
બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એક બે મેચમાં અપસેટ સર્જી શકે: શ્રીલંકા જોમમાં નથી
બાંગ્લાદેશ: હરિફોને હંફાવવા માટે તૈયાર
૨૦૧૫ના વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં ભારત સામે હાર્યા બાદ બાંગલાદેશનો ૬૨માંથી ૩૪ વન-ડેમાં વિજય-૨૫માં પરાજય થયો છે. આ વખતે પણ બાંગલાદેશ એકાદ-બે મોટી ટીમને હરાવી અપસેટ સર્જવા માટે સક્ષમ છે. ૨૦૧૫ના વર્લ્ડકપમાં બાંગ્લાદેશે ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. આ ઉપરાંત કવાર્ટર ફાઈનલમાં ભારતને દબાણમાં લાવી દીધું હતું.
૨૦૧૧ના વર્લ્ડકપમાં બાંગ્લાદેશે વેસ્ટઈન્ડિઝને હરાવી અપસેટ સર્જ્યો હતો. આ વખતે પણ બાંગ્લાદેશ તેનાથી ઉંચા રેન્કની ટીમને હરાવે નહિં તો જ નવાઈ ગણાશે. મશરફે મોર્તઝા સતત બીજી વખત વર્લ્ડકપમાં બાંગ્લાદેશનું સુકાન સંભાળે છે. મશરફે મોર્તઝા આ વર્લ્ડકપમાં સારા દેખાવ સાથે ક્રિકેટને અલવિદા કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.
તાકાત: શાકિબ અલ હસન, તામિમ ઇકબાલ, મુશ્ફિકર રહીમ, મહમુદુલ્લા, મશરફે મોર્તઝાનો અનુભવ બાંગલાદેશ માટે નિર્ણાયક રહેશે. ઇંગ્લિશ કન્ડિશનમાં મુસ્તાફિઝુર ઘાતક પુરવાર થઇ શકે છે. છેલ્લાં કેટલાંક સમયના સારા દેખાવને કારણે તેમના રેન્કિંગમાં પણ ઘણો સુધારો થયો છે. મહમુદુલ્લા, સાકિબ, સૌમ્ય સરકાર જેવા ખેલાડીઓ બેટિંગ સાથે બોિંલંગ પણ પ્રભાવશાળી ઢબે કરી શકતા હોવાથી તેમના ટીમ સમતુલનમાં મજબુતી આવે છે.
નબળાઇ: બાંગ્લાદેશની ટીમમાં ફાસ્ટ બોલિંગમાં ડેપ્થ નથી જેના કારણે શાકિબ અલ હસન અને અન્ય સ્પિનર્સ પર દબાણ વધી શકે છે. દબાણમાં ફસકી પડતુ હોય છે. ૨૦૧૬ ટી-૨૦ વર્લ્ડકપ, ૨૦૧૮નો એશિયા કપ તેનો શ્રેષ્ઠ દાખલો છે. મુસ્તાફિઝુર રહેમાન પર જ ફાસ્ટ બોલિંગનો મદાર રહેશે.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: ૨૦૧૫માં કવાર્ટર ફાઈનલ.
ટીમ : મશરફે મોર્તઝા (કેપ્ટન), અબુ જાયેદ, લિટોન દાસ, મહમુદુલ્લા, મેહિદી હસન, મોહમ્મદ મિથુન, મોહમ્મદ સફિઉદ્દીન, મોસાડ્ડેક હુસેન, મુશ્ફિકર રહીમ, મુસ્તાફિઝુર રહેમાન, રૂબેલ હુસેન, શબ્બિર રહમાન, શાકિબ અલ હસન, સૌમ્યા સરકાર, તામિમ ઇકબાલ.
