શેરબજારની જેમ કોમોડિટી બજારોમાં તેજીનો જુવાર છવાયો


લોકસભાના પરિણામો બે દિવસ બાદ જાહેર થનાર હોવાથી પ્રજાની પરિણામો જાણવાની ઉત્કંઠા આસમાને છે ત્યારે આજકાલ શેરબજારથી લઇને કોમોડિટી બજારમાં તેજીપાર માહોલ છવાયો છે. મોદી સરકારના પાંચ વર્ષના શાસન દરમ્યાન કોમોડિટી સેકટરમાં અનેક પરિવર્તનો સાથે કારોબારમાં પણ વધારો થયો છે.

બેંકો-વીમા કંપનીઓની જેમ કોમોડિટી તેમજ ઈક્વિટી સહિત તમામ બજારો સેબીનો યુનિક અંકુશ રહેવાની સાથે સાથે એક્સચેન્જોનો કારોબાર કાગળ-પેનને બદલે ડિલેવરી બેઝ વાયદાનો વેપાર બની ગયો છે. કોમોડિટી સેક્ટરમાં પણ અડધો ડઝન જેટલા એક્સચેન્જો કાર્યરત થતાં હરિફાઇ વધવાની સાથે સાથે ગ્રાહકને વેપારના વિવિધ પ્લેટફોર્મ પૂરા પાડવામાં મોદી સરકારે  સફળતા મેળવી છે.

મોદી સરકારના શાસનકાળ દરમ્યાન મુખ્ય કોમોડિટી સોના બજાર ૨૦૧૪માં ૨૯૪૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી સફર શરૂ કરીને આજે નવેક ટકાના ઉછાળા સાથે પાંચ વર્ષે ૩૨૦૦૦ની સપાટી ક્રોસ કરી છે. જો કે કાચા તેલ તથા કરંસી માર્કેટમાં ભારે મંદી જોવા મળી છે. પાંચ વર્ષ દરમ્યાન કાચા તેલના વૈશ્વિક ભાવો ૧૦૮ ડોલર પ્રતિ બેરલથી તૂટીને આજે ૭૩ ડોલર પ્રતિ બેરલ તથા ડોલર સામે રૂપિયો ૫૮ના સ્તરેથી તૂટીને આજે ૨૧ ટકાના ઘટાડા સાથે ૭૦ રૂપિયાની આસપાસ રહ્યો છે.

એગ્રી કોમોડિટીમાં મસાલા, અનાજ, તેલીબીયાં તથા દાળોમાં ભારે વધઘટ રહી છે. સરકારે ટેકાના ભાવોમાં નોંધપાત્ર વધારો કરીને ખૂડેતોને પોષણક્ષમ ભાવો મળે તેમજ આવક બમણી થાય તે સંદર્ભે પ્રયત્નો હાથ ધર્યા છે. ચૂંટણી અગાઉ ખેડૂતોને પ્રતિવર્ષ છ હજારની આર્થિક સહાય ચૂકવીને પણ ખેડૂત મસીહા બનવા પ્રયાસ કર્યો છે.

કૃષિ બજારોમાં આજકાલ રમઝાન તથા લગ્નસરાની સીઝનને કારણે ખેડૂત માલોની આવકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આગામી ચોમાસુ મધ્યમસરનું રહેવાની થઇ રહેલી આગાહીઓની અસર તેમજ વધી રહેલી વિદેશી તથા લોકલ માંગને કારણે દાળો, મસાલા, તેલીબીયાંની ચીજોમાં ભાવો તેજી તરફી આગળ વધી રહ્યા છે. મસાલા ચીજોમાં ધાણાના ભાવોમાં દિનપ્રતિદિન ઉછળીને આ ૮૦૦૦ની સપાટી તરફ જઇ રહ્યા છે.

હળદળની બજાર પણ સતત ઉછાળા સાથે ૭૨૦૦ની સપાટી પાર કરી છે જે છેલ્લા નવ મહિનાના ઉપરના સ્તરે છે. છેલ્લા મહિનામાં ૧૦ ટકાની તેજી હળદળમાં જોવા મળી છે. હળદળની ખેતી ધરાવતા વિસ્તારો મહારાષ્ટ્ર, તેલંગાણા તથા આંધ્રપ્રદેશ સહિત દક્ષિણ ભારતના વિસ્તારોમાં આગામી ચોમાસુ મધ્યમસર પ્રમાણમાં નબળુ રહેવાની આશંકાને પગલે હળદળમાં સ્ટોકિસ્ટોની જમાત સક્રિય થતાં હળદળ બજાર સતત વધતાં ઉપલી સરકીટો  વાયદામાં જોવા મળી રહી છે.

મસાલામાં જીરા તથા મરીમાં પણ બજારોમાં તેજીમાં છે. શ્રીલંકામાં આતંકવાદી હુમલાઓ બાદ મરી બજારમાં ગરમી પકડાઇ છે. કિંમતોમાં અચાનક થયેલો ઉછાળો અને માલ ફસાઇ જવાના લીધે મરીના વેપારીઓને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. લોકલ બજારોમાં કાળા મરીના ભાવો પ્રતિ કિલોએ ૩૫૦ રૂપિયાથી ઉપર ગયા છે. ગયા મહિને ભારતમાં કાળા મરીના ભાવો ૩૫૦ રૂપિયાથી ઉપર ગયા છે.

ગયા મહિને ભારતમાં કાળા મરીના ભાવો ૩૦૦ની આસપાસ હતા. આ વર્ષે માર્ચમાં કાળા મરીનૂું ઉત્પાદન વધવાની સાથે સાથે વિયેતનામથી વાયા શ્રીલંકા થઇને આવતા માલના કારણે કાળા મરીની બજાર સમતોલ હતી. પરંતુ શ્રીલંકામાં આતંકી હુમલા બાદ કાળા મરીના સપ્લાયમાં અનિશ્ચિતતા અને અસ્થિરતાના કારણે કાળાબજારિયા લોકો મોકાનો ફાયદો ઉઠાવી નફો રળી લેવા મેદાને પડયા છે.

બીજી તરફ જીરામાં વૈશ્વિક સ્તરે તુર્કી / સિરીયાનો પાક એકાદ મહિનો લેટ પડતાં મોકો જોઇ સટ્ટાકીય તેજી જોવા મળી છે. જીરાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાં ખેડૂત માલોનો સપ્લાય અપેક્ષિત રહ્યો નથી. જીરાની એપ્રિલ-મે માસની પીક સીઝનમાં ચૂંટણીઓની આચારસંહિતાને કારણે રોકડ નાણાંની અછત તેમજ ઉપજમાં GSTના દરોડાની અસરને લીધે માલોના સપ્લાયમાં ગાબડાં રહ્યાં છે.

તેમ છતાં જીરાની અનઅપેક્ષિત તેજીમાં ભાવો પ્રતિ કિલોએ ૧૬૫થી ઉછળીને ૧૮૦ની સપાટી કુદાવી હતી. જીરાના હાજર બજારમાં પણ પ્રતિ મહિને ૪૦૦ રૂપિયાના વધારા સાથે ભાવો ૩૧૫૦થી ૩૨૦૦ની રેન્જમાં ઉચ્ચ સ્તરે ગયા છે. જીરાની હાલની દૈનિક આવકો ૧૪થી ૧૬ હજાર બોરીની આસપાસ રહે છે. જોકે હવે પછી આગામી સમયમાં જીરા બજારમાં મોટો ઉછાળો શક્ય નહિ હોવાનું મનાય છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VMyxaY
via Latest Gujarati News

Post a Comment

0 Comments