
- કન્સ્ટ્રકશન સાઈટ પર મીઠી નિંદરમાં સૂતેલા પરપ્રાંતીય મજૂરો અને પરિવારજનોને મોત ભરખી ગયું
- બિલ્ડર અને અન્યો સાથે સદોષ મનુષ્ય વધનો ગુનો
મુંબઈ, તા.૨૯ જૂન 2019, શનિવાર
મહારાષ્ટ્રમાં પુણેના કોંઢવામાં ગઈકાલે રાતે સોસાયટીની કમ્પાઉન્ડની દીવાલ તૂટીને પતરાના ઝૂંપડાઓ પર પડતા મજૂરો તેમના સંતાન સહિત ૧૫ જણ ઊંઘમાં જ મોતને ભેટયા હતા. આ સોસાયટીની બાજુમાં બાંધવામાં આવી રહલી નવી ઈમારતમાં મજૂરો કામ કરતા હતા. દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયેલા ત્રણ જણને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે.
કાટમાળ નીચે કોઈ દબાણ ગયું છે કે કેમ એની કલાકો સુધી તપાસ કરવામાં આવી છે. મજૂરોની સુરક્ષા માટે બેદરકારી દાખવનારા બિલ્ડર અને અન્ય સામે પોલીસે સદોષ મનુષ્ય વધનો કેસ દાખલ કર્યો છે.
આ દુર્ઘટનામાં મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને પચ્ચીસ હાજર રૂપિયાની આપવાની મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી.
કોંઢવા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અનિલ પાટીલે જણાવ્યું હતું કે 'પુણે સ્થિત કોંઢવા ખાતે આલ્કન સ્ટાયલસનું બિલ્ડિંગ અંદાજે ૨૦૧૨માં બાંધવામાં આવી છે. આ સોસાયટીમાં લોકો રહે છે. તેની બાજુમાં અન્ય નવી બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. અહીં કામ કરતા મજૂરો સોસાયટીના કમ્પાઉન્ડની દીવાલની બાજુમાં જ પતરાના ઝૂંપડા બાંધીને રહેતા હતા. મોટાભાગના મજૂરો બિહાર અને પશ્ચિમ બંગાળના હતા.
મજૂરો તેમના પરિવારજનો સાથે ગઈકાલે રાતે ૧.૩૦ વાગ્યે ઝૂંપડામાં સૂતા હતા ત્યારે સોસાયટીની દીવાલ તૂટીને તેમના ઝૂંપડા પર પડી હતી. તેઓ સૂતેલા હોવાથી જીવ બચાવવા ઝૂંપડાની બહાર નીકળી શકયા નહોતા. દીવાલના કાટમાળ નીચે ૧૮થી ૨૦ મજૂર તેમના પરિવારજનો દબાઈ ગયા હતા.
આ કમકમાટીભર્યા બનાવની જાણ થતા સ્થાનિક લોકો, પોલીસ, ફાયરબ્રિગેડ, એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કાટમાળ નીચેથી મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
આ બનાવમાં એક પરિવારના પતિ, પત્ની તેમના પુત્ર, પુત્રી કાળ ભરખી ગયો હતો. કાટમાળ નીચે દટાઈ જતા ચાર બાળક, બે મહિલા, નવ પુરુષ મૃત્યુ પામ્યા હતા. જ્યારે ત્રણ જણ બચી ગયા હતા. પોલીસે જૂની બિલ્ડિંગ અને નવી બંધાઈ રહેલી બિલ્ડિંગના બિલ્ડર અને અન્ય સામે કેમ દાખલ કર્યો છે.
જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, એમ કોંઢવા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અનિલ પાટીલે વધુમાં કહ્યું હતું.
દરમિયાન આ સ્થળે પુણેના પાલક પ્રધાન ચંદ્રકાંત પાટીલ આવ્યા હતા. આ મામલામાં દોષી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું. આ ઉપરાંત સાંસદ ગિરીશ બાપટ, સુપ્રિયા સુળે પણ અહીં આવ્યા હતા.
