
ભારત: 'વિરાટ' સફળતા માટે સજ્જ
વન-ડે રેન્ક ૦૨
તાકાત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી જેવા ધરખમ ટોપ-૩ બેટ્સમેન. આ ત્રણમાંથી કોઇ એકપણ ૪૦ ઓવર સુધી ટકી ગયું તો ભારતનો જંગી સ્કોર નિશ્ચિત જ ગણી લેવો.વિકેટ પાછળ અને મિડલ ઓર્ડરમાં એમએસ ધોનીનો અનુભવ ખૂબ જ ઉપયોગી પુરવાર થઇ શકે છે. મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ જેવા ફાસ્ટ બોલર્સ અને યુઝવેન્દ્ર ચહલ-કુલદીપ યાદવ વિશ્વની ધરખમ બેટિંગ લાઇનઅપને પરેશાન કરવા સક્ષમ છે.
નબળાઇ: હરીફ ટીમે ૩૦૦થી વધુનો ટાર્ગેટ આપ્યો અને રોહિત-ધવન-કોહલી ૫૦ના ટીમ સ્કોરમાં પેવેલિયન પરત ફરે તો તે સ્થિતિમાં મિડલ ઓર્ડર દબાણમાં આવી શકે છે. ચોથા ક્રમે લોકેશ રાહુલને ઉતારવા માટે વિચારણા છે પણ તેણે આ સ્થાને ખૂબ જ ઓછી બેટિંગ કરી છે. ટોસ અગાઉ એક ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થયો તો તેનું સ્થાન લઇ શકે તેવો કોઇ જ ખેલાડી ૧૫ સદસ્યોની ટીમમાં નથી. આઇપીએલમાં રમ્યા બાદ થાકનું પરિમાણ પણ નડી શકે છે.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: ૧૯૮૩, ૨૦૧૧માં ચેમ્પિયન.
ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાતક, હાદક પંડયા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

ઇંગ્લેન્ડ: ચેમ્પિયન બનવાની હેટ્રિક કરશે?
વન-ડે રેન્ક ૦૧
૨૦ ૧૧, ૨૦૧૫ના વર્લ્ડકપમાં એક સામ્યતા એ હતી કે તેમાં યજમાન ટીમ જ ચેમ્પિયન બનવામાં સફળ રહી. હાલ ઇંગ્લેન્ડનું ટીમ બેલેન્સ અને ફોર્મ જોતાં આ વખતે પણ યજમાન ટીમના ચેમ્પિયન બનવાની હેટ્રિક સર્જાય તો નવાઇ નહીં. ૨૦૧૫ના વર્લ્ડકપ બાદ ઇંગ્લેન્ડે ૮૮માંથી ૫૮ વન-ડેમાં વિજય મેળવ્યો છે અને માત્ર ૨૩માં તેનો પરાજય થયો છે. અન્ય કોઇ ટીમ આ સમયગાળામાં ઇંગ્લેન્ડ જેટલા વિજય મેળવી શકી નથી. આ આંકડો જ ઇંગ્લેન્ડના સારા દેખાવની સાક્ષી તરીકે પૂરતો છે. વન-ડે વર્લ્ડકપના ઈતિહાસમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમવાર ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે.
તાકાત: મજબૂત બેટિંગ લાઇનઅપ. એક રીતે કહી શકાય કે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં છેક ૧૧મા ક્રમ સુધી એવા ખેલાડીઓ છે જેઓ બેટ વડે યોગદાન આપી શકે છે. ઇંગ્લેન્ડની ઘરઆંગણે રનચેઝ વખતે છેલ્લી સતત ૧૬ વન-ડેમાં વિજય મેળવી ચૂકી છે. જેસોન રોય, જોસ બટલર, જ્હોની બૈરસ્તો, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ જેવા આક્રમક બેટ્સમેન વિશ્વની કોઇ પણ બોલિંગ લાઇનઅપને ધોળે દિવસે તારા દેખાડવા માટે સક્ષમ છે. ૧ જાન્યુઆરી ૨૦૧૮ બાદ ઇંગ્લેન્ડ સૌથી વધુ ૧૪ વખત ૩૦૦થી વધુનો સ્કોર ખડકી ચૂકી છે.
