વ્યાજદરમાં અપેક્ષિત ઘટાડો થવા છતાં સેન્સેક્સમાં વર્ષનો સૌથી મોટો કડાકો


અમદાવાદ, તા. 6 જૂન, 2019, ગુરૂવાર

રિઝર્વ બેંક દ્વારા આજે અપેક્ષા મુજબ વ્યાજ દરમાં ૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હોવા છતાં ય વિવિધ પ્રતિકૂળ અહેવાલોની બજાર પર ગંભીર અસર થવા સાથે ચોમેરથી નીકળેલ વેચવાલીના દબાણ પાછળ સેન્સેક્સમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં સૌથી મોટો ૫૫૪પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો જ્યારે નિફ્ટીમાં ૧૭૮ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું.

મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ સુધારાની ચાલ આગળ વધી હતી. દરમિયાન રિઝર્વ બેંક દ્વારા આજે અપેક્ષા મુજબ વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. જે ચાલુ કેલેન્ડર વર્ષમાં સતત ત્રીજો વધારો ચે. અને તે સાથે રેપોરેટ નવા વર્ષની નીચી સપાટીએ આવ્યો છે. જો કે, આજના રેટકટને બજારે ડિસ્કાઉન્ટ કરી દીધો હતો.

રિઝર્વ બેંક દ્વારા ધિરાણ નીતિની સમીક્ષા દરમિયાન જીડીપીના અંદાજમાં ઘટાડો કરવાની સાથે અન્ય મહત્ત્વના નિર્ણયો લીધા હતા પરંતુ મુશ્કેલીમાં મુકાયેલ એનબીએફસી ક્ષેત્ર તેમજ તરલતાની કટોકટી અંગે કોઈ ચોક્કસ જાહેરાત કરી નહોતી જેની બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી.

બીજી તરફ દિવાન હાઉસિંગ ફાયનાન્સ કંપનીમાં (ડીએચએફએલ) બેંકોના રૃા. ૫૦ હજાર કરોડ સહિત રૃા. ૧ લાખ કરોડનું ધિરાણ જોખમમાં આવી ગયાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી.

આ ઉપરાંત અમેરિકા- ચીન વચ્ચેનું ટ્રેડવોર વધુ પ્રબળ બનવાની સંભાવનાઓના પગલે બજારનું મોરલ સંપૂર્ણ ખરડાઈ જવા પામ્યું હતું. ઉપરોક્ત અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે શેરબજારમાં પ્રારંભિક તબક્કામાં નોંધાયેલ તમામ સુધારો ભૂંસાઈ જવા સાથે ઝડપી પીછેહઠ થવા પામી હતી.

કામકાજના અંતે સેન્સેક્સ ૫૫૩.૮૨ પોઇન્ટ તૂટીને ૩૯૫૨૯.૭૨ની સપાટીએ નરમ રહ્યો હતો. જે વર્ષનો સૌથી મોટો કડાકો છે. આ અગાઉ ગત ૨૨ એપ્રિલે સેન્સેક્સમાં ૪૯૫ પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. કામકાજના અંતે નિફ્ટી પણ ૧૭૭.૯૦ પોઇન્ટ તૂટીને ૧૧૮૪૩.૭૫ની સપાટીએ નરમ રહ્યો હતો.

બજારની તેજીને અસર કરનાર પરિબળો

ડાઉન ગ્રેડિંગ : રેટિંગ એજન્સીઓ દ્વારા વિવિધ કારણોસર અનેક કંપનીઓના રેટિંગ ડાઉનગ્રેડ કરાયા છ તેમાં ય તાજેતરમાં ડીએચએફએલની પ્રતિકૂળતાની બજાર પર ગંભીર અસર થઈ છે.

પ્રવાહિતાની કટોકટી : નાણાં બજારમાં ઉદ્ભવેલ પ્રવાહિતાની કટોકટીને પહોંચી વળવા રિઝર્વ બેંકે કોઈ નકકર પગલા જાહેર કર્યા નથી. તરલતાની સ્થિતિ જાણવા વર્કિંગ ગૃપની રચના કરી છે જેની ભલામણો છ સપ્તાહ પછી જાણી શકાશે.

GDP અંદાજ : રિઝર્વ બેંકે અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ ૭.૨ ટકાથી ઘટાડી ૭ ટકા કર્યો છે. વકરતા ટ્રેડવોરના કારણે દેશની નિકાસ અને રોકાણ પર અસર થઈ શકે છે તેવું રિઝર્વ બેંકનું માનવું છે.

વકરતું ટ્રેડવોર : અમેરિકન પ્રમુખ દ્વારા ફરી એકવાર ચીનની વધુ ૩૦ અબજ ડોલરની આયાત પર ટેરિફ વધારવાની ટ્વિટ બાદ ટ્રેડવોર વધુ વકરશે તેવો ભય ઉભો થયો છે.

વૈશ્વિક આર્થિક મંદી : વિવિધ સંસ્થાઓ દ્વારા વૈશ્વિક આર્થિક મંદીના નિવેદનની પણ બજાર પર અસર થઈ રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KyZJTM
via Latest Gujarati News

Post a Comment

0 Comments