પુણેમાં અગાઉ પણ બિલ્ડિંગ તૂટી પડતા અનેક નિર્દોષ જણે જીવ ગુમાવ્યો છે
પુણેના કોંઢવામાં સોસાયટીની કમ્પાઉન્ડની દીવાલ તૂટી પડતા ૧૫ જણના મોત નિપજ્યા જેવી છે. ગમખ્વાર ઘટના અગાઉ પણ અહીં બની છે. એમાં અનેક નિર્દોષ જણે પોતાના જીવ ગુમાવ્યા છે. પુણેના બાડોર ખાતે ૨૯ જુલાઈ, ૨૦૧૬ના ૧૩ માળની બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા નવ મજૂરના મોત થયા હતા. આ મામલામાં કોન્ટ્રેક્ટર અને એન્જિનિયર સહિત છ જણની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં ચાર બિલ્ડર સામે કેસ દાખલ કરાયો હતો.
પુણેમાં જતળજાઈ પાસે સપ્ટેમ્બર, ૨૦૧૨માં ગેરકાયદે બાંધવામાં આવેલી બિલ્ડિંગ તૂટી પડતા ૧૧ જણ મૃત્યુ પામ્યા હતા.
જ્યારે પુણેના વાઘેલીમાં ૧૮ ડિસેમ્બર, ૨૦૧૨માં એક ઇમારતનો અમુક હિસ્સો તૂટી જતા કાટમાળ નીચે દટાઈને ૧૩ મજૂર માર્યા ગયા હતા.
આ સિવાય દત્તવાડીમાં એક સોસાયટીની કમ્પાઉન્ડની દીવાલ તૂટી પડતા ત્રણ મહિલાના મોત થયા હતા.
દુર્ઘટનાનો સંપૂર્ણ ઘટનાક્રમ
૧) રાતે ૧.૩૦ કલાકે મજૂરોના ઝૂંપડાઓ પર કમ્પાઉ ન્ડની દીવાલ તૂટી પડી.
૨) રાતે ૧.૪૦ કલાકે બનાવની જાણ થતા સ્થાનિક લોકોઓએ પોલીસને માહિતી આપી.
૩) રાતે ૨.૦૦ કલાકે પોલીસ ઘટના સ્થળે પહોંગચી ગઈ.
૪) રાતે ૨.૧૫ કલાકે ફાયરબ્રિગેડના જવાનો આવી ગયા.
૫) રાતે ૨.૩૦ કલાકે પુણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ મદદ માટે આવી. વરસાદને લીધે બચાવ કામગીરીમાં અડચણ આવી. કાટમાણ નીચે અનેક જમ દટાઈ ગયેલા હોવાનું જણાતા એનડીઆરએફન મદદ માટે બોલાવવામાં આવ્યા.
૬) સવારે ૫.૦૦ કલાકે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે આવી.
૭) સવારે ૭.૩૦ કલાકે જિલ્લાધિકારી નવલકિશોર રામ આવ્યા.
૮) સવારે ૮.૦૦ કલાકે સ્થાનિક નગરસેવક ઘટના સ્થળે પહોંચ્યા.
૯) સવારે ૮.૩૦ કલાકે પોલીસ કમિશનર ઘટના સ્થળે આવી ગયા.
૧૦) સવારે ૧૦.૦૦ કલાકે મેયર આવ્યા અને મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરને કામ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
પુણે દિવાલ ધસી પડતા માર્યા ગયેલાના પરિવારને પાંચ લાખની મદદ
દુર્ઘટનાનો ભોગ બનેલાના મૃતદેહ તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરાશે:મુખ્ય પ્રધાન
પુણેની સોસાયટીની દિવાલ અચાનક ધરાશાયી થતા સર્જાયેલી દુર્ઘટનામાં ૧૫ જણે જીવ ગુમાવ્યા છે આ મામલાની ગંભીરતાને લઇને ઝીણવટભરી તપાસ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જિલ્લાિધકારીને આપ્યો હતો. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તને ૨૫ હજાર રૂપિયાની મદદ કરવાની જાહેરાત મુખ્ય પ્રધાને કરી હતી. એટલું જ નહી મૃતકોના મૃતદેહને તેમના ગામમાં પહોંચાડવાની વ્યવસૃથા સરકાર કરશે એવું પણ તેમણે જાહેર કર્યું હતું.
