વેનેઝુએલામાં 50,000 આપતાં પણ બે કિલો સફરજન મળતા નથી!


એક પેકેટ બ્રેડ ખરીદવા કોથળો ભરીને રોકડ આપવી પડતી હતી એટલે વેનેઝુએલાની બેંકને ૫૦ હજાર સુધીની નોટો બહાર પાડવી પડી

કેરાકસ, તા. 13 જૂન, 2019, ગુરૂવાર

વેનેઝુએલાની આર્થિક કટોકટી અતિશય ગંભીર સ્તરે પહોંચી ચૂકી છે. વેનેઝુએલામાં હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે બે કિલો સફરજન ખરીદવા હોય તો ૫૦ હજાર ચૂકવવા પડે છે. વેનેઝુએલાની કરન્સી બોલિવરની ૫૦ હજારની નોટના બદલામાં માત્ર બે કિલો સફરજન માંડ ખરીદી શકાય છે.

વેનેઝુએલાની આર્થિક સ્થિતિ બદહાલ થઈ ગઈ છે. એક પેકેટ બ્રેડ ખરીદવા માટે લોકો કોથળો ભરીને વેનેઝુએલાની બોલિવર કરન્સી લઈને જતા હતા. ફુગાવાના કારણે ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલિયમ ભંડારના કારણે એક સમયે સમૃદ્ધ ગણાતા વેનેઝુએલામાં સર્જાયેલી આ સ્થિતિ પછી દેશની કેન્દ્રિય બેંકે મોટી રકમની નોટ બહાર પાડી હતી.

વેનેઝુએલાની કેન્દ્રિય બેંકે જાહેર કર્યું હતું એ પ્રમાણે ૧૦ હજાર, ૨૦ હજાર અને ૫૦ હજાર બોલિવરની નોટ હવે ચલણમાં આવી ગઈ છે. 

કોથળો ભરીને કરન્સી ન લઈ જવી પડે એટલે મોટી રકમની નોટ બહાર પાડવાની બેંકને ફરજ પડી હતી. હવે બે કિલો સફરજન ખરીદવા જવા માટે કોથળો ભરીને નોટો લઈ જવી નહીં પડે, પરંતુ તે માટે ૫૦ હજાર બોલિવરની એક નોટ તો ખર્ચી નાખવી પડશે.

૫૦૦ બોલિવરની નોટ લઈને વેનેઝુએલાની માર્કેટમાં જનારાને એક ચોકલેટ પણ મળે નહીં એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વેનેઝુએલાની કરન્સી બોલિવરનું કોઈ જ મૂલ્ય નથી. સ્થાનિક બસ કે શાકભાજી ખરીદવા પૂરતી આ કરન્સી ચાલી રહી છે.

તે સિવાય સામાન્ય રીતે મોટો વહીવટ ડોલરમાં કે પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી જ થાય છે. વેનેઝુએલાની મોંઘવારીથી બચવા માટે છેલ્લાં વર્ષોમાં દેશના ૩૦ લાખ લોકો બ્રાઝિલ, ચીલી, કોલંબિયા, એક્વાડોર કે પેરુમાં જઈને રહેવા લાગ્યા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MMxqUy
via Latest Gujarati News

Post a Comment

0 Comments