વન-ડે રેન્ક ૦૭

પાકિસ્તાન: સરફરાઝ પ્રેરણા ઇમરાન ખાન
ઇંગ્લિશ વેધર માટે એવું કહેવામાં આવે છે કે તે ક્યારે પલટાઇ જાય તે કળી શકાતું નથી. ક્રિકેટમાં પાકિસ્તાનની ટીમ માટે પણ ઇંગ્લિશ વેધર જેવી જ સ્થિતિ છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૧૭માં પાકિસ્તાન સેમિફાઇનલ સુધી પણ નહીં પહોંચે તેમ ઘણા નિષ્ણાતો માનતા હતા પરંતુ તેની ટીમ ચેમ્પિયન બની હતી. આ વખતે પણ વર્લ્ડકપ જીતવા માટે પણ પાકિસ્તાનને ડાર્ક હોર્સ ગણાય છે. બાય ધ વે, પાકિસ્તાનની ટીમ છેલ્લી સતત ૧૦ વન-ડેમાં હારી ચૂક્યું છે.
તાકાત: છેલ્લા કેટલાક વર્ષમાં પાકિસ્તાનને ઇમામ ઉલ હક, ફખર ઝમાન, બાબર આઝમ, શાદાબ ખાન જેવા પ્રતિભાશાળી યુવા ક્રિકેટર્સ મળ્યા છે. આ ઉપરાંત મિડલ ઓર્ડરમાં મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, સરફરાઝ ખાન જેવા અનુભવી બેટ્સમેન છે. ઇમાદ વસિમ જેવા ઓલરાઉન્ડર ટીમને સંતુલન પૂરું પાડે છે. આમ, કાગળ પર પાકિસ્તાનની ટીમ મજબૂત જણાય છે.
નબળાઇ: ઇંગ્લેન્ડ સામે તાજેતરની શ્રેણીને આધારે જોવામાં આવે તો બોલિંગ પાકિસ્તાનની મુખ્ય નબળાઇ છે. આ નબળાઇ સુધારવા માટે જ પાકિસ્તાને મોહમ્મદ આમિર, વહાબ રિયાઝને તક આપીને પેનિક બટન દબાવ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનની અન્ય એક સમસ્યા અસાતત્યપૂર્ણ દેખાવ છે. પાકિસ્તાનના પ્લેયર્સ ક્યારે સુપરસ્ટારમાંથી ક્લબ કક્ષાના ખેલાડી જેવો દેખાવ કરવા લાગે તે કળી શકાતું નથી.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: ૧૯૯૨માં ચેમ્પિયન
ટીમ: સરફરાઝ અહેમદ (કેપ્ટન), આસિફ અલી, બાબર આઝમ, ફખર ઝમાન, હેરિસ સોહેલ, હસન અલી, ઇમાદ વસિમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ આમિર, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસ્નૈન, શાદાબ ખાન, શાહિન આફ્રિદી, શોએબ મલિક, વહાબ રિયાઝ.
વન-ડે રેન્ક ૦૬

વેસ્ટ ઇન્ડીઝ: એક જમાનામાં સુપર પાવર તરીકે ઉતરતુ હતું
૨૩ ફેબુ્રઆરી ૨૦૧૪. આ એ તારીખ છે જ્યારે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમે છેલ્લે કોઇ વન-ડે શ્રેણીમાં વિજય મેળવ્યો હતો. આ પછી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧૯ વન-ડે શ્રેણીમાં રમ્યું છે અને એકેયમાં વિજય મેળવ્યો નથી. પરંતુ વેસ્ટ ઇન્ડીઝને ઓછી આંકવી પણ ભૂલ ભરેલી ગણાશે. વેસ્ટઈન્ડિઝે પોલાર્ડ ડ્વેન બ્રાવો જેવા ખેલાડીઓને રિઝર્વમાં રાખ્યાં છે. આ ઉપરથી કેરેબિયન ટીમની ઉંડાણનો તાગ મેળવી શકાય છે.
