
અમેરિકાના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર વાયુમંડળમાં કાર્બન ડાયોકસાઇડનું સૌથી ઉંચું પ્રમાણ નોંધ્યું છે. અમેરિકા સ્થિત મૌના લોવા ઓબ્ઝર્વેટરી ૧૯૫૦ના દસકાથી પૃથ્વીના વાતાવરણમાં કાર્બનડાયોકસાઇડનું નીરિક્ષણ કરે છે. ૧૯૫૯માં કાર્બન ડાયોકસાઇડની માત્રા વાર્ષિક સરેરાશ ૩૧૫.૯૭ હતી જે ૨૦૧૮ સુધીમાં વધીને ૯૨.૫૫ અંકનો વધારા સાથે ૪૦૮.૫૨ના પીપીએમે પહોંચી હતી. ઇસ ૧૯૫૯થી લઇને ૨૦૧૮ સુધીની સરેરાશ જોવામાં આવે તો દર વર્ષે કાર્બનના સ્તરમાં ૧.૫૭ પીપીએમનો વધારો થયો છે. ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર હાલમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ૪૧૫.૨૬ પાર્ટસ પ્રતિ મિલિયનની સપાટી સુધી પહોંચી ગયું છે.
પૃથ્વી પર કાર્બનની આટલી વૃધ્ધિ ૩૦ લાખ વર્ષ પહેલા થઇ હતી. એ સમયે સમુદ્રનું જળસ્તર ઘણા મીટર ઉંચું હતું અને એન્ટાર્કટિકાનો મોટો ભાગ જંગલથી આચ્છાદિત હતો. પૉટસડેમ ઇન્સ્ટીટયૂટ ફોર કલાઇમેટ ઇમ્પેકટ રિસર્ચના સંશોધકોનું માનવું છે કે કાર્બનના વધતા જતા પ્રમાણને પહેલા તો રોકવાની જરુર છે તેના સ્થાને જીવાશ્મ ઇંધણનો બેફામ વપરાશ થવાથી પ્રમાણ વધતું જાય છે. કાર્બન ઉપરાંત મીથેન, નાઇટ્રેટ ઓકસાઇડ જેવા ઝેરી ગેસોનું પ્રમાણ વધી રહયું છે. ૨૦૧૯નું વર્ષ અલનિનોથી પ્રભાવિત રહી શકે છે.

ગત વર્ષની સરખામણીમાં કાર્બનનું પ્રમાણ ૩ પાર્ટસ પ્રતિ મિલિયન (પીપીએમ) વધારે રહેશે. અત્રે નોંધનિય છે કે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું સ્તર ૯ મે ૨૦૧૩માં પ્રથમવાર ૪૦૦ પીપીએમના આંકડાને પાર કર્યો હતો. ૨૦૧૫ની પેરિસ સમજૂતી મુજબ પૃથ્વીનું તાપમાન ૨ ડિગ્રી સેલ્સિયસ ઘટાડવાની અને ૧.૫ ડિગ્રી સેલ્સિયસ ઘટાડવા માટે તાત્કાલિક પ્રયાસોની જરુર છે. પૃથ્વીની સપાટીનું તાપમાન પહેલેથી જ ૧ ડિગ્રી વધી ગયું છે. છેલ્લા ૪ વર્ષ માનવ ઇતિહાસના સૌથી ગરમ વર્ષ હતા. ગ્રીન હાઉસ ગેસોના સતત ઉત્સર્જનના કારણે આ કાર્બન વૃધ્ધિ થઇ રહી છે જે માનવ સભ્યતા માટે ખતરાની ઘંટડી સમાન છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WhClMN
via Latest Gujarati News
0 Comments