PM મોદી નવી દુલ્હન જેવા, રોટલી ઓછી વણે અને બંગડીઓ ઝાઝી ખખડાવે : સિદ્ધુનો વિવાદ


(પીટીઆઈ) ઈંદોર, તા. 11 મે, 2019, શનિવાર

તાજેતરમાં જ ચૂંટણી પંચની નોટિસ મળી હોવા છતા પૂર્વ ક્રિકેટર અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવાનું ચાલું રાખ્યું છે. પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં નીકળેલા સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના નવી દુલ્હન સાથે કરી હતી જે કામ ઓછું કરે પરંતુ બધા સામે પોતાના કામનો દેખાડો ઝાઝો કરે. 

તેમણે કહ્યું કે, 'મોદી તેવી દુલ્હન જેવા છે જે રોટલીઓ ઓછી વણે પરંતુ બંગડીઓનો અવાજ વધારે કરે જેથી પાડોશીઓને તે કામ કરી રહી છે તેવી ખબર પડે. હું આઠમી વખત મોદીને(વડાપ્રધાન તરીકેની) પોતાની એક ઉપલબ્ધિ જણાવવા માટે પડકારું છું.' વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીઓ દ્વારા આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનાર સિદ્ધુને ચૂંટણી પંચે શુક્રવારે જ કારણ દર્શાવો નોટિસ મોકલી હતી.

તેમણે અમેરિકાની પ્રખ્યાત પત્રિકા 'ટાઈમ'ના તાજા અંકને પણ હવામાં લહેરાવ્યો હતો જેના મુખપૃષ્ઠ પર મોદીને 'ઈંડિયાઝ ડિવાઈડર-ઈન-ચીફ' એવા વિવાદાસ્પદ શિર્ષક સાથે સ્થાન અપાયેલું છે. તેમણે વડાપ્રધાન મોદી જાતિના નામે લોકોમાં ભાગલા પાડે છે તેવો આરોપ લગાવીને પોતે છાતી ઠોકીને મોદીને લાયર-ઈન-ચીફ, જુઠા નંબર વન, ફેંકુ નંબર વન ગણાવે છે તેમ કહ્યું. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનને અંબાણી અને અદાણીના બિઝનેસ મેનેજર-ઈન-ચીફ ગણાવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કરતારપુર સાહિબ મુદ્દે કોંગ્રેસ વિરોધી નિવેદન આપ્યું હતું તેને સિદ્ધુએ મોદીનો મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટેનો પ્રયત્ન ગણાવ્યો હતો. સિદ્ધુએ વડાપ્રધાન મોદીને ફેંકુ નંબર-વન ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે પોતે બીવી નંબર-વન, હીરો નંબર-વન વગેરે અનેક ફિલ્મો જોયેલી છે અને હવે નરેન્દ્ર મોદીની નવી ફિલ્મ 'ફેંકુ નંબર-વન' આવી રહી છે. 

વધુમાં સિદ્ધુએ વડાપ્રધાન મોદીએ ગરીબો માટે કોઈ કામ ન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઈંદોરમાં જ તેમણે ભાજપને 'કાળા અંગ્રેજો'નો ખિતાબ આપ્યો હતો અને કોંગ્રેસે દેશને ગોરા અંગ્રેજોથી મુક્તિ અપાવેલી, ઈંદોરવાસીઓ કાળા અંગ્રેજોથી દેશને મુક્ત કરશે તેવો પ્રહાર કર્યો હતો.

 બેગુસરાય બેઠકના ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે સિદ્ધુના નિવેદનોનો જવાબ આપ્યો હતો અને તે રાહુલ ગાંધીની સંગતમાં આવીને આવા નિવેદનો આપી રહ્યા છે તેવો કટાક્ષ કર્યો હતો. સાથે જ તેમણે સિદ્ધુને દેશમાં ભાગલા પડાવનારા ગણાવીને ભાગલાવાદીઓ સાથે રહીને સિદ્ધુ કોણ ગોરું છે અને કોણ કાળું છે તે ભેદ ભૂલી ગયા છે તેમ કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30cB90j
via Latest Gujarati News

Post a Comment

0 Comments