તાકાત: ક્રિસ ગેલ, આન્દ્રે રસેલ જેવા પ્લેયર્સનો વર્લ્ડકપની ટીમમાં સમાવેશ કરાયો છે. શાઇ હોપ, શિમરોન હેટમાયેર, એવિન લેવિસ જેવા યુવા પ્લેયર્સનો દેખાવ પણ સારો રહ્યો છે. બોલિંગમાં શેન્નોન ગેબ્રિયલ, શેલ્ડન કોટ્ટરેલ, કેમર રોચ, ઓશેન થોમસ તરખાટ મચાવવા માટે સક્ષમ છે. હોલ્ડરનું સુકાન કેરેબિયન ટીમમાં નવા પ્રાણ ફુંકે છે.
નબળાઇ: પાકિસ્તાનની જેમ વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ ક્યારે ઝળકે અને ક્યારે ફસકે તેની અટકળ કરવી મુશ્કેલ છે. આ ઉપરાંત સારા સ્પિનરની ખોટ પડી શકે છે. બોલિંગ લાઇનઅપ મજબૂત જણાય છે પણ તેમનામાં અનુભવની કમી છે. સુનિલ નારાયણની પસંદગી કરવામાં આવી હોત તો વિન્ડીઝ ટીમને વધુ મજબુતી મળત.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: ૧૯૭૫, ૧૯૭૯માં ચેમ્પિયન.
ટીમ: જેસોન હોલ્ડર (કેપ્ટન), ફેબિયન એલન, કાર્લોસ બ્રાથવેઇટ, ડેરેન બ્રાવો, શેલ્ડોન કોટ્ટરેલ્લ, શેન્નોન ગેબ્રિયલ, ક્રિસ ગેલ, શિમરોન હેટમાયેર, શાઇ હોપ, એવિન લેવિસ, એશ્લે નર્સ, નિકોલસ પૂરન, કેમર રોચ, આન્દ્રે રસેલ, ઓશેન થોમસ.

શ્રીલંકા: યુવા ટીમ, નવો કેપ્ટન, આ વખતે કપરા ચઢાણ...
૧ એપ્રિલ ૨૦૧૫ બાદ શ્રીલંકા ૮૫માંથી માત્ર ૨૪ વન-ડેમાં વિજય મેળવી શક્યું છે. આ બાબત જ તેમની પડતી દર્શાવવા પૂરતો છે. આ સમયગાળામાં કુલ ૭ કેપ્ટન શ્રીલંકાની આગેવાની કરી ચૂક્યા છે. જે અન્ય કોઇ ટીમની સરખામણીમાં સૌથી વધુ છે. શ્રીલંકા છેલ્લા ચાર વર્ષથી નબળા ફોર્મથી ઝઝુમી રહ્યુ છે. આ વખતે ડીકેવેલા, અકીલા દંનજયાનો ટીમમાં સમાવેશ કરાયો નથી. જેના કારણે શ્રીલંકાના ચાહકોને આશ્ચર્ય થયું છે. હાલની સ્થિતી જોતા શ્રીલંકા સેમી ફાઈનલમાં પહોંચે તો તે ચમત્કાર જ ગણાશે.
તાકાત: અવિષ્કા ફર્નાન્ડો, કુશલ પરેરા, કુશલ મેન્ડિસ, લાહિરુ થિરિમાને, એન્જેલો મેથ્યુસ જેવા બેટ્સમેન ઉપર શ્રીલંકાનો મદાર રહેશે. બોલિંગમાં લસિત મલિંગા, સુરંગા લકલ, નુવાન પ્રદીપ પ્રભાવ જમાવવા સક્ષમ છે જ્યારે ઇસરુ ઉદાના, થિસારા પરેરા જેવા ઓલરાઉન્ડર્સ ટીમ સંતુલન મજબૂત કરે છે.
