તેલંગણામાં કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યો સત્તાધારી પક્ષ ટીઆરએસમાં જોડાયા


કોંગ્રેસના કુલ ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો હોવાથી તેમનું ધારાસભ્ય પદ યથાવત રહ્યું

હૈદરાબાદ, તા. 6 જૂન, 2019, ગુરૂવાર

તેલંગણામાં કોંગ્રેસના ૧૮માંથી ૧૨ ધારાસભ્યોએ સ્પીકરને સત્તાધારી પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિમાં જોડાઈ જવાની અરજી કરી હતી. કોંગ્રેસના કુલ ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ ધારાસભ્યોની સંયુક્ત અરજીને સ્પીકરે માન્ય રાખી હતી એટલે તેલંગણામાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે.

તેલંગણામાં કોંગ્રેસના ૧૮ ધારાસભ્યો હતા. તેમાંથી ૧૨ ધારાસભ્યો એક સાથે સત્તાધારી પક્ષમાં વિલય થઈ જતાં કોંગ્રેસ પાસે છ ધારાસભ્યો બચ્યા છે. બીજી તરફ સત્તાધારી પક્ષના ધારાસભ્યોની સંખ્યા ૧૦૦ થઈ ગઈ છે.

લોકસભાની ચૂંટણીમાં પરાજય થયો તે કોંગ્રેસ વિવિધ સ્તરે ઝઝૂમી રહી છે. પંજાબમાં આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે. રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી અશોક ગહેલોતને હટાવવાની માગણી કોંગ્રેસના જ ધારાસભ્યો કરી રહ્યા છે. એ દરમિયાન વધુ એક મુશ્કેલી ખડી થઈ છે. તેલંગણામાં કોંગ્રેસના ૧૮ ધારાસભ્યો છે, તેમાંથી ૧૨ ધારાસભ્યોએ સ્પીકરને મળીને સત્તાધારી પક્ષ ટીઆરએસ સાથે મર્જ થવા અરજી કરી હતી. અરજીને સ્પીકરે માન્યતા પણ આપી દીધી હતી.

બે તૃતિયાંશ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષ પલટો કરે તો તેમનું સભ્યપદ રદ થતું નથી એટલે આ તમામ ધારાસભ્યો સત્તાધારી પક્ષનો હિસ્સો બન્યા છે અને તેમનું ધારાસભ્યપદ યથાવત રહેશે. તેલંગણા વિધાનસભામાં ૧૧૯ સભ્યસંખ્યા છે. તેમાંથી ૮૮ બેઠકો સત્તાધારી પક્ષ ટીઆરએસ પાસે હતી. 

હવે તેમાં ૧૨ કોંગ્રેસી ધારાસભ્યો જોડાઈ જતાં હવે તેની સંખ્યા ૧૦૦ થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે માત્ર છ ધારાસભ્યો બચ્યા છે એટલે હવે વિરોક્ષ પક્ષનું પદ પણ કોંગ્રેસે ગુમાવવું પડશે. હવે બીજા નંબરે ૭ બેઠકો સાથે ઔવેસીનો પક્ષ આપી જશે.

તેલંગણા કોંગ્રેસના નેતાઓએ આ ધારાસભ્યોના પક્ષ પલટાના વિરોધમાં વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેલંગણા કોંગ્રેસ કમિટિના પ્રમુખ અને સાંસદ ઉત્તમ કુમારે તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ સામે ધારાસભ્યોને ખરીદવાનો આરોપ મૂક્યો હતો. વિરોધ પ્રદર્શનો કરી રહેલા અન્ય કોંગ્રેસી નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

બીજી તરફ ટીઆરએસ સાથે જોડાયેલા ધારાસભ્યોના ગુ્રપની આગેવાની લેનારા રોહિત રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્યના વિકાસ માટે તેમણે સત્તાધારી પક્ષનું સમર્થન કરવાનું નક્કી કર્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2My7oUL
via Latest Gujarati News

Post a Comment

0 Comments