મુંબઈ, તા. 28 મે, 2019, મંગળવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. સિંગતેલના ભાવમાં સૌરાષ્ટ્ર પાછળ હવામાન નરમ હતું. વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ વધી આવ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતા તેની પાછળ વૈશ્વિક સ્તરે ખાદ્યતેલોના ભાવ વધી આવ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ વધી આવ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ વધતાં ઘરાંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો નબળો પડયાના સમાચાર હતા અને તેની અસર ઘરઆંંગણે આયાતી ખાદ્યતેલોના ભાવ પર દેખાઈ હતી એવું બજારે જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૫૦ વાળા રૂ.૧૦૩૦ હતા.
જ્યારે રાજકોટ ધાતુ ભાવ ઘટી રૂ.૯૭૦થી ૧૦૦૦ તથા ૧૫ કિલોના ભાવ ઘટી રૂ.૧૫૮૦થી ૧૬૦૦ રહ્યાના સમાચાર હતા. મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ ૧૨ હજાર ગુણી તથા રાજકોટ બાજુ પાંચ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં ભાવ રૂ.૧૦૩૦થી ૧૦૫૦ રહ્યા હતા. ઉનાળુ આવકો પર નજર રહી હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે મલેશિયામાં પામતેલનો વાયદો વધી છેલ્લે ૩૦,૩૪, ૪૧ તથા ૪૦ પોઈન્ટ પ્લસમાં બંધ હતો. જ્યારે પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર ઉંચા બોલાયા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલના ભાવ પ્રોજેકશનમાં સાંજે ૩૪થી ૩૫ પોઈન્ટ ઉંચા બોલાયા હતા. મુંબઈ બજારમાં પામતેલના ભાવ હવાલા-રિસેલના વધી રૂ.૫૯૧ તથા જેએનપીટીના રૂ.૫૮૮ હતા. ૧૫થી ૨૫ જૂન સુધીની વિવિધ ડિલીવરીઓ માટે પામતેલમાં રૂ.૫૮૮થી ૫૯૦માં આશરે ૭૦૦થી ૮૦૦ ટનના વેપારો રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના થયાની ચર્ચા હતી.
મુંબઈમાં ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૦૮ વાળા રૂ.૫૧૫ બોલાયા હતા. સીપીઓ વાયદાના ભાવ સાંજે રૂ.૫૧૩.૬૦ તથા સોયાતેલ વાયદાના ભાવ સાંજે રૂ.૭૫૦.૬૦ હતા.
મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૭૧૨ તથા રિફા.ના ૭૪૦ હતા. સનફલવારના ભાવ વધી રૂ.૭૩૫ તથા રિફા.ના રૂ.૭૭૦ હતા. રાજકોટ બાજુ કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૭૧૮ જ્યારે મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ વધી રૂ.૭૫૬થી ૭૫૭ હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૮૦ તથા કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૮૦ બોલાયા હતા. એરંડા જૂન વાયદાના ભાવ ઘટી રૂ.૫૫૯૦ હતા. સોયાતેલ જૂનના ભાવ રૂ.૭૫૦.૪૦ તથા સીપીઓ જૂનના ભાવ રૂ.૫૧૭.૪૦ હતા.
મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૭૫૦ વાળા ૫૭૧૫ જ્યારે દિવેલના ભાવ વધુ રૂ.૬ ઘટી કોમર્શિયલના રૂ.૧૧૭૪, એફએસજીના રૂ.૧૧૮૪ તથા એફએસજી કંડલાના ભાવ રૂ.૧૧૬૪ બોલાતા થયા હતા. મુંબઈ ખોળ બજારમાં સિંગખોળના ભાવ ટનના રૂ.૨૩૫૦૦ વાલા રૂ.૨૪૦૦૦ હતા જ્યારે એરંડા ખોળના ભાવ વધી રૂ.૬૫૫૦ હતા અન્ય ખોળો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા.
દરમિયાન, મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૨૫ દિવસમાં ૮.૫૦ ટકા વધી ૧૩૮૭૦૬૨ ટન થયાનું એસજીએસ દ્વારા જણાવાયું હતું. આ ગાળામાં મલેશિયાથી ભારત તરફ નિકાસ આશરે ૩૯૪૬૬૪ ટન થઈ છે. દરમિયાન, વિશ્વ બજારમાં સન ફલાવરના ભવા કાચા તેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૭૪૨.૫૦ ડોલર હતા. ભારતમાં તાજેતરમાં નેપાળ થઈને મોટા પ્રમાણમાં આયાતી ખાદ્યતેલો આવતા હતા.
આ રૂટથી આવતી આયાતો પર ડયુટી રાહતની અપેક્ષાએ આવી આયાતો રૂટથી વધતાં હવે આ રુટથી આવતી આયાતો પર ભારત સરકાર દ્વારા અંકુશો મૂકવા વિચારણા શરૂ થયાના નિર્દેશો દિલ્હીથી વહેતા થયા છે. દરમિયાન મધ્ય-પ્રદેશ બાજુ આજે સોયાબીનની આવકો સવારે ૩૦ હજાર ગુણી નોંધાઈ હતી મથકોએ ત્યાં હાજરભાવ રૂ.૩૭૫૦થી ૩૮૨૫ તથા પ્લાન્ટ ડિલીવરીના રૂ.૩૮૨૫થી ૩૮૭૫ હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૭૨૪થી ૭૨૮ તથા રિફા.ના રૂ.૭૬૦થી ૭૬૫ રહ્યા હતા.
એરંડા વાયદા બજારમાં સાંજે જૂન વાયદાના ભાવ રૂ.૧૩૮ ગબડી રૂ.૫૫૯૦ તથા જુલાઈના રૂ.૧૪૦ ગબડી રૂ.૫૬૮૦ હતા. સીપીઓ વાયદો તથા સોયાતેલ વાયદો જોકે સાંજે રૂ.૩.૭૦થી ૪.૧૦ પ્લસમાં રહ્યા હતા. અમેરિકામાં શિકાગો બજારમાં સાંજે સોયાતેલ ઉપરાંત સોયાખોળ તથા સોયાબીનના વાયદાનું પ્રોજેકશન પણ પ્લસમાં રહ્યાના સમાચાર હતા.ન્યુયોર્ક કોટન વાયદાનું પ્રોજેકશન પણ સાંજે પ્લસમાં રહ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XaMegz
via Latest Gujarati News
0 Comments