નબળાઇ: શ્રીલંકા ટીમની આગેવાની કરૂણારત્ને કરી રહ્યો છે, જે ૨૦૧૫ના વર્લ્ડકપ બાદ માત્ર એક વન-ડેમાં રમ્યો છે. બેટ્સમેનોમાં એન્જેલો મેથ્યુસને બાદ કરતાં અન્યમાં અનુભવની કમી છે. ફાસ્ટ બોલિંગનો મદાર લસિથ મલિંગા પર રહેશે જ્યારે ધાક જમાવી શકે તેવો કોઇ સ્પિનર જ નથી.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: ૧૯૯૬માં ચેમ્પિયન
ટીમ : દિમુથ કરૂણારત્ને (કેપ્ટન), ધનંજયા ડી સિલ્વા, નુવાન પ્રદીપ, અવિષ્કા ફર્નાન્ડો, સુરંગા લકમલ, લસિથ મલિંગા, એન્જેલો મેથ્યુસ, કુશલ મેન્ડિસ, જીવન મેન્ડિસ, કુશલ પરેરા, થિસારા પરેરા, મિલિન્દા સિરિવર્દના, લાહિરુ થિરિમાને, ઇસુરુ ઉદાના, જેફ્રે વેન્ડરસે.
વન-ડે રેન્ક ૦૯

અફઘાનિસ્તાન: દિગ્ગજ ટીમોને હરાવી અપસેટ સર્જવા સક્ષમ
છેલ્લા ૮ વર્ષથી અફઘાનિસ્તાનની ટીમ એક પછી એક નવા માઇલસ્ટોન હાંસલ કરી રહી છે. ૨૦૧૫ બાદ અફઘાનિસ્તાનનો આ સતત બીજો વર્લ્ડકપ છે. ગત વર્લ્ડકપમાં પણ અફઘાનિસ્તાનનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો. શુક્રવારે પાકિસ્તાન સામેની વોર્મઅપ મેચમાં કરેલા દેખાવ સાથે અફઘાનિસ્તાને અન્ય નવ ટીમોને સંકેત આપી દીધાં છે કે તેને ઓછી આંકવાની ભુલ કરે નહિં
તાકાત: આઇસીસી વન-ડે રેન્કિંગમાં ટોચના ત્રણ ઓલરાઉન્ડર્સમાં બે બાંગલાદેશના છે. ગત વર્ષે એશિયા કપમાં બાંગલાદેશ, શ્રીલંકાને પરાજય આપ્યો હતો જ્યારે ભારત સામેની મેચ ટાઇ રહી હતી. આ વખતે પણ અપસેટ સર્જવા સક્ષમ છે. ૨૦ વર્ષિય રશીદ ખાન હાલ વિશ્વના શ્રેષ્ટ સ્પીનરમાં સામેલ છે. આ ઉપરાંત મોહમ્મદ નબી બેટિંગ તેમજ બોલિંગ દ્વારા મેચનું પાસું પલટવા માટે સક્ષમ છે.
નબળાઇ: બેટિંગ લાઇનપ પાસે અનુભવની કમી છે. અશગર અફઘાનના સારા દેખાવ છતાં તેને સુકાનીપદેથી હટાવીને નૈબને આ જવાબાદરી સોંપવાના નિર્ણય સામે અનેક ખેલાડીઓમાં પણ અસંતોષ છે. રશીદ ખાનને સારી રીતે રમવામાં આવે તો અન્ય બોલરમાં ખાસ કોઈ ધાક જમાવી શકે તેવું નથી. સારા ફાસ્ટ બોલરની કમી ઈંગ્લેન્ડમાં નડી શકે છે.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: ૨૦૧૫માં ગૂ્રપ સ્ટેજ.
ટીમ: ગુલાબદીન નૈબ (કેપ્ટન), આફતાબ આલમ, અશગર અફઘાન, દૌલત ઝદરન, હમિદ હસન, હસમતુલ્લા શાહિદી, હઝરતુલ્લા ઝઝાઇ, મોહમ્મદ નબી, મોહમ્મદ શેહઝાદ, મુજીબ ઉર રહેમાન, નજીબુલ્લા ઝદરન, નૂર અલી ઝદરન, રહમત શાહ, રશિદ ખાન, સમિઉલ્લા શિનવારી.
વન-ડે રેન્ક ૧૦
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X82XAT
via Latest Gujarati News
0 Comments