નબળાઇ: બોલિંગ લાઇન અપ ઇંગ્લેન્ડની નબળી કડી છે. ટીમમાં એવો એકપણ બોલર નથી કે જે મેચ અગાઉ જ હરીફ છાવણીમાં ખોફ પેદા કરી શકે. તાજેતરમાં રમાયેલી શ્રેણીમાં પાકિસ્તાને ચારમાંથી ત્રણ વખત ઇંગ્લેન્ડ સામે ૩૦૦થી વધુનો સ્કોર કર્યો હતો અને તે બાબત ઇંગ્લેન્ડની નબળાઇ બયાં કરે છે. બોલિંગમાં એક્સ ફેક્ટર માટે જોફ્રા આર્ચરને સામેલ કરાયો છે અને તેની પાસે ખૂબ જ ઓછો અનુભવ છે.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: ૧૯૭૯, ૧૯૮૭, ૧૯૯૨માં રનર્સઅપ.
ટીમ: ઓઇન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, મોઇન અલી, જોફ્રા આર્ચર, જ્હોની બૈરસ્તો, ટોમ કરન, લિયામ ડૌસન, લિયામ પ્લંકેટ્ટ, આદિલ રશિદ, જો રૂટ, જેસોન રોય, બેન સ્ટોક્સ, જેમ્સ વિન્સ, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.

દક્ષિણ આફ્રિકા: 'ચોકર' બિરુદ હટાવવાની વધુ એક તક
વન-ડે રેન્ક ૦૩
દક્ષિણ આફ્રિકા ૧૯૯૨થી ક્રિકેટ વર્લ્ડકપમાં રમે છે અને દરેક વખતે નસિબની માર અથવા ગણતરીમાં થાપથી તે ફાઇનલમાં પ્રવેશથી પણ દૂર રહ્યું છે.
ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાના પરનું 'ચોકર' ટેગ દૂર કરવા પૂરા પ્રયાસ કરશે. દક્ષિણ આફ્રિકાએ ૨૦૧૫ના વર્લ્ડકપ બાદ ૭૪માંથી ૪૭ વન-ડેમાં વિજય મેળવ્યો છે અને ૨૬માં પરાજય થયો છે.
તાકાત: ક્વિન્ટોન ડી કોક, હાશિમ અમલા, ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ મિલર, જેપી ડયુમિની જેવા ધરખમ બેટ્સમેન અને ડેલ સ્ટેન, કેગિસો રબાડા, લુંગી એન્ગિડી જેવા બોલર્સ કોઇપણ હરીફો પર હાવી થવા માટે સક્ષમ છે. ઇમરાન તાહિરની ગણના હાલના શ્રેષ્ઠ સ્પિનર્સમાં થાય છે.દક્ષિણ આફ્રિકા સમયસર ફોર્મ મેળવી લેશે તો સેમિફાઇનલ સુધી પહોંચી જ શકે છે.
નબળાઇ: ભારતની જેમ દક્ષિણ આફ્રિકા માટે પણ મિડલ ઓર્ડર ચિંતાનો વિષય બની શકે છે. હાશિમ અમલા છેલ્લા કેટલાક સમયથી વન-ડેમાં રમ્યો નથી જ્યારે લુંગી એન્ગિડી ઈજામુક્ત થઇને લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરી રહ્યો છે. બેટ્સમેનોનું ફોર્મ દક્ષિણ આફ્રિકાની દિશા નક્કી કરશે.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: ૧૯૯૨, ૧૯૯૯, ૨૦૦૭, ૨૦૧૫માં સેમિફાઇનલિસ્ટ.
ટીમ: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), હાશિમ અમલા, ક્વિન્ટોન ડી કોક, રેસ્સી વાન ડેર દુસ્સેન, જેપી ડયુમિની, ઐડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, ક્રિસ મોરિસ, એન્ડિલ ફેહલુક્વાયો, ડ્વેન પ્રેટોરિયસ, કેગિસો રબાડા, તબરેઝ શામ્સી, ડેલ સ્ટેન, ઇમરાન તાહિર.

ન્યૂઝીલેન્ડ: પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બની શકશે?
વન-ડે રેન્ક ૦૪
ન્યૂ ઝીલેન્ડની ટીમની ખાસિયત રહી છે કે આઇસીસી ટુર્નામેન્ટમાં રમવાનું આવે ત્યારે તે બરાબરનું ઝળકે છે. પરંતુ કમનસિબે હજુ સુધી ન્યૂઝીલેન્ડની ટીમ ક્યારેય ૫ણ વર્લ્ડચેમ્પિયન બની શકી નથી. ૨૦૧૫ના વન-ડે વર્લ્ડકપમાં પ્રારંભથી સારો દેખાવ કર્યા બાદ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. હવે આ વખતે પ્રથમ વાર વર્લ્ડ ચેમ્પિયન બનવા પૂરા પ્રયાસ કરશે.
