તમામ ધર્મમાં આતંકવાદીઓ હોય છે' ગોડસે વિવાદમાં કમલ હાસનનો બચાવ


(પીટીઆઈ) ચેન્નાઈ, તા.17 મે, 2019, શુક્રવાર

અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને વધુ એક વિવાદીત નિવેદન આપીને વિપક્ષને તેમના પર હુમલો કરવાની તક આપી છે. આઝાદ ભારતનો પ્રથમ આતંકી હિંદુ હતો તેમ કહીને વિવાદનો મધપૂડો છંછેડનારા હાસને આ મુદ્દે સફાઈ આપીને વિવાદને વકરાવ્યો છે.

 મક્કલ નીધિ મૈયામના પ્રમુખ હાસને ગોડસે વિવાદ મુદ્દે સફાઈ આપતા કહ્યું કે, તેમના કહેવાનો અર્થ હતો કે તમામ ધર્મમાં આતંકવાદીઓ રહેલા છે. ઈતિહાસ પર નજર નાંખશો તો અનેક ધર્મના અનેક લોકો આતંકી હોવાનું જાણવા મળશે માટે કોઈ પોતાનો ધર્મ વધારે પવિત્ર હોવાનો દાવો ન કરી શકે.

તેમણે ગોડસે વિવાદ મુદ્દે પોતાને ધરપકડનો ડર ન હોવાનું કહીને દરેક ધર્મમાં આતંકી હોવાનો દાવો કર્યો છે. હાસને જણાવ્યું કે મને ધરપકડનો ડર નથી લાગતો પરંતુ આ પ્રકારની કાર્યવાહીને કારણે તણાવ વધી શકે છે તે ધ્યાનમાં રાખવું જોઈએ અને આ અપીલ નહીં પરંતુ સલાહ છે. 

તેઓ હિંદુઓની માફી માંગશે કે કેમ તેવા સવાલના જવાબમાં હાસને કહ્યું કે, પ્રથમ તો હિંદુ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અલગ કરવાની જરુર છે. તમે તે બંનેને સાથે રાખીને ન કહી શકો. રાજકીય કાર્યકરોની લાગણી કોઈ પણ સમયે દુભાઈ શકે છે પરંતુ સામાન્ય જનતા આવું શા માટે કહ્યું તે અંગે જ વિચારશે. લાગણીઓ દુભાવી, રોષ અને હુમલો વગેરે રાજકીય હથિયાર કહી શકાય અને તે હિંસક છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VsD4dy
via Latest Gujarati News

Post a Comment

0 Comments