Latest Gujarati News

Post a Comment

0 Comments