તાકાત: કેન વિલિયમસનની કેપ્ટનશિપે ન્યૂઝીલેન્ડ ટીમને નવી ઊંચાઇ આપી છે. રોઝ ટેલર ૨૦૧૭માં ૬૦૫૦, ૨૦૧૮માં ૯૧.૨૯ અને ૨૦૧૯માં ૭૪.૧૩ની બેટિંગ એવરેજ ધરાવે છે. આ ઉપરાંત માર્ટિન ગપ્ટિલ, ટોમ લેથમ, હેનરી નિકોલ, જેમ્સ નિશમ, કોલિન મનરો, ટ્રેન્ટ બૌલ્ટ, મિચેલ સેન્ટનર, ટિમ સાઉથી જેવા પ્લેયર્સ ટીમને યોગ્ય સંતુલન પૂરું પાડે છે.
નબળાઇ: નિર્ણાયક તબક્કામાં ફસકી પડે છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડની ધરતી ઉપર છેલ્લી ૧૧માંથી ચાર વન-ડેમાં જ ન્યૂઝીલેન્ડ જીતી શક્યું છે. વિલિયમ્સન ઘાયલ થાય તો તેના સ્થાને સુકાન સંભાળી શકે તેવો મજબૂત ડેપ્યુટી પણ નથી. કોલિન ડી ગ્રાન્ડહોમને સામેલ કરાયો છે પણ તેન દેખાવમાં સાતત્યતાનો અભાવ છે.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: ૨૦૧૫માં રનર્સઅપ
ટીમ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ બ્લન્ડેલ, ટ્રેન્ટ બૌલ્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગપ્ટિલ, મેટ્ટ હેનરી, ટોમ લેથમ, કોલિન મનરો, જેમ્સ નીશમ, હેનરી નિકોલસ, મિચેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, રોઝ ટેલર.

ઓસ્ટ્રેલિયા: છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાનમાં
વન-ડે રેન્ક ૦૫
અત્યારસુધી યોજાયેલા ૧૧ વર્લ્ડકપમાંથી પાંચમાં ચેમ્પિયન. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં કરેલો આ દેખાવ છે. વધુ રસપ્રદ વાત એ છે કે ૧૯૯૯થી ૨૦૧૫ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનો માત્ર બે વખત પરાજય થયો છે. હવે આ વખતે પણ ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાં તેના અગાઉના દેખાવનું પુનરાવર્તન કરવા માટે કોઇ કસર બાકી નહીં રાખે તે નિશ્ચિત છે. ૨૦૧૫ના વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયાનો ૩૭માં વિજય-૩૬માં પરાજય થયો છે.
તાકાત: આજથી એક વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયાની ચેમ્પિયન બનવાની દાવેદારી પૂછવામાં આવત તો તેમાં એક જ જવાબ મળત, 'કોઇ ચાન્સ નથી.' પરંતુ છેલ્લા મહિનામાં સ્થિતિ બદલાઇ ગઇ છે. ડેવિડ વોર્નર, સ્ટિવ સ્મિથના પુનરાગમનથી ટીમ ફરી ચેમ્પિયન બનવાના દાવેદારની રેસમાં સામેલ થઇ ગઇ છે.
નબળાઇ: ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરમાં ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, સ્ટિવ સ્મિથ જેવા ધરખમ બેટ્સમેન છે. પરંતુ લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેનની અસાતત્યતા નડી શકે છે. જેમાં ઓસ્ટ્રેલિયાને શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્ક્સ સ્ટોઇનિસ, એલેક્સ કેરે પર મદાર રાખવાનો છે. પાંચમાં બોલર તરીકે મજબૂત વિકલ્પની પણ ખોટ પડી શકે છે.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: ૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩,૨૦૦૭, ૨૦૧૫માં ચેમ્પિયન.
ટીમ : આરોન ફિન્ચ, જેસનો બેહરેનડોર્ફ, એલેક્સ કેરે, નાથન કાઉલ્ટર નાઇલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચાર્ડ્સન, સ્ટિવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઇનિસ,ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HWQ3zh
via Latest Gujarati News
0 Comments