
ચીની પુરૂષ પાસેથી 450થી 10500 ડોલર ચાર્જ વસુલાય છે
બેજીંગ, તા. 23 જૂન, 2019, રવિવાર
ચીની પોલીસે પત્ની તરીકે વેચાયેલી અને દક્ષિણ એશિયામાંથી લાવવામાં આવેલી લગભગ ૧૧૦૦ યુવતીઓને બચાવી હતી. પોલીસ સાથે મળીને જુલાઇથી ડીસેમ્બર દરમિયાન કરેલા ખાસ ઓપરેશનમાં મ્યાંમાર, કમ્બોડિયા, લાઓસ, વિયેતનામ અને થાઇલેન્ડમાંથી લાવવામાં આવેલી યુવતીઓ સાથે ૧૭ બાળકોને પણ બચાવ્યા હતા, એમ જાહેર સુરક્ષા વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું.યુવતીઓના અપહરણ અને નકલી લગ્ન છેતરપીંડી કેસમાં ૨૬૦ વિદેશીઓ સહિત ૧૩૦૦ ઉપરાંત લોકોની અટકાયત કરાઇ હતી.
તાજેતરના વર્ષોમાં કેટલાક ઘરેલુ અને વિદેશી અપરાધીઓએ પાડોશી દેશની મહિલાઓને ચીનમાં કામ અપાવવાની તેમજ લગ્નની લાલચ આપીને ચીનમાં બોલાવી હતી અને પછી તેમને પત્ની તરીકે વેચી દીધી હતી, એમ મંત્રાલયના પ્રવકતા ગુઓ લિને કહ્યું હતું. બેજીંગના દાયકાઓ જુની એક સંતાનની નીતી અને સંતાનમાં માત્ર છોકરાના આગ્રાહના કારણે ચીનમાં લગ્ન માટે લગભગ ૩.૩ કરોડ યુવતીઓની અછત પડી છે.
લગભગ આટલી જ સંખ્યામાં યુવાનો પણ કુંવારા રહી જાય છે.મોટા ભાગે ગરીબાઇના કારણે મેકોંગ ક્ષેત્રની મહિલાઓ ચીનમાં લગ્ન માટે પોતાની જાતને તૈયાર કરે છે. પરંતુ કેટલીક મહિલાઓ અને યુવતીઓ લગ્નના કૌભાંડની શિકાર બની હતી. તેમનું શોષણ કરાય છે અને મહિનાઓ સુધી તેમને બંધ કરી દેવામાં આવે છે. પરિણામે તેમને ચીની ઇમિગ્રેશન કાયદા હેઠળ અટકાયતમાં રાખવામાં આવે છે અથવા તો દેહ વ્યવસાયમાં ધકેલી દેવામાં આવે છે.
મધ્ય ચીનના અનહુઇ પ્રાંતના એક કેસમાં વિઝાની મુદ્દત પુરી થવા છતાં વિયેતનામની ૧૧ મહિલાઓ એક મેરેજ એજન્સીના સુરક્ષિત મકાનમાંથી મળી આવી હતી. વિયેતનામની મહિલા સાથે લગ્ન કરાવવા બદલ એજન્સી ચીની પુરૃષ પાસેથી ૪૫૦થી ૧૦૫૦૦ ડોલર ચાર્જ વસુલે છે. કેટલાક કેસમાં તો બનાવટી લેબર એજન્સીઓ પણ સંડોવાયેલી મળી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J6Inez
via Latest Gujarati News
0 Comments