મોદીને વડા પ્રધાન તરીકે સ્વીકારવાની ના પાડનારા મમતા શપથમાં હાજરી આપશે


અન્ય પક્ષના નેતાઓ પણ સામેલ થાય તેવી શક્યતા 

નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર

ચૂંટણી દરમિયાન પ્રચાર રેલીઓમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે ભારે તકરાર જોવા મળી હતી. એક રેલીમાં મમતાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકેની એક્સ્પાયરી ડેટ પુરી થઇ ગઇ છે.

બાદમાં મોદીએ કહ્યું હતું કે મમતા મને વડા પ્રધાન તરીકે સ્વીકારવા જ તૈયાર નથી. હવે એવા અહેવાલો છે કે નરેન્દ્ર મોદી જ્યારે ૩૦મીએ શપથ ગ્રહણ કરવાના છે તેમાં દરેક પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં મમતા બેનરજીનો પણ સમાવેશ થાય છે. મમતા બેનરજી પણ મોદીની શપથ વીધીમાં હાજર રહેશે. 

એવા અહેવાલો છે કે ૩૦મીએ મોદીની શપથવીધી છે ત્યારે મમતા બેનરજી એક દિવસ અગાઉ જ દિલ્હી પહોંચી જશે અને શપથવીધીમાં સામેલ પણ થશે. પશ્ચિમ બંગાલમાં ભાજપ પહેલી વખત ૧૮ બેઠક જીતી લાવ્યું છે જ્યારે મમતા અને અન્ય પક્ષોને ફટકો પડયો છે.

આ સ્થિતિ વચ્ચે હવે પશ્ચિમ બંગાળમાં ભાજપનું પણ કદ વધી ગયું છે. મમતા ઉપરાંત તમામ મુખ્ય પ્રધાનોને પણ મોદીની શપથવીધીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, સાથે રાજ્યપાલો અને નેતાઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. મમતા બેનરજીની સાથે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ જોડાશે. 

મમતાએ જણાવ્યું હતું કે મે અન્ય કેટલાક મુખ્ય પ્રધાનોની સાથે વાતચીત કરી છે અને હુ પણ શપથવીધીમાં જોડાઇશ. બીજી તરફ મમતા બેનરજીના પક્ષમાંથી બે ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં જોડાઇ ગયા છે, જેને પગલે આ અંગે નિવેદન આપતા ટીએમસીએ જણાવ્યું હતું કે જનતા આ પ્રકારના નેતાઓને જવાબ આપશે, જહાજમાં ભય જોઇને સૌથી પહેલા તેમાં શરણ લીધેલા ઉંદરો જ ભાગે છે. સારુ થયું કે તેઓ પક્ષમાંથી જતા રહ્યા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XdrOTZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments