લંડન, તા. ૨૯
આવતીકાલે લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં નિરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં થનારી સુનાવણી દરમિયાન ભારત દ્વારા રજૂ થનારા દસ્તાવેજો પર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ જ કોર્ટ દ્વારા નિરવ મોદીની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
બ્રિટનની કોર્ટમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ(સીપીએસ)એ આઠ મેના રોજ થયેલી સુનાવણી દરમિયાન જજ એમ્મા અર્બુથનોટને જણાવ્યું હતું કે ૩૦ મેના રોજ થનારી આગામી સુનાવણી દરમિયાન ભારત દ્વારા જરૃરી દસ્તાવેજો નિર્ધારિત માપદંડ અનુસાર રજૂ કરવામાં આવશે.
છેલ્લી સુનાવણી દરમિયાન નિરવ મોદીની ત્રીજી જામીન અરજી ફગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડનો આરોપી નિરવ મોદી ૧૯ માર્ચથી જેલમાં બંધ છે.
પંજાબ નેશનલ બેંકની મુંબઇ શાખામાં હજારો કરોડ રૃપિયાનું કૌભાંડ આચરવા બદલ ભારતમાં નિરવ મોદીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉના પ્રત્યાર્પણ કેસોમાં ભારત દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની ગુણવત્તા સારી ન હતી. કેટલાક દસ્તાવેજો તો હાથથી લખેલા હતાં. બ્રિટનના સૂત્રોનું માનવું છે કે આ વખતે ભારત આવી ભૂલ નહીં કરે દસ્તાવેજોની ગુણવત્તા સુધારશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wt7H7f
via Latest Gujarati News
0 Comments