આગામી બજેટમાં નાણાંકીય પ્રોત્સાહનો જાહેર કરવા ઉદ્યોગ જગતની રજૂઆત

નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર

નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે બજેટ પૂર્વે યોજાયેલી બેઠકમાં દેશના ઉદ્યોગ જગતે હાલમાં   સ્થિર થઈ ગયેલા આર્થિક વિકાસને વેગ આપવા નાણાંકીય પ્રોત્સાહનો પૂરા પાડવા માગણી કરી છે. શ્રમલક્ષી ક્ષેત્રોમાં રોજગાર નિર્માણ તથા ઉપભોગને પ્રોત્સાહન પૂરા પાડવા પર નવી સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કરવું રહ્યું. ગ્રામ્ય વિસ્તારોમાં ઉપભોગ માગ સાવ ઘટી ગઈ છે.

નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં  યોગ્ય નાણાંકીય પ્રોત્સાહનો અને નીતિઓ મારફત ઉપભોગમાં  અને ઈન્વેસ્ટમેન્ટસમાં ગતિ લાવવા સરકાર માટે એક તક રહેલી છે, એમ ફીક્કી દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું. 

માગ વધારવા વ્યક્તિગત તથા કોર્પોરેટ ટેકસિઝમાં ઘટાડો કરવા તથા ખેડૂતો માટે આવક ટેકા યોજનાનું વિસ્તરણ કરવા ફીક્કીએ માગણી કરી છે, જેથી ઈન્વેસ્ટમેન્ટ સાઈકલ ફરી શરૂ થાય અને ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટસ ઈન્ફલોઝમાં વધારો થાય. 

નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને ૬.૬૦ ટકા રહ્યો છે. ઉપભોગમાં ઘટાડાને કારણે આ સ્થિતિ જોવા મળી છે. 

ખેડૂતોની આવકમાં વધારો કરવા સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂપિયા  ૬૦૦૦ના વાર્ષિક ટેકામાં વધારો જાહેર થવો જોઈએ. નાણાં વર્ષ ૨૦૧૯-૨૦નું કેન્દ્રીય બજેટ ૧૦ જુલાઈના રોજ રજુ થવા વકી છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે આવકમાં ટેકાની સ્કીમનું વિસ્તરણ કરવાની ખાતરી આપી છે. 

પોતાની રજુઆકમાં ફીક્કીએ  વ્યક્તિગત આવક વેરાના સ્તરમાં પણ સુધારો કરવા માગણી કરી છે. હાલમાં રૂપિયા ૧૦ લાખ કે તેથી વધુની આવક પર જે ૩૦ ટકા વેરા દર લાગુ થાય છે તેમાં ફેરફાર કરીને રૂપિયા ૨૦ લાખ કે તેથી વધુની આવક પર ૩૦ ટકા ટેકસ વસૂલવા સૂચન કરાયું હોવાનું ફીક્કીના સુત્રોએ જણાવ્યું હતું. 

આ ઉપરાંત  આવક વેરામાંથી મુક્તિ માટેના કેટલાક રોકાણોની મર્યાદા વધારવા પર પણ ભાર અપાયો છે. પરિવારોના હાથમાં ખર્ચ માટે વધુ નાણાં ઉપલબ્ધ બને તે હેતુ સાથે આ માગણી કરવામાં આવી છે. બીજી બાજુ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીએ વેરા મોરચે સાતત્યતા જાળવી રાખવા આગામી પાંચ વર્ષ માટે ટેકસ પોલિસીની માર્ગરેખા તૈયાર કરવા સૂચન કર્યું છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XdpY5x
via Latest Gujarati News

Post a Comment

0 Comments