
(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.17 મે, 2019, શુક્રવાર
૨૮ વર્ષના ભારતીય એન્જિનિયરને એચ-૧બી વિઝા ન મળતા અમેરિકન સરકાર સામે અમેરિકાની આઈટી કંપનીએ કોર્ટમાં કેસ કર્યો છે. સરકારના ઈમિગ્રેશન વિભાગની નીતિ અયોગ્ય હોવાનું કહીને કંપનીએ ભારતીય એન્જિનિયરની પ્રતિભાના પુરાવા રજૂ કર્યો હતા.
સિલિકોન વેલિ સ્થિત એક્સટેરા સોલ્યુશન નામની આઈટી કંપનીએ ૨૮ વર્ષના ભારતીય એન્જિનિયરને એચ-૧બી વિઝા ન મળતા અમેરિકન સરકાર વિરૃદ્ધ કોર્ટમાં કેસ કર્યો છે. કંપનીએ અરજીમાં દાવો કર્યો હતો કે ૨૮ વર્ષનો ભારતીય આઈટી એન્જિનિયર પ્રહર્ષચંદ્ર સાંઈ વેંકટ આ વિઝા માટે એકદમ યોગ્ય ઉમેદવાર છે અને તેની પ્રતિભા પ્રમાણે તેને આ વિઝા મળવા જોઈએ. કંપનીએ તેનો રેકોર્ડ પણ કોર્ટમાં રજૂ કર્યો હતો.
૨૮ વર્ષના ભારતીય આઈટ એન્જિનિયર પ્રહર્ષચંદ્ર ૨૦૧૪માં સ્ટૂડન્ટ વિઝા લઈને અમેરિકા ગયો હતો. તે પછી તેને એચ-૪ વિઝા આપવામાં આવ્યા હતા. ટેક્સાસ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ થનારા આ ભારતીય યુવાને એક્સટેરામાં કામ શરૃ કર્યું હતું. એચ-૧બી વિઝા મેળવતા પહેલાં એચ-૪ વિઝા અપાતા હોય છે. અથવા તો એચ-૪ વિઝા મેળવનાર ઉમેદવારની એચ-૧બી વિઝાની દાવેદારી વધુ મજબૂત ગણાય છે.
અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે પ્રહર્ષચંદ્રના એચ-૪ વિઝા હોવા છતાં એચ-૧બી વિઝા નામંજૂર કર્યા હતા. તેના કારણે એક્સટેરા કંપનીને કર્મચારી ગુમાવવો પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. કંપનીએ કર્મચારીના વિઝા માટે હવે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
કંપનીએ કેલિફોર્નિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરીને દલીલ રજૂ કરી હતી કે સરકારે આ વિઝા નામંજૂર કરવા પાછળ કોઈ જ સંતોષકારક તર્ક આપ્યો નથી. અત્યારે પ્રહર્ષચંદ્ર અમેરિકામાં છે, પણ જો તેના એચ-૧બી વિઝા ટૂંક સમયમાં મંજૂર ન થાય તો તેને ભારત પાછા ફરવું પડે અને એ કિસ્સામાં કંપનીને કુશળ-તાલીમબદ્ધ કર્મચારી ગુમાવવો પડે એવી દલીલ સિલિકોનવેલીની કંપનીએ કોર્ટમાં કરી છે. આ કેસની સુનાવણી આગામી મહિનામાં થશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LPsayX
via Latest Gujarati News
0 Comments