જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓનો સફાયો કર્યો

શ્રીનગર, તા. 7 જૂન 2019, શુક્રવાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકવાદીઓનો સફાયો કરવાનો ક્રમ જારી છે. ગુરુવારે મોડી રાતે પુલવામામાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ 4 આતંકવાદીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના 2 SPO પણ સામેલ છે. આ બંને SPO ગુરુવારે સાંજે સર્વિસ રાઇફલ લઇને ફરાર થઇ ગયા હતાં. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતાં.

દક્ષિણ કાશ્મીરના પુલવામાના લસ્સીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું. આશરે 18 કલાક ચાલેલા આ ઓપરેશનમાં છેવટે સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસના  SPO પોતાની સર્વિસ રાઇફલ લઇને ફરાર થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં જાણવા મળ્યું કે બંને SPO આતંકવાદીઓ સાથે મળી ગયા છે. એ પછી સુરક્ષા દળોનું ઓપરેશન વધારે તેજ થયું અને પછી સેનાએ પણ પોતાનું કામ શરૂ કરી દીધું.

જોકે હાલ આ વિસ્તારમાં ઇન્ટરનેટ સુવિધા બંધ રાખવામાં આવી છે અને સુરક્ષા પણ વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા દળો તરફથી ટોપ 10 આતંકવાદીઓનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે જેમનો સફાયો બોલાવવાનો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XuSPCs
via Latest Gujarati News

Post a Comment

0 Comments