વિકાસની ગતી ધીમી પડતા નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી 7 ટકા રહેવા આરબીઆઇનો અંદાજ


એપ્રિલમાં દેશની નિકાસમાં માત્ર 0.6 ટકાનો જ વધારો થયો એન્જિનિયરિંગ, ચામડા, જ્વેલરીની વસ્તુઓની નિકાસ ઘટી 

નવી દિલ્હી, તા. 6 જૂન, 2019, ગુરૂવાર

હાલ દેશમાં આર્થિક વિકાસ મંદ ગતીએ ચાલી રહ્યો છે, જીડીપી ૫.૮ ટકા પર પહોંચી ગયો છે જે પાંચ વર્ષમાં સૌથી નીચે છે. આ સ્થિતિ વચ્ચે આરબીઆઇની જે બેઠક મળી હતી તેમાં હવે જીડીપી દરનું અનુમાન ઘટાડી દેવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે વિકાસ દર સાત ટકા રહેવાનું અનુમાન છે.

આ પહેલા એપ્રીલ મહિનામાં મોનેટરી પોલીસી કમિટિએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૭.૨ ટકા રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું. જોકે હવે તેમાં ૦.૨ ટકાનો ઘટાડો કરીને સાત ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. એટલે આરબીઆઇને પણ લાગી રહ્યું છે કે અગાઉ જેટલુ અનુમાન હતું તેટલો જીડીપી પ્રાપ્ત કરવો હાલની પરિસ્થિતિમાં મુશ્કેલ સાબિત થઇ શકે છે.

હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ચીન જેવા દેશો વચ્ચે ટ્રેડ વોર ચાલી રહી છે, જેની અસર ભારત પર પણ પડી શકે છે. અમેરિકાએ ઇરાન પર લગાવેલા પ્રતિબંધો, ભારત સાથે આર્થિક તકરાર જેવા પગલાઓને કારણે ભારતની આયાત અને નિકાસ પર અસર પડી રહી છે. 

સાથે એવી આશા વ્યક્ત કરી છે કે હાલ જે ૫.૮ ટકા જીડીપી છે તેમાં વધારો થઇને સાત ટકા સુધી પહોંચશે તેના પણ કેટલાક કારણો પૈકી રાજકીય સ્થિરતા, સ્થાપિત ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ વધારવો વગેરેનો સમાવેશ થાય છે.

દેશની નિકાસ આ વર્ષે માર્ચ મહિનામાં ૧૧.૮ ટકા વધ્યો હતો, જેમાં એપ્રીલ મહિનામાં માત્ર ૦.૬ ટકા જ વૃદ્ધી થઇ. જેનું કારણ એન્જિનિયરિંગ વસ્તુઓ, રત્નો અને આભુષણો તેમજ ચામડાની વસ્તુઓની નિકાસમાં ઘટાડો પણ માનવામાં આવે છે. હાલ ગ્રામિણ ક્ષેત્રે પણ ખરીદીનું પ્રમાણ ઘટી ગયું છે જેને પગલે પણ વિકાસની ગતી મંદ પડી ગઇ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K4coP4
via Latest Gujarati News

Post a Comment

0 Comments