
મોદી સરકારને હામા હા મિલાવનારા પપેટ અધિકારીઓ જ પસંદ છે તે સાબીત થયું : કોંગ્રેસનો આરોપ
નવી દિલ્હી, તા.24 જૂન, 2019, સોમવાર
વિરલ આચાર્યએ આરબીઆઇના ડેપ્યૂટી ગવર્નર પદેથી રાજીનામુ આપી દીધુ છે જેને પગલે હવે વિપક્ષે સરકાર પર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે આ રાજીનામા પરથી પુરવાર થાય છે કે જે પણ વ્યક્તિ સરકારને સત્યનું દર્પણ દેખાડે છે તે હવે પદ છોડી રહ્યા છે.
અગાઉના મોદી સરકારના કાર્યકાળમાં પણ આ જ સ્થિતિ હતી અને હાલ પણ ઇમાનદાર અધિકારીઓ રાજીનામા આપવા માટે મજબુર છે. સરકારો બદલાઇ રહી છે પણ દેશનું અર્થતંત્ર નથી બદલાઇ રહ્યું.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે મોદી સરકારે અર્થતંત્રને આંચકો આપ્યો છે, બીજી તરફ આ સરકારના કાર્યકાળમાં લોન ડિફોલ્ટરની સંખ્યા વધી રહી છે. આંકડા જારી કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે માર્ચ ૨૦૧૪ના રોજ નાદારીની કુલ રકમ રૂ.૩૯૫૦૪ કરોડ હતી જે વધીને હવે રૂ. ૧,૨૧,૭૦૦ કરોડ સુધી પહોંચી ગઇ છે. જેમાં માત્ર એસબીઆઇની રકમ રૂ. ૩૯૪૭૧ કરોડ જેટલી છે.
દિવસે ને દિવસે ડિફોલ્ટરોની સંખ્યા વધી રહી છે જ્યારે બીજી તરફ આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. આ સમસ્યાઓ સામે જે અવાજ ઉઠાવે છે અને સરકારને સાચી દિશા બતાવવાનો પ્રયાસ કરે છે તેને પદ ગૂમાવવું પડે છે.
સુરજેવાલે જણાવ્યું હતું કે મોદી સરકારને માત્ર પપેટ અધિકારીઓ જ ગમે છે કે જે તેમની હામા હા અને નામા ના મિલાવતા હોય. હાલ વિરલ આચાર્યએ રાજીનામુ આપ્યું છે અગાઉ ઉર્જિત પટેલ, અરવિંદ સુબ્રમણ્યમ સહીતના સારા અને નિષ્ણાંત અધિકારીઓ સરકારથી દુર થઇ રહ્યા છે કેમ કે સરકારને તેઓ દર્પણ દેખાડી રહ્યા છે.
આવા જે પણ ઇમાનદાર અધિકારીઓ છે તેઓની યાદીમાં હવે વિરલ આચાર્યનો પણ સમાવેશ થઇ ગયો છે. આરબીઆઇની સ્વતંત્ર અંગે સવાલો ઉઠાવનારા વિરલ આચાર્યએ રાજીનામુ આપવું પડે તે અતી દુ:ખદ બાબત છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2x7Bzrx
via Latest Gujarati News
0 Comments