
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.24 જૂન, 2019, સોમવાર
ભારતીયોએ ૧૯૮૦થી ૨૦૧૦ સુધીના ૩૦ વર્ષના સમયગાળામાં ૨૧૬.૪૮ અબજ ડોલરથી ૪૯૦ અબજ ડોલરની વચ્ચે કાળું નાણું દેશને બહાર મોકલ્યું હતું. ત્રણ અગ્રણી સંસ્થાઓ એનઆઇપીએફપી, એનસીએઇઆર અને એનઆઇએફએમએ પોતાના અભ્યાસમાં આ વાત જણાવી છે.
લોકસભામાં આજે ફાઇનાન્સ અંગેની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર જે સેક્ટરમાં સૌથી વધુ કાળું નાણું જોવા મળ્યું તેમાં રિયલ એસ્ટેટ, માઇનિંગ. ફાર્મા, પાન મસાલા, ગુટખા, તમાકુ, બુલિયન, કોમોડિટી, ફિલ્મ અને એજ્યુકેશનનો સમાવેશ થાય છે.
કમિટીના 'સ્ટેટ્સ ઓફ અનએકાઉન્ટેડ ઇનકમ/વેલ્થ બોથ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ધ કન્ટ્રી એ ક્રિટિકલ એનાલિસિસ' નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કાળું નાણું ઉત્પન્ન થવા કે એકત્ર થવા અંગે કોઇ વિશ્વાસપાત્ર અંદાજ નથી અને આ પ્રકારનો અંદાજ દર્શાવવા માટે કોઇ સર્વમાન્ય પધ્ધતિ પણ નથી.
અહેવાલ મુજબ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ(એનસીએઇઆર)એ પોતાના અભ્યાસમાં જણાવ્યું છે કે ભારતમાંથી ૧૯૮૦થી ૨૦૧૦ દરમિયાન ૩૮૪ અબજ ડોલરથી ૪૯૦ અબજ ડોલરની વચ્ચે કાળું નાણું વિદેશમાં મોકલવામાં આવ્યું હતું.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ (એનઆઇએફએમ)ના જણાવ્યા અનુસાર ૧૯૯૦થી ૨૦૦૮ દરમિયાન ૨૧૬.૪૮ અબજ ડોલરનું કાળું નાણું વિદેશમાં મોકલવામાં આવ્યું હતું.
નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લિક પોલિસી એન્ડ ફાઇનાન્સ(એનઆઇપીએફપી)ના જણાવ્યા અનુસાર ૧૯૯૭થી ૨૦૦૯ દરમિયાન દેશના જીડીપીના ૦.૨ ટકાથી લઇને ૭.૪ ટકા સુધીનું કાળું વિદેશમાં મોકલવામાં આવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YavMxf
via Latest Gujarati News
0 Comments