પુણેમાં સાડીની દુકાનમાં આગ લાગતા અંદર સુતેલા પાંચ કારીગર મોતને ભેટયા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.  9 મે 2019, ગુરુવાર

પુણેમાં આજે વહેલી સવારે સાડીની દુકાનમાં આગ લાગતા પાંચ કારીગરના મોત નીપજ્યા હતા. અગ્નિશામક દળના જવાનોએ દસ ખાનગી ટેન્કર, પાંચ ગાડીની મદદથી અંદાજે ત્રણ કલાકે આગ પર કાબુ મેળવી લીધો હતો.

આગ ચોક્કસ કેવી રીતે લાગી એની પોલીસ તપાસ કરી રહી છે. આગમાં સંપૂર્ણ દુકાન સળગીને ખાક થઈ ગઈ હતી. બીજીતરફ આ બનાવને લીધે આસપાસના પરિસરમાં સાડીની દુકાનો બંધ રાખવામાં આવી હતી.

પુણેમાં દેવાચી ઉરળી ગામમાં રાજયોગ સાડી સેન્ટર નામની દુકાન છે. અહીં કામ કરતા કારીગર રાતે દુકાન બંધ કરીને અંદર જ સૂતા હતા. દુકાનની કડી બહારથી બંધ કરવામાં આવી હતી. આ દુકાનમાં વહેલી સવારે અંદાજે ચાર વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.

આગમાં ગંભીરપણે દાઝી જતા અને ગુંગળાઈનેરાજસ્થાનના રાકેશ રિયાડ (ઉં.વ. ૨૪), સૂરજ શર્મા, ધર્મારાજ બડિયાસર (ઉં. વ. ૨૪), રાકેશ મેઘવાલ (ઉં.વ. ૨૦) તથા લાતુરના ગોપાલ ચાંડક મૃત્યુ પામ્યા હતા. આગના લીધે દુકાનમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

આ બનાવની માહિતી મળતા ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ બૂઝાવી લીધા બાદ દુકાનના પાછળના ભાગની દીવાલ તોડવામાં આવી હતી. બાદમાં તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક કારીગરોએ બારીના કાચ તોડીને બરાર આવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેઓ દુકાનની બહાર નીકળી શક્યા નહોતા. આગ લાગવાનું ચોક્કસ કારણ પ્રાથમિક તપાસ દરમિયાન જાણી શકાયું નહોતું. પોલીસે ા મામલાની નોંધ લઈ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LzEHXj
via Latest Gujarati News

Post a Comment

0 Comments