જો કે અગાઉ સવારે આ દુર્ઘટનામા પ્રત્યેક મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની મદદ રાજ્ય પ્રધાન શિવતારેએ જાહેર કર્યું હતું. એન.ડી.આર.એફ. (નૈસર્ગિક અને આપત્તી વ્યવસૃથાપન)ના ક્વોટામાંથી મદદ આપવામાં આવશે. આ દુર્ઘટનામાં મૃતકો પૈકી અનેક જણ એક જ પરિવારના છે. તો આ મદદ કોને અપાશે એ પણ પ્રશ્ન ઉપસિૃથત થયો છે.
આ દુર્ઘટના બદલ શોક વ્યક્ત કરતાં મુખ્ય પ્રધાને મૃતકના કુટુંબીઓ બદલ સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે બાંધકામ કરનારા મજૂરોના ઝૂંપડા પર દિવાલ તૂટી પડતા થયેલી જાનહાનિએ અતિશય દુર્ભાય પૂર્ણ છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને હું શ્રદ્ધાંજલી આપું છું અને ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થઇ જાય એવી ઇશ્વરને પ્રાર્થના કરું છું. મૃતકો પૈકી ૧૨ મૃતક બિહારના એક જ ગામડાના છે. તેમના મૃતદેહને ગામમાં પહોંચાડવાની વ્યવસૃથા સરકાર દ્વારા કરાશે એમ પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
પહેલા જ વરસાદે જોર દેખાડયું
મુંબઇમાં ઠેર ઠેર દિવાલ અને ઘર પડવાથી બે ઘાયલ:અનેક વાહનોને થયેલું નુકસાન
મુંબઇમાં જુદી જુદી ઠેકાણે દિવાલ તથા ઇમારત ધરાશાયીના કિસ્સા બન્યા હતા. આ દુર્ઘટનામાં બે જણ જખ્મી થયા હતા, એમ પાલિકાના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.
ગોવંડી ખાતે દેવનાર કતલખાનાના મુખ્ય ગેટ પાસે, ટાટાનગર, ભીમ સેવા સંઘમાં ઘરની દિવાલ શુક્રવારે મધરાતબાદ ૧૨.૦૭ વાગ્યે અચાનક તૂટી પડી હતી. આના પગલે સર્જાયેલી દુર્ઘટનામાં બે જણ જખ્મી થયા હતા. ઇજાગ્રસ્તોમાં લાખન ઠાકુર (૧૮ વર્ષ), અને રમેશ લોખંડે (૩૦ વર્ષ) નામના બે જણ જખ્મી થયા હતા તાબડતોબ નજીકમાં આવેલી ગોવંડીની શતાબ્દી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં.
જ્યારે ઘાટકોપર (પ.) ખાતે એકવીર દર્શન સોસાયટી કમ્પાઉન્ડ, મેટ્રો સ્ટેશન પાસે આવેલા જાગૃતિ નગરની સંરક્ષણ દિવાલ આજે સવારે ૧૦.૦૭ તૂટી પડી હતી. ત્યાં દિવાસ પાસે ઉભી રહેલી પાંચ છ કાર પર તે ધરાશાયી જતાં કારને નુકસાન થયું હતું.
જ્યારે કુર્લા (પ.) સ્ટેશન પાસે આવેલી શકિના મંઝિલ નામની જર્જરિત ઇમારતનો અમુક હિસ્સો આજે બપોરે ૧.૦૭ વાગે તૂટી પડયો હતો. આ ઇમારત ખૂબજ જર્જરિત જોખમી હતી. આથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ હેતુસર પાલિકાએ બચી ગયેલા ઇમારતના હિસ્સાને તોડી પાડયો હતો. આ દુર્ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નથી.
આ ઉપરાંત મરોલ ખાતે ભવાની નગરની સ્કાય વીયુ સોસાયટીની દિવાલ આજે સવારે ૭ વાગ્યાના સુમારે તૂટી પડી હતી. ત્યાં ઉભી રહેલી કેટલીક કારને નુકસાન થયું હતું. એમ પાલિકાના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RJg6OY
via Latest Gujarati News
0 Comments