નવી દિલ્હી, તા.૧૫
ભારતીય પસંદગીકારોએ આગામી વર્લ્ડકપ માટેની ટીમમાં યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતના સ્થાને અનુભવી વિકેટકિપર-બેટ્સમેન દિનેશ કાર્તિક પર પસંદગી ઉતારી છે. પસંદગીકારોના નિર્ણય અંગે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને વિવેચકોએ સવાલ ઉઠાવ્યા છે, ત્યારે કેપ્ટન કોહલીએ આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, તનાવની પરિસ્થિતિમાં દિનેશ કાર્તિક વધુ સારી રીતે, ઠંડા દિમાગ સાથે રમી શકે છે અને આ જ બાબતને કારણે તેને વર્લ્ડકપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કોહલીએ ઊમેર્યુ કે, ૩૩ વર્ષનો દિનેશ કાર્તિક અનુભવની રીતે તો ૨૧ વર્ષના રિષભ પંત કરતાં ખૂબ જ આગળ છે. તે વર્ષો વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતો રહ્યો છે અને આ કારણે તે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ હોય છે.
કાર્તિકના ભારોભાર વખાણ કરતાં કોહલીએ કહ્યું કે, જ્યારે જ્યારે તનાવની પરિસ્થિતિમાં દિનેશ કાર્તિકને રમવાનું આવ્યું છે, ત્યારે તેણે ખુબ જ સ્વસ્થતાથી બેટીંગ કરી છે. તે પ્રેશરની પરિસ્થિતિના દબાણમાં આવતો નથી અને ઠંડા દિમાગની રમે છે. આ બાબત તેનું જમા પાસું છે. કાર્તિકની આ કુશળતા પર બોર્ડના તમામ પસંદગીકારોને ભરોસો છે.
કોહલીએ ઊમેર્યું કે, દિનેશ આંતરરાષ્ટ્રીય ક્રિકટેનો બહોળો અનુભવ ધરાવે છે. ભગવાન ન કરે પણ જો આવતીકાલે ધોની ઈજાગ્રસ્ત બની જાય તો કાર્તિક વિકેટની પાછળ તેનું સ્થાન લેવા માટે સક્ષમ છે. ફિનિશર બેટ્સમેન તરીકે પણ તે તેની પ્રતિભાનું પ્રમાણ આપી ચૂક્યો છે. હવે જ્યારે વર્લ્ડકપ જેવી મેગા ઈવેન્ટમાં ખેલાડીઓને ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું છે, ત્યારે કોઈ ખેલાડીની આટલી બધી કુશળતાને નજરઅંદાજ કરી જ ન શકાય.
ખેલાડીઓને તેમની પ્રતિભામાં ભરોસો છે
આગામી વર્લ્ડકપમાં ભારત પાસે ડેથબોલિંગનો નિષ્ણાત મીડિયમ પેસર જસપ્રીત બુમરાહ છે. જે હાલ રેન્કિંગમાં પણ ટોચનું સ્થાન ધરાવે છે. તેનો સાથ આપવા માટે મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર છે. ઈંગ્લેન્ડમાં જ્યાં ફાસ્ટરોને મદદ મળશે તેમ મનાય છે, ત્યારે ભારતીય બોલરો પ્રભાવ પાડવા માટે ઉત્સુક છે. કોહલીએ કહ્યું કે, આ તમામ ખેલાડીઓને જોડી રાખતું એક મહત્વનું પરિબળ તેમનો ભરોસો છે. તેઓ બધા માને છે કે વર્લ્ડકપમા અમે શ્રેષ્ઠ દેખાવ કરીશું. અમે કોઈના પણ માટે કોઈ નિયમો બનાવ્યા જ નથી. ભારતીય સ્પિનરો દુનિયામાં શ્રેષ્ઠ મનાય છે અને બેટ્સમેનોનું પણ એવું જ છે. સૌથી મહત્વની બાબત એ છે કે, તમે જેનામાં ભરોસો કરો છો, તેને સિદ્ધ કરીને બતાવી શકો છો.
ભારતીય ટીમ વર્લ્ડકપ રમવા માટે ૨૨મી મેએ રવાના થશે. ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે, તે પછી વર્લ્ડકપનો મેગા મુકાબલો શરૃ થશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EdbbAx
via Latest Gujarati News
0 Comments