ભીખારી બનવાના આરે આવેલા પાક.ને આઇએમએફ ત્રણ વર્ષ માટે છ અબજ ડોલર આપશે


નાણાકીય પેેકેજને કારણે સામાન્ય માનવી માટે આર્થિક મુશ્કેલીઓની સુનામી આવશે

સામાન્ય લોકોને ગેસ, વીજળી, ઇંધણ સહિતની વસ્તુઓ માટે ઉંચા ભાવ ચૂકવવા પડશે અને રૂપિયો વધુ નબળો પડશે 

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. 13 મે, 2019, સોમવાર

પાકિસ્તાન અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઇએમએફ) વચ્ચે બેલઆઉટ પેકેજ અંગે સંમતિ સધાઇ છે. આ સંમતિ મુજબ પાકિસ્તાનને ત્રણ વર્ષ માટે ૬ અબજ ડોલર મળશે. 

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નાણા, મહેસૂલી અને આર્થિક બાબતોના સચિવ ડો. અબ્દુલ હાફીઝ શેખના જણાવ્યા અનુસાર સ્ટાફ સ્તરે સંમતિ સાધવામાં આવી છે અને વોશિંગ્ટનસ્થિત આઇએમએફના બોર્ડ ઓફ ડાયરેક્ટરની મંજૂરી લેવાની બાકી છે. 

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાન અને આઇએમએફ વચ્ચે ૨૯ એપ્રિલે મંત્રણા શરૃ થઇ હતી. ૧૯૫૦માં આઇએમએફનો સભ્ય બનેલ પાકિસ્તાને અત્યાર સુધી ૨૨ વખત આઇએમએફ પાસેથી બેલઆઉટ પેકેજ મેળવ્યું છે. 

આઇએમએફના જણાવ્યા અનુસાર પાકિસ્તાન આ નાણાકીય પેકેજનો ઉપયોગ આંતરિક અને વિદેશી અસંતુલન ઘટાડી આર્થિક વિકાસ મજબૂત બનાવવા માટે કરશે. 

આઇએમએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાની સત્તાવાળાઓ અને આઇએમએફ ટીમ વચ્ચે સધાયેલી સંમતિ મુજબ પાકિસ્તાનને ૬ અબજ ડોલર રૃપિયા ૩૯ મહિના માટે આપવામાં આવશે. 

ઇમરાન ખાનની સરકાર અને આઇએમએફ વચ્ચે પ્રથમ બેઠક ૨૯ એપ્રિલે મળી હતી. શરૃઆતમાં એવી આશા હતી કે સાત મેના રોજ બેલઆઉટ પેકેજ જારી કરવામાં આવશે. જો કે ત્યારબાદ આ અંગેનો નિર્ણય દસ મે સુધી ટાળી દેવામાં આવ્યો હતો.  પાકના વડાપ્રધાન ઇમરાન ખાને ૨૦૧૮માં આઇએમએફનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ અનેક બેઠકો યોજાઇ હતી. આઇએમએફએ પેકેજ જારી કરવા માટે કડક શરતો મૂકી હતી. જેના કારણે અનેક વખત મંત્રણા અટકી પડી હતી. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ નાણાકીય પેકેજને કારણે સામાન્ય માનવી માટે આર્થિક મુશ્કેલીઓની સુનામી આવશે. સામાન્ય લોકોને ગેસ, વીજળી, ઇંધણ સહિતની વસ્તુઓ માટે ઉંચા ભાવ ચૂકવવા પડશે અને રૃપિયો વધુ નબળો પડશે



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vVm1X5
via Latest Gujarati News

Post a Comment

0 Comments